Ram Mandir Trust: ઉત્તર પ્રદેશના અયોધ્યામાં આવેલા રામ મંદિરમાં દાન/ચઢાવો ચોરી થવાના મામલે વિવિધ આરોપોનો સામનો કરી રહેલા ચંપત રાય અને અનિલ મિશ્રાનું રાજીનામું મંજૂર કરી લેવામાં આવ્યું છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય અને મહાસચિવ રહેલા ચંપત રાય બંસલની ટ્રસ્ટમાંથી હકાલપટ્ટી થઈ ગઈ છે. આ સાથે જ ટ્રસ્ટના અન્ય એક સભ્ય અનિલ મિશ્રાનું રાજીનામું પણ સ્વીકારી લેવામાં આવ્યું છે.
રામ મંદિરમાં દાનની ચોરીને લઈને ચાલી રહેલા ભારે હોબાળા અને વિવાદ વચ્ચે આજે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ટ્રસ્ટના પદાધિકારીઓએ એક ઐતિહાસિક નિર્ણય લેતા વર્તમાન મહાસચિવ ચંપત રાયના રાજીનામાને સત્તાવાર રીતે મંજૂરી આપી દીધી છે. ચંપત રાયની વિદાય સાથે જ ટ્રસ્ટે સર્વસંમતિથી વિશ્વ હિન્દુ પરિષદ (VHP) ના આંતરરાષ્ટ્રીય મહામંત્રી બજરંગ લાલ બાગડાને રામ મંદિર ટ્રસ્ટના નવા મહાસચિવ તરીકે ચૂંટી કાઢ્યા છે. તમામ સત્તાવાર પ્રક્રિયાઓ પૂર્ણ થયા બાદ તેઓ ટૂંક સમયમાં જ પોતાનો નવો કાર્યભાર સંભાળશે.
જણાવી દઈએ કે, 6 જુલાઈ સોમવારના રોજ બપોરે 3.30 વાગ્યાથી મહંત નૃત્ય ગોપાલ દાસની અધ્યક્ષતામાં રામ મંદિર ટ્રસ્ટની બેઠક શરૂ થઈ હતી. જેની શરૂઆત ટ્રસ્ટના કોષાધ્યક્ષ સ્વામી ગોવિંદ દેવ ગિરીએ એજન્ડા રજૂ કરીને ચઢાવો ચોરી થવાના મામલે ચર્ચા સાથે કરી હતી. ગોવિંદ દેવ ગિરીએ ચંપત રાય અને અનિલ મિશ્રાના રાજીનામા પર વિચાર કરવાનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો, જેના પર ટ્રસ્ટના સભ્યો વચ્ચે ચર્ચા શરૂ થઈ હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, બેઠકના શરૂઆતના તબક્કામાં એવો સુઝાવ આપવામાં આવ્યો હતો કે ચંપત રાય અને અનિલ મિશ્રા આ ચર્ચાથી દૂર રહે, જેથી પહેલા ટ્રસ્ટના સભ્યો આપસમાં આખા મામલા પર વિચાર-વિમર્શ કરી શકે. ચર્ચા પૂરી થયા પછી બંનેને પોતાનો પક્ષ રાખવાની તક આપવાની વાત કહેવામાં આવી હતી. હાલમાં બંને બેઠકથી દૂરી જાળવીને બેઠા છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ગોવિંદ દેવ ગિરીના પ્રસ્તાવ બાદ મહંત નૃત્ય ગોપાલ દાસે કહ્યું કે તેઓ આ સમગ્ર ઘટનાક્રમથી દુખી છે. તેમણે આને હિન્દુઓની આસ્થા સાથે જોડાયેલો વિષય ગણાવતા દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. બેઠકમાં આ સમગ્ર મામલાને 'પાપ' તરીકે પણ જોવામાં આવ્યો અને મહંત નૃત્ય ગોપાલ દાસે આ ઘટનાક્રમ પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો.





