Home Entertainment Big Crisis On The Day Of Release Of Border 2 Morning Shows Cancelled Many Cities Fans Sad

'બોર્ડર 2' ના રિલિઝના દિવસે જ મોટું સંકટ : અનેક શહેરોમાં મોર્નિંગ શો કેન્સલ, થિયેટર બહાર ફેન્સનો હંગામો

'બોર્ડર 2' ના રિલિઝના દિવસે જ મોટું સંકટ
Published by: OBS Bureau
Last Updated: Jan 23, 2026, 04:38 AM IST

ભારતીય સિનેમાની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંની એક 'બોર્ડર 2' આજે ૨૩ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ રિલિઝ થઈ ગઈ છે. ૨૯ વર્ષ પહેલાં જે રીતે જે.પી. દત્તાની 'બોર્ડર' એ આખા દેશમાં દેશભક્તિનું મોજું ફેરવી દીધું હતું, તેવો જ ક્રેઝ આ સીક્વલ માટે જોવા મળી રહ્યો છે. જોકે, આતુરતાથી રાહ જોતા ફેન્સ માટે રિલિઝની સવાર નિરાશાજનક રહી છે. ટેકનિકલ ખામીઓ અને પ્રિન્ટ સમયસર ન પહોંચવાના કારણે મુંબઈ સહિત દેશના અનેક ભાગોમાં મોર્નિંગ શો કેન્સલ કરવાની ફરજ પડી છે. થિયેટરની બહાર ઉભેલા સની દેઓલના ચાહકો આ ખામીને કારણે રોષે ભરાયા છે.

ટેકનિકલ ખામી નડી: 8, 9 અને 10 વાગ્યાના શો પર ગ્રહણ

રિપોર્ટ્સ અનુસાર, 'બોર્ડર 2' ના રિલિઝ પહેલા જ એક મોટી સમસ્યા સામે આવી છે. ફિલ્મનું ફાઈનલ કન્ટેન્ટ (ડિજિટલ પ્રિન્ટ) ગુરુવાર મોડી રાત સુધી તૈયાર નહોતું. UFO Moviez જેવા ડિલિવરી પ્લેટફોર્મ્સે સિનેમાઘરોને જાણ કરી હતી કે કન્ટેન્ટ ડાઉનલોડ કરવામાં ધાર્યા કરતા વધુ સમય લાગી રહ્યો છે. આ જ કારણ છે કે આજે સવારે 8, 9 અને 10 વાગ્યાના શો અનિશ્ચિત કાળ માટે મુલતવી રાખવામાં આવ્યા છે અથવા કેન્સલ કરવામાં આવ્યા છે.

મુંબઈના અનેક થિયેટરોમાં શો કેન્સલ, ફેન્સ નિરાશ

ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, મુંબઈના બોરીવલીમાં મેક્સસ સિનેમા સહિત અનેક જાણીતા થિયેટરોમાં પહેલા દિવસે પહેલો શો રદ કરવામાં આવ્યો છે. મુંબઈના પ્રખ્યાત સિંગલ સ્ક્રીન થિયેટરોમાં પણ વહેલી સવારથી પહોંચેલા ફેન્સને ટિકિટના પૈસા પરત આપવા અથવા શો રી-શેડ્યૂલ કરવાની નોબત આવી છે. થિયેટર માલિકોનું કહેવું છે કે, જેવું કન્ટેન્ટ ડાઉનલોડ થઈ જશે, તેવા જ શો શરૂ કરી દેવામાં આવશે.

કેમ થઈ આટલી મોટી ભૂલ?

ટ્રેડ એનાલિસ્ટના મતે, 'બોર્ડર 2' ની લંબાઈ આશરે 192 મિનિટ (3 કલાક 12 મિનિટ) છે. આટલી મોટી ફિલ્મનું ફાઈલ સાઈઝ વધુ હોવાથી ડાઉનલોડિંગ અને સર્વર પર લોડ કરવામાં સમય લાગે છે. ગુરુવારે અડધી રાત સુધી કન્ટેન્ટ તૈયાર ન હોવાથી સવારે 06:30 વાગ્યે ડાઉનલોડિંગ શરૂ કરવામાં આવ્યું હતું, જેના કારણે મિશન 'ફર્સ્ટ ડે ફર્સ્ટ શો' પર પાણી ફરી વળ્યું છે.

'બોર્ડર ૨' વિશેની ખાસ વાતો

  • સ્ટાર કાસ્ટ: સની દેઓલની સાથે આ વખતે વરુણ ધવન, દિલજીત દોસાંઝ અને અહાન શેટ્ટી જેવા સ્ટાર્સ જોવા મળશે.

  • ડિરેક્શન: અનુરાગ સિંહના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ 1997ની આઈકોનિક ફિલ્મ 'બોર્ડર' ની સીક્વલ છે.

  • વીકેન્ડ ધમાકો: પ્રજાસત્તાક પર્વ (26 જાન્યુઆરી) ના લાંબા વીકેન્ડનો લાભ લેવા માટે ફિલ્મને આજે રિલિઝ કરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now