ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દબાણ હટાવ ટીમ અને લારી ધારકો વચ્ચે આજે ઉગ્ર બોલાચાલીનો બનાવ બન્યો હતો. મનપા દ્વારા ગંગાજળિયા તળાવ, ઘોઘા ગેટ અને મેઈન બજાર સહિતના વિસ્તારોમાં માર્ગ પર અડચણરૂપ દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
લારી ધારકોનો હોબાળો
કાર્યવાઈ દરમિયાન રોડ પર ઉભી રાખવામાં આવેલી લારીઓ મનપા દ્વારા જપ્ત કરવામાં આવતાં મામલો ગરમાયો હતો. મોટી સંખ્યામાં લારી ધારકો દબાણ કચેરી ખાતે પહોંચી હોબાળો કર્યો અને પોતાના રોજગાર પર અસર થતી હોવાનો આક્ષેપ કર્યો હતો. મનપાના અધિકારીઓ અને લોકો વચ્ચે તીવ્ર બોલાચાલી સર્જાઈ હતી.
'ટ્રાફિકમાં અવરોધ ઉભો કરતી લારીઓ રાખવાની મંજૂરી નથી'
અધિકારીઓએ સ્પષ્ટ જણાવ્યું હતું કે શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિકમાં અવરોધ ઉભો કરતી લારીઓ રાખવાની મંજૂરી નથી. જો લારી રાખવી હોય તો મનપા કચેરીમાંથી નિયમ મુજબ મંજૂરી લઈ નિર્ધારિત સ્થળે જ વ્યવસાય કરવો પડશે. નિયમોનું પાલન કર્યા વગર માર્ગ પર લારી રાખવાની છૂટ આપવામાં આવશે નહીં. વિવાદ છતાં દબાણ હટાવ ટીમે કાર્યવાહી યથાવત રાખી હતી અને શહેરમાં ટ્રાફિક સુચારૂ રહે તેમજ જાહેર સુવિધા જળવાઈ રહે તે માટે દબાણો દૂર કરવાની કામગીરી ચાલુ રાખી હતી.






