Home Gujarat Baroda Dairys Milk Politics Heats Up

બરોડા ડેરીનું દૂધિયું રાજકારણ ગરમાયું! : ભાસ્કર ભટ્ટના આરોપ પર દિનુ મામાનો સણસણતો જવાબ, '25 કરોડની બદનક્ષીનો દાવો માંડીશ'

બરોડા ડેરીનું દૂધિયું રાજકારણ ગરમાયું!
Published by: OBS Bureau
Last Updated: Feb 26, 2026, 05:11 AM IST

વડોદરા જિલ્લાના પાદરા ખાતે બરોડા ડેરીની આવનારી ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે. જિલ્લા ભાજપ કમલમ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં નિરીક્ષકો તરીકે કુબેર ડિંડોર, નીપાબેન પટેલ અને મોતીભાઈ વસાવા હાજર રહ્યા હતા. જિલ્લાના દિગ્ગજ નેતાઓ, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ, ડેરીના ડિરેક્ટરો સહિતના અગ્રણીઓએ પોતાની દાવેદારી અને મંતવ્યો નિરીક્ષકો સમક્ષ રજૂ કર્યા હતા.

“ભાજપ વર્સીસ ભાજપ”!

આ વખતની ચૂંટણીમાં “ભાજપ વર્સીસ ભાજપ” જેવી પરિસ્થિતિ સર્જાવાના સ્પષ્ટ એંધાણ મળી રહ્યા છે. સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નિરીક્ષકો પ્રદેશ કક્ષાએ રિપોર્ટ સોંપશે, જેના આધારે ઉમેદવારોની પસંદગી થશે. ચૂંટણી પૂર્વે ભાસ્કર ભટ્ટ દ્વારા દિનુમામા પર લગાવાયેલા આક્ષેપોને કારણે રાજકીય તણાવ વધ્યો છે. ભાસ્કર ભટ્ટે દિનુમામાના ચારિત્ર્ય સામે પ્રશ્નો ઊભા કરી ડેરીમાં ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા હતા.

'હું કોર્ટમાં જઈ 25 કરોડ રૂપિયાનું બદનક્ષી દાવો માંડીશ'

દિનુમામાએ જાહેર મંચ પરથી વળતો પ્રહાર કરતાં કહ્યું કે, “જેને આરોપ લગાવ્યા છે તે પુરાવા રજૂ કરે, નહિતર હું કોર્ટમાં જઈ 25 કરોડ રૂપિયાનું બદનક્ષી દાવો માંડીશ.”

“મરતે દમ સુધી પાદરા તાલુકાની સેવા કરતો રહીશ”

ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ દિનુમામાએ પાદરાના પોતાના પાર્ટી પ્લોટ ખાતે વિશાળ સભાનું આયોજન કરી શક્તિ પ્રદર્શન કર્યું હતું. સભાને સંબોધતા તેમણે જણાવ્યું કે, આ તેમની બરોડા ડેરીની છેલ્લી ચૂંટણી છે અને તેઓ ભવિષ્યમાં કોઈ ચૂંટણી લડવાની ઇચ્છા ધરાવતા નથી. સાથે જ તેમણે વિધાનસભાની ચૂંટણી લડવાની શક્યતા પણ નકારી કાઢી. વિરોધીઓ પર નિશાન સાધતાં દિનુમામાએ કહ્યું, “જે લોકો મારી સાથે કરે કરે છે, તેને વ્યાજ સાથે જમા-ઉધાર કરવાની મને આવડત છે,” તેમજ “મરતે દમ સુધી પાદરા તાલુકાની સેવા કરતો રહીશ” તેમના આ નિવેદનોથી સભામાં રાજકીીય ઉષ્મા જોવા મળી હતી. સભામાં ડેરીના મતદારો, APMC ડિરેક્ટરો, સરપંચો અને મોટી સંખ્યામાં સમર્થકો હાજર રહ્યા હતા. સમગ્ર ઘટનાક્રમને કારણે બરોડા ડેરીનું રાજકારણ વધુ તીવ્ર બન્યું છે અને આવનારી ચૂંટણી ખરાખરીના જંગમાં ફેરવાય તેવી સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now