Home Sports Bcci Changes Rules From Practice To Dress Code For Ipl 2026

IPL પહેલા BCCI એ પ્રેક્ટિસથી લઈને ડ્રેસિંગ કોડ સુધીના નિયમો બદલ્યા! : ઓરેન્જ અને પર્પલ કેપ પણ પહેરવી થઈ ફરજિયાત!

IPL પહેલા BCCI એ પ્રેક્ટિસથી લઈને ડ્રેસિંગ કોડ સુધીના નિયમો બદલ્યા!
Published by: Aryan Shah
Last Updated: Mar 24, 2026, 06:35 AM IST

IPL Rules : IPL 2026 ની 19 મી સીઝન શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI) એ તમામ 10 ટીમો માટે કડક નિયમો અને નવી ગાઈડલાઈન જાહેર કરી છે. આ વખતે માત્ર મેદાન પરના ખેલાડીઓ જ નહીં, પરંતુ તેમના પરિવારના સભ્યો, સપોર્ટ સ્ટાફ અને નેટ બોલરો માટે પણ પ્રોટોકોલ નક્કી કરવામાં આવ્યા છે. શિસ્ત જાળવવા માટે બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે, હવે ખેલાડીઓની મનમાની ચાલશે નહીં.

પરિવાર માટેના નિયમો

BCCI એ સ્પષ્ટ કર્યું છે કે, પ્રેક્ટિસના દિવસોમાં ખેલાડીઓ માત્ર નિયુક્ત ટીમ બસ દ્વારા જ સ્ટેડિયમ પહોંચશે. ખેલાડીઓના પરિવારના સભ્યો કે મિત્રો ટીમ બસમાં મુસાફરી કરી શકશે નહીં. તેમને અલગ વાહનોમાં આવવાનું રહેશે અને તેઓ માત્ર હોસ્પિટાલિટી એરિયામાંથી જ પ્રેક્ટિસ સેશન જોઈ શકશે. તેમને મેદાન પર ઉતરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

પ્રેક્ટિસ સેશનના નિયમો

નવી ગાઈડલાઈન મુજબ, મેચના દિવસે કોઈ પણ પ્રેક્ટિસ સેશનની મંજૂરી આપવામાં આવશે નહીં. ખાસ કરીને મુંબઈના વાનખેડે સ્ટેડિયમ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યાં ટીમોને મુખ્ય મેદાનની બંને બાજુએ પ્રેક્ટિસ વિકેટ ફાળવવામાં આવશે. કોઈપણ ટીમને તેમની વિરોધી ટીમને ફાળવેલી પ્રેક્ટિસ વિકેટનો ઉપયોગ કરવા દેવામાં આવશે નહીં. જો કોઈ ટીમ વહેલી પ્રેક્ટિસ પૂરી કરે, તો પણ બીજી ટીમ તે પિચ વાપરી શકશે નહીં.

ફિટનેસ અને ડ્રેસ કોડ

મેચના દિવસે મેદાન પર કોઈ ફિટનેસ ટેસ્ટ લેવામાં આવશે નહીં. ખેલાડીઓએ ડ્રેસ કોડનું ચુસ્તપણે પાલન કરવું પડશે. ઓરેન્જ અને પર્પલ કેપ ધરાવતા ખેલાડીઓએ મેચની પ્રથમ બે ઓવર દરમિયાન ફરજિયાતપણે તે કેપ પહેરવી પડશે. વધુમાં, મેચ પછીના પ્રેઝન્ટેશન દરમિયાન ફ્લોપી ટોપી અથવા સ્લીવલેસ જર્સી પહેરવા પર સખત પ્રતિબંધ છે. જો કોઈ ખેલાડી આ નિયમ તોડશે તો તેને દંડ થઈ શકે છે.

શિસ્ત અને દંડની જોગવાઈ

ટીમ મેનેજમેન્ટ અને સપોર્ટ સ્ટાફ માટે પણ નિયમો કડક છે. પ્લેયર અને મેચ ઓફિસિયલ્સ એરિયા (PMOA) માં માન્યતા પ્રાપ્ત પાસ (Accreditation) રાખવા ફરજિયાત છે. જો કોઈ સ્ટાફ સભ્ય પાસ ભૂલી જાય, તો પહેલીવાર ચેતવણી અને બીજીવાર નાણાકીય દંડ લગાવવામાં આવશે. મેચના દિવસે ટીમ ડોક્ટર સહિત ટીમ દીઠ વધુમાં વધુ 12 માન્યતા પ્રાપ્ત સપોર્ટ સ્ટાફ સભ્યોને જ પ્રવેશ મળશે.

મેદાન પરની સાવચેતી

BCCI એ નોંધ્યું છે કે, ખેલાડીઓ વારંવાર પ્રેક્ટિસ દરમિયાન LED બોર્ડ પર સીધા શોટ મારે છે, જે LED બોર્ડને નુકસાન પહોંચાડી શકે છે. ટીમોને વિનંતી કરવામાં આવી છે કે આ નિયમનું પાલન કરવામાં આવે. તેમજ, ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફે LED બોર્ડની સામે સીધા બેસવાનું ટાળવું જોઈએ અને બૅન્ચ ખેલાડીઓએ પાણીની બોટલો અને ટુવાલ લઈને ક્યાં બેસવું, તે માટે પણ ચોક્કસ વિસ્તારો નક્કી કરવામાં આવ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now