Home Gujarat Banaskantha Sog Mephedrone Drug Case Llb Mphil Gold Medalist Arrested

LLB, MPhil ગોલ્ડ મેડાલિસ્ટ યુવક મેફેડ્રોન ડ્રગ્સ કેસમાં ઝડપાયો : બનાસકાંઠામાં ફિલ્મી ઢબે SOG નો સપાટો

બનાસકાંઠામાં ઝડપાયેલો ડૉક્ટર
Published by: Chintan Chavda
Last Updated: Jun 07, 2026, 06:19 AM IST

બનાસકાંઠા જિલ્લામાં "નો ડ્રગ્સ ઇન બનાસકાંઠા" અભિયાન હેઠળ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા વધુ એક મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ડીસા તાલુકાના કંસારી ટોલ નાકા નજીકથી હ્યુન્ડાઈ ઓરા કારમાં સવાર બે શખ્સોને મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે તેમની પાસેથી માદક પદાર્થ, કાર, મોબાઇલ ફોન અને રોકડ સહિત કુલ રૂ. 5.78 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ સમગ્ર કેસમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે મુખ્ય આરોપી જોગેશકુમાર મહેશકુમાર ઠાકોર ઉચ્ચ શિક્ષિત છે. તે LLB અને MPhil જેવી ડિગ્રી ધરાવે છે તેમજ MPhil અભ્યાસ દરમિયાન યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડાલિસ્ટ પણ રહ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. હાલમાં તે PhDના અંતિમ સેમેસ્ટરમાં અભ્યાસ કરી રહ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે.

બાતમીના આધારે SOG એ ગોઠવી નાકાબંધી

બનાસકાંઠા રેન્જના પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિત રાઠોડ અને જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુમ્બેના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં NDPS સંબંધિત ગુનાઓ સામે ઝીરો ટોલરન્સ નીતિ હેઠળ કામગીરી કરવામાં આવી રહી છે. સરહદી રાજ્ય રાજસ્થાનમાંથી થતી ગેરકાયદેસર માદક પદાર્થોની હેરાફેરી રોકવા માટે SOGની અલગ-અલગ ટીમોને સક્રિય કરવામાં આવી છે.

તપાસ દરમિયાન SOGને મળેલી ચોક્કસ બાતમીના આધારે કંસારી ટોલ નાકા નજીક નાકાબંધી ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન હ્યુન્ડાઈ ઓરા કાર નંબર GJ-08-CS-1327ને અટકાવી તપાસ કરતાં કારમાંથી મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસે સ્થળ પરથી જ બે આરોપીઓને ઝડપી લીધા હતા.

આ પણ વાંચો: GPSC વર્ગ 1-2 પ્રિલિમ પરીક્ષા આજે : રાજ્યભરના 75 હજારથી વધુ ઉમેદવારો મેદાનમાં, 268 જગ્યાઓ માટે જંગ

16 ગ્રામ મેફેડ્રોન સહિત રૂ. 5.78 લાખનો મુદ્દામાલ જપ્ત

પોલીસે આરોપીઓ પાસેથી 16 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું છે, જેની અંદાજિત કિંમત રૂ. 48 હજાર હોવાનું જણાવાયું છે. આ ઉપરાંત હ્યુન્ડાઈ ઓરા કાર, બે મોબાઇલ ફોન અને રોકડ રકમ સહિત કુલ રૂ. 5,78,640નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે.

જપ્ત કરાયેલા મુદ્દામાલમાં રૂ. 5 લાખની કાર, રૂ. 30 હજારના બે મોબાઇલ ફોન અને રોકડ રકમનો સમાવેશ થાય છે. NDPS એક્ટ હેઠળ ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.

ઉચ્ચ શિક્ષણ છતાં ડ્રગ્સના ધંધામાં સંડોવણી

પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ મુખ્ય આરોપી જોગેશકુમાર ઠાકોરે LLB અને MPhil સુધીનો અભ્યાસ કર્યો છે. MPhil અભ્યાસ દરમિયાન તેને યુનિવર્સિટી ગોલ્ડ મેડલ પણ પ્રાપ્ત થયો હતો. ઉપરાંત તેણે ડીસા અને પાંથાવાડાની વિવિધ કોલેજોમાં પ્રોફેસર તરીકે પણ સેવાઓ આપી હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં તે PhDના અંતિમ તબક્કામાં અભ્યાસ કરી રહ્યો છે.

ઉચ્ચ શિક્ષણ અને શૈક્ષણિક સિદ્ધિઓ ધરાવતા વ્યક્તિની માદક પદાર્થોની હેરાફેરી જેવા ગુનામાં સંડોવણી સામે આવતાં પોલીસ સહિત સમાજમાં પણ આશ્ચર્યની લાગણી જોવા મળી રહી છે. પોલીસ હવે આ સમગ્ર નેટવર્ક અને ડ્રગ્સ સપ્લાય ચેઇન અંગે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

આ પણ વાંચો: દાહોદમાં રૂ. 1.46 કરોડની સનસનાટીભરી લૂંટનો ભેદ ઉકેલાયો : સાત આરોપીઓની ધરપકડ, 100% મુદ્દામાલ રિકવર

બનાસકાંઠામાં NDPS વિરોધી અભિયાનને મળતી સફળતા

પ્રેસનોટમાં દર્શાવાયેલા આંકડા અનુસાર "નો ડ્રગ્સ ઇન બનાસકાંઠા" અભિયાન અંતર્ગત જિલ્લામાં અત્યાર સુધી કુલ 36 NDPS કેસ શોધી કાઢવામાં આવ્યા છે. આ કેસોમાં મેફેડ્રોન, હેરોઈન, મેથામ્ફેટામાઈન, ગાંજો, પોશડોડા, ચરસ અને અફીણ સહિત વિવિધ પ્રકારના માદક પદાર્થો જપ્ત કરવામાં આવ્યા છે. કુલ મળીને રૂ. 2.69 કરોડથી વધુ કિંમતના માદક પદાર્થો જપ્ત કરવામાં આવ્યા છે અને 48 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસના જણાવ્યા અનુસાર જિલ્લામાં માદક પદાર્થોના નેટવર્કને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે આગામી દિવસોમાં પણ વિશેષ અભિયાન ચાલુ રહેશે. સરહદી વિસ્તારોમાં ખાસ દેખરેખ રાખવામાં આવી રહી છે જેથી રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાંથી થતી ગેરકાયદેસર હેરાફેરીને અટકાવી શકાય.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now