Home Gujarat Beating With Sticks On Public Road Near Somatalav Bridge In Vadodara

વડોદરાના સોમાતળાવ બ્રિજ પાસે જાહેર માર્ગ પર યુદ્ધનું મેદાન : લાકડીઓ વડે મારામારી બાદ બન્ને પક્ષના 6 શખસ સામે નોંધાયો ગુનો

વડોદરાના સોમાતળાવ બ્રિજ પાસે જાહેર માર્ગ પર યુદ્ધનું મેદાન
Published by: OBS Bureau
Last Updated: Jan 04, 2026, 09:22 AM IST

વડોદરા શહેરના સોમાતળાવ બ્રિજ પાસે તરસાલી તરફ જતા મુખ્ય માર્ગ પર જાહેરમાં ધીંગાણું મચાવનાર શખસોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. વાઇરલ વીડિયો સામે આવ્યા બાદ મકારપુરા પોલીસ સ્ટેશન હરકતમાં આવી હતી. ઘટનાની ગંભીરતા જોતા મકારપુરા પોલીસના હેડ કોન્સ્ટેબલ ફરિયાદી બની બન્ને પક્ષના કુલ છ શખસો સામે જાહેરમાં દંડા-ધોકા ઉડાવી ભય ફેલાવવાના આરોપસર ગુનો નોંધવામાં આવ્યો છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ સમગ્ર ઘટના ભરવાડ સમાજના અંદરોઅંદરના વિવાદને લઈને બની હતી. સંબંધીઓ વચ્ચે ચાલતા ખાનગી ઝઘડાએ જાહેર માર્ગ પર ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. નોંધનીય છે કે ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ફેલાતા લોકોમાં પોલીસની કામગીરી અંગે ચર્ચા શરૂ થઈ હતી.

પોલીસે નોંધેલી ફરિયાદ મુજબ, વીડિયોમાં કેટલાક વ્યક્તિઓ જાહેર રસ્તા પર એકબીજા સાથે ઉગ્ર બોલાચાલી કરતા, બુમરાણ કરતા અને હાથ તેમજ લાકડીઓ વડે એકબીજા પર હુમલો કરતા જોવા મળે છે. જાહેર માર્ગ પર જાણે યુદ્ધનું મેદાન સર્જાયું હોય તેવો માહોલ સર્જાતા વાહનચાલકો અને સ્થાનિકોમાં ભય ફેલાયો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ ઝઘડો ભરવાડ સમાજના સંબંધીઓ વચ્ચે અગાઉથી ચાલતા વિવાદને લઈને થયો હતો.

આ કેસમાં એક પક્ષમાંથી લાલા ભોપાભાઈ ભરવાડનો સમાવેશ થાય છે, જ્યારે બીજા પક્ષમાં કવા વાહાભાઈ ભરવાડ, ભાથુ વાહાભાઈ ભરવાડ, દેહુર વાહાભાઈ ભરવાડ, રાકેશ કાળુભાઈ ભરવાડ અને ભરત કાળુભાઈ ભરવાડનો સમાવેશ થાય છે. તમામ આરોપીઓ વડોદરાના દંતેશ્વર વિસ્તારની સંતોષવાડીમાં આવેલા ભરવાડ વાસમાં રહે છે.

ઘટનામાં લાલા ભરવાડ ને માથામાં ચીરા, છાતીના ભાગે ઈજા તેમજ ડાબા હાથ પર મારના નિશાન જોવા મળ્યા હતા. તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઈજાઓ ગુરુનાનક સ્કૂલ સામેની બાજુમાં થયેલા હુમલાના પરિણામે થઈ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

જાહેર સ્થળે અનધિકૃત રીતે મંડળી રચી લાકડીઓ જેવા હથિયારો વડે ઝઘડો કરી જાહેર શાંતિ ભંગ કરવાના આરોપસર પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધી વધુ તપાસ અને કાર્યવાહી શરૂ કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now