Home Gujarat Bca Election Gujarat High Court Disqualifies Kiran More Four Candidates

BCA ચૂંટણીમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો : કિરણ મોરે સહિત 4 ઉમેદવાર અયોગ્ય

BCA ચૂંટણીમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
Published by: OBS Bureau
Last Updated: Mar 16, 2026, 08:33 AM IST

Baroda Cricket Association (BCA) ની ચૂંટણીને લઈને ચાલી રહેલા વિવાદમાં ગુજરાત હાઇકોર્ટએ મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે પૂર્વ ભારતીય ક્રિકેટર કિરણ મોરે સહિત ચાર ઉમેદવારોના નોમિનેશન ફોર્મ રદ્દ કરીને તેમને ચૂંટણી લડવા માટે અયોગ્ય જાહેર કર્યા છે. આ ચુકાદા બાદ હવે ચૂંટણી અધિકારીને ટૂંક સમયમાં સત્તાવાર પરિણામ જાહેર કરવાની પ્રક્રિયા આગળ વધારવાનો માર્ગ મોકળો થયો છે.

આ મામલે અરજદાર પ્રદીપસિંહ સોલંકી અને રામચંદ્ર પ્રજાપતિ દ્વારા હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી. હાઈકોર્ટે આ અરજી સ્વીકારી રિટર્નિંગ ઓફિસરના નિર્ણયને ફગાવી દીધો અને ચાર ઉમેદવારોના ફોર્મ અમાન્ય જાહેર કર્યા.

આ ચાર ઉમેદવાર અયોગ્ય જાહેર

હાઈકોર્ટના ચુકાદા અનુસાર ચાર ઉમેદવારોને અયોગ્ય જાહેર કરવામાં આવ્યા છે. જેમાં પૂર્વ ભારતીય ક્રિકેટર કિરણ મોરે, અમુલ જીકાર, અનંત ઇન્દુલકર અને અમર પેટીવાલાનો સમાવેશ થાય છે.

ચુકાદા બાદ અયોગ્ય જાહેર થયેલા ઉમેદવારો હવે ડબલ જજ બેન્ચ સમક્ષ અપીલ કરવાની તૈયારી કરી રહ્યા છે. સાથે જ કોર્ટે હાલની વચગાળાની વ્યવસ્થા વધુ બે અઠવાડિયા માટે લંબાવી છે.

હાઈવોલ્ટેજ ચૂંટણી

ઉલ્લેખનીય છે કે 15 ફેબ્રુઆરી 2026ના રોજ યોજાયેલી આ ચૂંટણી ખૂબ જ હાઈવોલ્ટેજ રહી હતી. કુલ 2064 મતદારોમાંથી 1430 મતદાતાઓએ મતદાન કર્યું હતું, જે લગભગ 69.28 ટકા થાય છે.

ચૂંટણીમાં સમરજીતસિંહ ગાયકવાડના ‘રોયલ સત્યમેવ જયતે ગ્રુપ’ અને ‘રિવાઈવલ ગ્રુપ’ વચ્ચે સીધી ટક્કર જોવા મળી હતી. ચૂંટણીમાં કુલ 62 ઉમેદવારો મેદાનમાં હતા અને તેમનું ભાવિ હાલ મતપેટીમાં સીલ છે. આ ઉપરાંત પૂર્વ ક્રિકેટર નયન મોંગિયા પણ ડૉ. દર્શન બેંકરના સમર્થનમાં સક્રિય રહ્યા હતા. હવે હાઈકોર્ટના આ મહત્વપૂર્ણ ચુકાદા બાદ સૌની નજર ચૂંટણી અધિકારી દ્વારા જાહેર કરવામાં આવનારા BCAના સત્તાવાર પરિણામો પર ટકેલી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now