Home International Australia Pm Anthony Albanese Evacuated The Lodge Canberra Bomb Threat Security Update

ઑસ્ટ્રેલિયામાં ખળભળાટ : બોમ્બની ધમકી મળતા વડાપ્રધાને આવાસ ખાલી કરવું પડ્યું, જાણો શું છે સમગ્ર મામલો

ઑસ્ટ્રેલિયામાં ખળભળાટ
Published by: OBS Bureau
Last Updated: Feb 24, 2026, 05:16 PM IST

ઑસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બનીઝને સુરક્ષાના કારણોસર મંગળવારે 24 ફેબ્રુઆરીએ Canberra સ્થિત તેમના સત્તાવાર નિવાસસ્થાન The Lodgeમાંથી બહાર ખસેડવામાં આવ્યા હતા. Canberraમાં બોમ્બ હોવાની ધમકી મળ્યા બાદ તંત્ર દ્વારા આ મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. Australian Federal Police (AFP) દ્વારા તાત્કાલિક અસરથી સમગ્ર પરિસરની અત્યંત ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી. જોકે લાંબા સમય સુધી ચાલેલી તપાસમાં કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી. અંદાજે 03 કલાક સુધી ચાલેલી આ કવાયત બાદ વડાપ્રધાન એન્થની અલ્બનીઝને ફરીથી નિવાસસ્થાનમાં પરત ફરવાની મંજૂરી આપવામાં આવી હતી.

વડાપ્રધાનને સુરક્ષિત સ્થળે ખસેડાયા

ઑસ્ટ્રેલિયાન ન્યૂઝ એજન્સી ABCના અહેવાલ મુજબ ધમકી મળ્યા બાદ સાવચેતીના ભાગરૂપે વડાપ્રધાનને કેટલાક કલાકો માટે અત્યંત સુરક્ષિત લોકેશન પર શિફ્ટ કરવામાં આવ્યા હતા. પોલીસે સ્પષ્ટતા કરી હતી કે આખા કેમ્પસની 3 કલાક સુધી સઘન તપાસ કરવામાં આવી હતી. પરંતુ કશું જ વાંધાજનક મળ્યું નથી. પોલીસે નાગરિકોને ખાતરી આપી હતી કે હવે સાર્વજનિક સુરક્ષાને લઈને કોઈ પણ પ્રકારનું જોખમ નથી.

Australian Federal Police (AFP)એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે સ્થાનિક સમય અનુસાર સાંજે 6 વાગ્યાની આસપાસ વડાપ્રધાન એન્થની અલ્બનીઝને તેમના Canberra સ્થિત આવાસ The Lodgeમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. સમગ્ર વિસ્તારની તપાસ પૂર્ણ થયા બાદ રાત્રે 09 વાગ્યે તેઓ ફરીથી પોતાના નિવાસસ્થાન પર પરત ફર્યા હતા.

વડાપ્રધાનએ સુરક્ષા કર્મચારીઓનો માન્યો આભાર

વડાપ્રધાન કાર્યાલય દ્વારા ABCને જણાવવામાં આવ્યું હતું કે તેમને પોલીસ દળની કામગીરી પર સંપૂર્ણ વિશ્વાસ છે. વડાપ્રધાન કાર્યાલયે કપરી પરિસ્થિતિમાં ઝડપી કાર્યવાહી કરવા બદલ સુરક્ષા કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ઑસ્ટ્રેલિયામાં સાંસદો, સંસદ ભવન અને અન્ય મહત્વપૂર્ણ સરકારી ભવનોની સુરક્ષાની જવાબદારી Australian Federal Police સંભાળતી હોય છે.

વિરોધ પક્ષના નેતાએ વ્યક્ત કરી રાહત

ઑસ્ટ્રેલિયાના વિરોધ પક્ષના નેતા એંગસ ટેલરે વડાપ્રધાન એન્થની અલ્બનીઝ સુરક્ષિત હોવા બદલ રાહત વ્યક્ત કરી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ દ્વારા તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન સુરક્ષિત અને સ્વસ્થ છે તે જાણીને આનંદ થયો. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે કોઈપણ જનપ્રતિનિધિ વિરુદ્ધ આ પ્રકારની ધમકીઓ અત્યંત નિંદનીય છે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે ઑસ્ટ્રેલિયા એક એવો દેશ છે જે ચર્ચા અને સંવાદ દ્વારા મતભેદો વ્યક્ત કરવામાં માને છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now