Asha Bhosle Passes Away Update: આશાતાઈના નામે જાણીતા મહાન ગાયિકા આશા ભોંસલેનું 92 વર્ષની વયે નિધન થયું છે. છાતીમાં તકલીફની સારવાર માટે તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. જ્યાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતાં. તેમના પુત્ર આનંદ ભોંસલેએ આ વાતની પુષ્ટી કરતા સમગ્ર દેશમાં દુઃખની લહેર પ્રસરી ગઈ હતી. તેમના નિવાસ સ્થાને આજે 11 વાગ્યાથી તેમના પાર્થિવદેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. સાંજે 4 વાગ્યે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે તેમને અંતિમ વિદાય અપાશે.
ભારત રત્ન લતા મંગેશ્કરજીના નિધન બાદ આશા ભોંસલેની વિદાય- એમ બે બહેનો સંગીત અને સિનેમાની સફર અદભુત રહી. તેમના નિધનના કારણે હાલ દેશભરમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. ભારતીય સંગીત જગત માટે આ દિવસ અત્યંત દુઃખદ છે. દાયકાઓ સુધી પોતાના મધુર અને બહુમુખી અવાજથી કરોડો દિલોને સ્પર્શનારી આશા ભોંસલે હવે આપણા વચ્ચે નથી. તેમનો અવાજ તો સદાય જીવંત રહેશે, પરંતુ તેમની હાજરીનો અભાવ સંગીતપ્રેમીઓને લાંબા સમય સુધી ખટકતો રહેશે.
આશા ભોંસલેને આજે અંતિમ વિદાય
ભારતીય સંગીતની પ્રખ્યાત ગાયિકા Asha Bhosleનું 92 વર્ષની વયે નિધન થતાં દેશભરમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. ગઈકાલે મુંબઈની Breach Candy Hospitalમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. કાર્ડિયાક અરેસ્ટ અને છાતીમાં તકલીફને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આજે સવારે 11 વાગ્યાથી ચાહકો, સેલેબ્રિટીઓ અને મહાનુભાવો તેમના અંતિમ દર્શન કરી શકશે. સાંજે 4 વાગ્યે મુંબઈના Shivaji Park ખાતે રાજકીય સન્માન સાથે તેમના પાર્થિવ દેહનો અંતિમ સંસ્કાર કરવામાં આવશે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી Devendra Fadnavisએ તેમના નિવાસસ્થાને જઈ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
લતા અને આશા: સંગીત જગતની બે અમર બહેનો
આશા ભોંસલે અને તેમની મોટી બહેન Lata Mangeshkar ભારતીય સંગીત જગતની બે સૌથી મહાન ગાયિકાઓ તરીકે ઓળખાય છે. બંનેની કારકિર્દી સાત દાયકાથી વધુ સમય સુધી પ્રસરી હતી અને તેમણે હજારો ગીતો ગાઈને સંગીતને નવી ઊંચાઈઓ પર પહોંચાડ્યું. બંને બહેનોના જીવનમાં અનેક આશ્ચર્યજનક સમાનતાઓ જોવા મળે છે.
લતા મંગેશકરનો જન્મ 1929માં થયો હતો, જ્યારે આશા ભોંસલેનો જન્મ 1933માં થયો હતો. બંનેના અવસાન વચ્ચે પણ ચાર વર્ષનો તફાવત રહ્યો-લતા દીદીનું 2022માં નિધન થયું, જ્યારે આશાતાઈએ 2026માં દુનિયાને અલવિદા કહી. વિશેષ બાબત એ છે કે બંનેએ 92 વર્ષની વયે જ અંતિમ શ્વાસ લીધા અને બંનેનું નિધન રવિવારે જ થયું. આ સિવાય બંનેનું અવસાન એક જ હોસ્પિટલ-બ્રીચ કેન્ડીમાં થયું, જે તેમના જીવનના અંતિમ અધ્યાયને એક અનોખી સમાનતા આપે છે.
દેશભરમાં શોકની લાગણી: નેતાઓ અને સિતારાઓની પ્રતિક્રિયા
આશા ભોંસલેના નિધન બાદ દેશના વડાપ્રધાન Narendra Modiએ દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે, “આશા ભોંસલેનો અવાજ ભારતના સાંસ્કૃતિક વારસાનો અભિન્ન ભાગ રહ્યો છે. તેમની સંગીત યાત્રાએ દાયકાઓ સુધી લોકોને મંત્રમુગ્ધ કર્યા છે.”
કેન્દ્રીય મંત્રી Nitin Gadkariએ જણાવ્યું કે તેમનો આશાતાઈ સાથે વ્યક્તિગત સંબંધ ખૂબ જ ગાઢ હતો અને તેમના ગીતો વિશ્વભરમાં લોકપ્રિય રહ્યા છે.
ફિલ્મ નિર્માતા Karan Joharએ તેમને “એક યુગને વ્યાખ્યાયિત કરનાર અવાજ” ગણાવ્યો.
બોલીવુડ સુપરસ્ટાર Shah Rukh Khanએ પણ તેમની યાદમાં કહ્યું કે, “આશાતાઈનો અવાજ ભારતીય સિનેમાનો આધારસ્તંભ રહ્યો છે અને તે સદીઓ સુધી ગુંજતો રહેશે.”
સંગીત જગતમાં અવિસ્મરણીય યોગદાન
આશા ભોંસલેનો અવાજ માત્ર એક પેઢી માટે નહીં પરંતુ અનેક પેઢીઓ માટે પ્રેરણાસ્ત્રોત રહ્યો છે. તેમણે હિન્દી ઉપરાંત ગુજરાતી, મરાઠી, બંગાળી, તમિલ સહિત અનેક ભાષાઓમાં ગીતો ગાયા. તેમની ગાયકીમાં ભાવનાત્મકતા, ઉર્જા અને વૈવિધ્યતા સ્પષ્ટ જોવા મળતી હતી. તેમણે રોમેન્ટિક, ક્લાસિકલ, પોપ, કેબરે અને ગઝલ જેવી વિવિધ શૈલીઓમાં પોતાનો દબદબો જમાવ્યો. આ કારણોસર તેઓ માત્ર ગાયિકા નહીં પરંતુ એક સંગીત સંસ્થા તરીકે ઓળખાય છે.
આશા ભોંસલેનું નિધન માત્ર એક ગાયિકાનું અવસાન નથી, પરંતુ ભારતીય સંગીતના એક સોનાના યુગનો અંત છે. આજની પેઢી માટે તેમના ગીતો શીખવા અને સમજવા માટે પ્રેરણા છે, જ્યારે જૂની પેઢી માટે તેમની યાદો જીવનભરની સંપત્તિ સમાન છે. તેમના અવાજે જે રીતે ભારતીય સિનેમા અને સંગીતને વૈશ્વિક ઓળખ અપાવી છે, તે ભવિષ્યમાં પણ સંગીતકારો માટે માર્ગદર્શક રહેશે.





