Home Sports Bcci To Honour Rahul Dravid With Lifetime Achievement Award Along With Shubman Gill And Ayush Mhatre

રાહુલ દ્રવિડને 'લાઈફટાઈમ અચિવમેન્ટ' એવોર્ડથી સન્માનિત કરશે BCCI! : શુભમન ગિલ અને આયુષ મ્હાત્રેનું થશે સન્માન, દિલ્હીમાં યોજાશે ભવ્ય સમારોહ

રાહુલ દ્રવિડને 'લાઈફટાઈમ અચિવમેન્ટ' એવોર્ડથી સન્માનિત કરશે BCCI!
Published by: OBS Bureau
Last Updated: Mar 12, 2026, 10:27 AM IST

BCCI Naman Awards : ભારતીય ક્રિકેટમાં ફરી એકવાર દિગ્ગજો અને ઉભરતા સ્ટાર ખેલાડીઓના સન્માનનો અવસર આવી ગયો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા આગામી 15 માર્ચના રોજ દિલ્હીમાં પ્રતિષ્ઠિત વાર્ષિક 'નમન એવોર્ડ્સ' નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ભારતીય ક્રિકેટના પૂર્વ દિગ્ગજ બેટર અને સફળ કોચ રાહુલ દ્રવિડને તેમના અનન્ય યોગદાન બદલ સર્વોચ્ચ સન્માન 'કર્નલ સીકે નાયડુ લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ' થી સન્માનિત કરવામાં આવશે.

રાહુલ દ્રવિડ : અતૂટ વિશ્વાસનું બીજું નામ

'ધ વોલ' તરીકે જાણીતા રાહુલ દ્રવિડનું નામ ભારતીય ક્રિકેટના સુવર્ણ ઇતિહાસમાં અંકિત છે. સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી અને વીવીએસ લક્ષ્મણ સાથેની ‘બિગ ફોર’ જોડીમાં દ્રવિડ હંમેશા એક મજબૂત આધાર સ્તંભ રહ્યા છે. ટેસ્ટ અને વનડે બંને ફોર્મેટમાં 10,000 થી વધુ રન બનાવનારા દ્રવિડે ભારતને વિદેશી ધરતી પર જીતવાનો આત્મવિશ્વાસ અપાવ્યો હતો.

કોચિંગમાં પણ રચ્યો ઈતિહાસ

રાહુલ દ્રવિડ માત્ર મેદાન પર જ નહીં, પણ મેદાનની બહાર કોચ તરીકે પણ તેટલા જ સફળ રહ્યા છે. 2018 માં અંડર-19 વર્લ્ડ કપ જીત્યા બાદ, તેમણે સિનિયર ટીમના હેડ કોચ તરીકેની જવાબદારી સંભાળી. તેમના માર્ગદર્શન હેઠળ ભારત 2023 ના ODI વર્લ્ડ કપમાં રનર્સ-અપ હતી. 2024 T20 વર્લ્ડ કપ જીતીને ટ્રોફીનો લાંબો દુષ્કાળ ખતમ કર્યો હતો. નોંધનીય છે કે ભારતે ત્યારબાદ ચેમ્પિયન્સ ટ્રોફી અને T20 વર્લ્ડ કપ 2026 માં પણ જીતનો સિલસિલો જાળવી રાખ્યો છે.

શુભમન ગિલ અને યુવા પ્રતિભાઓનું સન્માન

વર્તમાન જનરેશનના પ્રતિભાશાળી બેટર અને ટીમ ઈન્ડિયાના ODI અને ટેસ્ટના કેપ્ટન શુભમન ગિલને તેના શાનદાર પ્રદર્શન બદલ 'ક્રિકેટર ઓફ ધ યર' ના એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. આ ઉપરાંત, મુંબઈના યુવા ઓલરાઉન્ડર આયુષ મ્હાત્રેને ડોમેસ્ટિક ક્રિકેટમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે 'લાલા અમરનાથ એવોર્ડ' આપવામાં આવશે. ડોમેસ્ટિક ક્રિકેટમાં દબદબો જાળવી રાખવા બદલ મુંબઈ ક્રિકેટ એસોસિએશનને (MCA) શ્રેષ્ઠ એસોસિએશનનો ખિતાબ મળશે.

મહિલા ક્રિકેટ પર વિશેષ ધ્યાન

રિપોર્ટ્સના જણાવ્યા અનુસાર, BCCI મહિલા ક્રિકેટની દિગ્ગજ ખેલાડી મિતાલી રાજને પણ લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ આપવા પર ગંભીર વિચારણા કરી રહ્યું છે. જો આ નિર્ણય લેવાશે તો તે ભારતીય મહિલા ક્રિકેટ માટે એક ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ ક્ષણ હશે.

કોણ હતા કર્નલ સીકે નાયડુ?

સીકે નાયડુ (કોટ્ટારી કનકૈયા નાયડુ) ભારતીય ક્રિકેટના પ્રથમ ટેસ્ટ કેપ્ટન અને સાચા અર્થમાં 'પિતામહ' હતા. 1932 માં ભારતની પ્રથમ ટેસ્ટ મેચમાં તેમણે ટીમનું નેતૃત્વ કર્યું હતું. તેઓ તેમની આક્રમક બેટિંગ અને લાંબી સિક્સર મારવાની ક્ષમતા માટે પ્રખ્યાત હતા. રસપ્રદ વાત એ છે કે, તેમણે 68 વર્ષની ઉંમર સુધી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમી હતી. ભારત સરકારે તેમને 1956 માં પદ્મભૂષણથી સન્માનિત કર્યા હતા. આજે પણ BCCI નું સર્વોચ્ચ સન્માન અને અંડર-23 ટુર્નામેન્ટ તેમના નામ સાથે જોડાયેલા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now