Home Gujarat Baroda Gramya Police Launched Scheme For Female Buleggers To Teach Them Tailoring And Beautician Jobs And Gave One Month Of Training

પોલીસ ધારે તો શું ન કરી શકે! : અહીં પોલીસે 300 મહિલાઓના માથેથી હટાવ્યું ગુનેગારનું કલંક, બુટલેગરમાંથી બનાવી દીધી બ્યુટિશિયન!

પોલીસ ધારે તો શું ન કરી શકે!
Play Video
Published by: OBS Bureau
Last Updated: Mar 15, 2025, 09:03 AM IST

સમાજ સાથે સીધી રીતે જોડાયેલી પોલીસ પર કાયદો વ્યવસ્થા સંભાળવાની જવાબદારી હોય છે..પણ કાયદો વ્યવસ્થા સંભાળતી પોલીસ જો સમાજમાં સકારાત્મકતા લાવવાનું કામ કરે તો શું ન થઇ શકે તેનું ઉદાહરણ વડોદરા ગ્રામ્ય પોલીસે કરી બતાવ્યું છે. વડોદરા ગ્રામ્ય પોલીસે 300 બુટલેગર મહિલાઓ પર ગુનેગારનું કલંક હટાવવાનો સંકલ્પ લીધો. અને એક મહિના બાદ 300 મહિલાઓને બુટલેગરમાંથી બ્યુટિશિયન બનાવી દીધી. મહિલાઓને સ્વમાનભેર સમાજમાં આવકનું સાધન અપાવવા તેમને ટેલરિંગ અને બ્યુટિશિયનની ટ્રેઇનિંગ આપી. 

વડોદરા ગ્રામ્ય પોલીસના DYSP ચેતના ચૌધરી અને ICICI ફાઉન્ડેશને સાથે મળી મહિલાઓને પગભર કરવા માટે તાલીમ શરૂ કરાવી...એક મહિના બાદ પોલીસે આ તમામ મહિલાઓની વાત સાંભળી, એટલું જ નહીં, આ તમામ મહિલાઓ સમાજમાં સ્વમાન સાથે કામ કરી શકે તે માટે તેમને આર્થિક પગભર કરવા માટે પણ કિટનું વિતરણ કરવામાં આવશે. આ 300 મહિલાઓ એ મહિલાઓ છે જેમણે મજબુરીવશ દારૂના ધંધામાં ઝંપલાવ્યું હતું.પોલીસે આ અંગે સર્વે કરતાં સામે આવ્યું કે,મોટાભાગની મહિલાઓ મજબુરીવશ ગેરકાયદે વ્યવસાય સાથે જોડાઈ ગઈ હતી. અનેક મહિલાઓના પતિઓનાં મોત અને વિકલાંગતાને કારણે દારૂના ધંધો શરૂ કર્યો હતો. આ તમામ મહિલાઓમાંથી 40 ટકા મહિલાઓ વિધવા છે. 


આ મહિલાઓ પોતાના હુન્નર થકી પગભર બને અને તેઓની મજબૂરી તથા આર્થિક સંકડામણ દૂર થાય, સમાજમાં સન્માનપૂર્વક જીવી શકે તથા પોતાના સંતાનોનું ભાવિ ઉજ્જવળ બનાવી શકે, પરિવારના અન્ય સદસ્યોનો પણ જીવન નિર્વાહ કરી શકે તેવો ઉમદા વિચાર આવ્યો વડોદરા ગ્રામ્ય પોલીસના DYSP ચેતના ચૌધરીને! અને તેઓએ આ મહિલાઓના માથે લાગેલું બુટલેગરનું કલંક દૂર કરી તેમના માથે હુનરબાજનું બિરુદ લગાવવાનું નક્કી કર્યું. પોલીસે 300 મહિલાઓને તેઓની ઈચ્છા મુજબ બ્યુટીપાર્લર અને દરજીકામની તાલીમ આપવાનો પ્રોજેકટ ડિઝાઇન કર્યો જેને સાથ મળ્યો ICICI ફાઉન્ડેશનનો.

ICICI ફાઉન્ડેશનના સહયોગથી સ્કીલ ડેવલોપમેન્ટ પ્રોજેકટ અંતર્ગત વડોદરા પોલીસ હેડક્વાર્ટરના છાણી સ્થિત તાલીમ કેન્દ્ર ખાતે શરૂ કરાયેલ 300 બુટલેગર મહિલાઓના  તાલીમ વર્ગનું વડોદરા ગ્રામ્ય પોલીસ ના સુરક્ષા સેતુ સોસાયટી ના પ્રોજેકટ કન્સલટન્ટ નિતેશ પંડ્યા અને જિગર પંચાલ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે. આ મહિલાઓની 1 માસની તાલીમ પૂર્ણ થયે વડોદરા ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા તમામ નું પુન:વસન કરી આર્થિક રીતે પગભર બનાવવામાં આવશે.વડોદરા ગ્રામ્ય પોલીસના  સુરક્ષા સેતુ સોસાયટીના નોડલ અધિકારી અને DYSP એચકયું  ચેતના ચૌધરીએ  તાલીમ વર્ગની સમીક્ષા કરી તમામ મહિલા બુટલેગર સાથે સંવાદ કરી તેઓના પ્રશ્નો સાંભળ્યા હતા.

DySP ચેતના ચૌધરીએ આ મહિલાઓને હિંમત આપતા જણાવ્યું હતું કે, ભગવાન દરેક વ્યક્તિને તેના  જીવનમાં બીજી તક આપે છે, જેને સહજતાથી સ્વીકારી જીવનમાં નવી પહેલ શરૂ કરવી જોઈએ તમને પણ સમાજમાં સન્માનપૂર્વક જીવવા આ તાલીમ થકી એક તક મળી છે. એટલે ખંતપૂર્વક આ તાલીમ પૂરી કરી પોતાનો વ્યવસાય શરૂ કરો. અને આર્થિક  રીતે સધ્ધર બનો.” 

300 જેટલી મહિલાઓ અને તેઓના પરિવારજનોના જીવનમાં બદલાવ લાવવાના ઉદ્દેશયથી શરૂ કરાયેલ આ પ્રોજેક્ટની સફળતા માટે વડોદરા રેન્જ IG સંદીપસિંહ અને જિલ્લા પોલીસ વડા રોહન આનંદ દ્વારા જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી રહી છે.



joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now