Home Gujarat Banaskantha Lunava 5100 Saplings Planted At Once

Banaskantha માં હરિયાળી ક્રાંતિ! : લુણાવામાં એકસાથે 5100 રોપાઓનું વૃક્ષારોપણ કરાયું

Banaskantha માં હરિયાળી ક્રાંતિ!
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jul 26, 2025, 09:26 AM IST

વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે એક પેડ માં કે નામ અભિયાન હેઠળ બનાસકાંઠાના લુણાવા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. સામાજિક વનીકરણ વિભાગ અને પી.એન.માળી ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે "આઓ ધરતી માઁ કો હમ સજાએ, એક પેડ માઁ કે નામ લગાયે" અભિયાન હેઠળ એકસાથે 5100 વ્યક્તિઓ દ્વારા 5100 વૃક્ષોનું વાવેતર કરાયું હતું. લુણાવા ખાતે કુલ 20 વીઘા જમીનમાં 15 હજાર વૃક્ષ વાવેતર પૈકી પ્રથમ ચરણમાં આજે 5100 સ્થાનિક રોપાઓનું વાવેતર કરાયું હતું.

આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, આજે હજારોની સંખ્યામાં વૃક્ષપ્રેમી લોકોએ એકસાથે વૃક્ષારોપણ માટે સંકલ્પ કર્યો હતો. સામાજિક વનીકરણ વિભાગ, બનાસ ડેરી અને પી.એન.માળી ફાઉન્ડેશનના સહયોગથી વૃક્ષારોપણ કરાયું છે. આવનાર સમયમાં ગામે ગામ ગૌચરની જમીનમાં વધુમાં વધુ વૃક્ષારોપણ કરીને બનાસકાંઠા જિલ્લાને હરિયાળો બનાવવા માટે સહિયારા પ્રયાસો હાથ ધરાશે.

અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે, વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે. આવનારા સમયમાં પીલુડા ખાતે 100 વિઘાથી વધુ જમીનમાં સ્થાનિક વૃક્ષોનું વાવેતર કરાશે. જિલ્લામાં જળસંચયના વિવિધ કાર્યો ચાલી રહ્યા છે. ખેત તલાવડી, તળાવો ઊંડા કરવા, સોષ કુવા બનાવવા સહિત વૃક્ષારોપણ અને નર્મદાના પાણીથી તળાવો ભરવાની કામગીરી થઇ રહી છે. જેના પરીણામે અહી ખેડૂતોની સુખાકારીમાં વધારો કરી શકાશે તથા પર્યાવરણનું પણ સંવર્ધન કરી શકાશે. તેમણે જિલ્લા વાસીઓને વધુમાં વધુ વૃક્ષો વાવવા તથા તેનું જતન અને સંવર્ધન કરવા આહવાન કર્યું હતું.

આ પ્રસંગે પી એન માળી ફાઉન્ડેશનના સંસ્થાપક પી.એન.માળીએ જણાવ્યું હતું કે, અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના નેતૃત્વમાં બનાસકાંઠામાં પર્યાવરણ ક્ષેત્રે શ્રેષ્ઠ કાર્યો થઈ રહ્યા છે. અમારું ફાઉન્ડેશન પણ આ ભગીરથ કાર્યમાં તેમની સાથે જોડાયું છે. જે અંતર્ગત આજે 5100 વૃક્ષોનું વાવેતર કરાયું છે અને આગામી સમયમાં વધુ 10 હજાર વૃક્ષો આ જ ગામમાં વૃક્ષારોપણ કરવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now