જૂન મહિનાના એક નવા અઠવાડિયાની શરૂઆત થઈ ગઈ છે. જો તમારે પણ આ અઠવાડિયે પૈસાની લેવડ-દેવડ કે અન્ય કોઈ કામ માટે બેંકની શાખામાં જવાનું હોય, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ખોટી માહિતીના કારણે બેંકના ધક્કા ન ખાવા પડે અને તમારો કીમતી સમય ન બગડે તે માટે ભારતીય રિઝર્વ બેંક (RBI) ના હોલીડે લિસ્ટને એકવાર જરૂર જોઈ લો.
8 થી 14 જૂન: આ અઠવાડિયે કેટલા દિવસ બેંક બંધ રહેશે?
RBI ના કેલેન્ડર મુજબ, આ અઠવાડિયે (સોમવારથી શુક્રવાર) દરમિયાન દેશભરમાં કોઈ મોટી જાહેર રજા કે તહેવાર નથી. જો કે, વીકેન્ડ (શનિ-રવિ) ના કારણે બેંકોમાં રજા રહેશે:
7 જૂન (ગઈકાલ): રવિવાર હોવાને કારણે દેશભરમાં બેંકો બંધ હતી.
13 જૂન: આ મહિનાનો બીજો શનિવાર છે, તેથી દેશભરની તમામ બેંકોમાં કામકાજ બંધ રહેશે.
14 જૂન: રવિવારની સાપ્તાહિક રજા હોવાથી બેંકોમાં કોઈ કામકાજ નહીં થાય.
જૂન મહિનાના બાકીના દિવસોમાં ક્યારે રજા રહેશે?
ચાલુ અઠવાડિયા સિવાય પણ જૂન મહિનામાં અલગ-અલગ રાજ્યો અને તહેવારો અનુસાર બેંકોમાં રજાઓ રહેવાની છે:
15 જૂન: મિઝોરમમાં (YMA ડે) અને ઓડિશામાં (રાજા સંક્રાંતિ) ના કારણે બેંકો બંધ રહેશે.
25-26 જૂન: મોહર્રમના અવસરે દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, ચેન્નાઈ, હૈદરાબાદ અને કોલકાતા જેવા મોટા શહેરોમાં બેંકોમાં રજા રહેશે.
29 જૂન: ગુરુ કબીર જયંતીના લીધે શિમલામાં બેંકો બંધ રહેશે.
30 જૂન: 'રેમના ની' (Remna Ni) ના કારણે આઈઝોલમાં બેંકો બંધ રહેશે. આ દિવસ 30 જૂન 1986 ના રોજ ભારત સરકાર અને મિઝો નેશનલ ફ્રન્ટ વચ્ચે થયેલા ઐતિહાસિક શાંતિ કરારની યાદમાં ઉજવાય છે, જેના પછી 20 ફેબ્રુઆરી 1987 ના રોજ મિઝોરમને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળ્યો હતો.
ઓનલાઈન બેંકિંગ સેવાઓ ચાલુ રહેશે
ગ્રાહકો માટે રાહતના સમાચાર: ભલે બેંકની શાખાઓ બંધ હોય, પરંતુ ડિજિટલ બેંકિંગ સેવાઓ પર તેની કોઈ અસર નહીં પડે. UPI, NEFT અને RTGS જેવી સુવિધાઓ 24 કલાક ચાલુ રહેશે.
તમે ઘરે બેઠા જ નેટ બેંકિંગ કે મોબાઈલ એપ દ્વારા બેલેન્સ ચેક કરી શકો છો, બિલ પેમેન્ટ કરી શકો છો અને પૈસા ટ્રાન્સફર કરી શકો છો. આ સિવાય કેશ ઉપાડવા માટે એટીએમ (ATM) નો ઉપયોગ પણ કરી શકાશે. જો કે, કેટલીકવાર ટેકનિકલ મેન્ટેનન્સના કારણે આ ઓનલાઈન સેવાઓ થોડા સમય માટે પ્રભાવિત થઈ શકે છે.





