Home Sports As Imran Khans Health Deteriorates In Jail 14 Former Veteran Captains Write A Letter

જેલમાં Imran Khan ની તબિયત લથડતા, 14 પૂર્વ દિગ્ગજ કેપ્ટનોએ લખ્યો પત્ર! : રાજકારણથી ઉપર ઉઠીને ક્રિકેટરોએ પાકિસ્તાન સરકાર પાસે માંગી તબીબી મદદ

જેલમાં Imran Khan ની તબિયત લથડતા, 14 પૂર્વ દિગ્ગજ કેપ્ટનોએ લખ્યો પત્ર!
Published by: OBS Bureau
Last Updated: Feb 17, 2026, 10:27 AM IST

Imran Khan : પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને મહાન ક્રિકેટર ઈમરાન ખાનની જેલમાં બગડતી જતી હાલતને લઈને સમગ્ર વિશ્વના ક્રિકેટ જગતમાં ચિંતા છે. ખાસ કરીને તેમની આંખોની રોશની નબળી પડવાના અહેવાલો બાદ ભારત સહિત દુનિયાના 14 દિગ્ગજ પૂર્વ કપ્તાનોએ માનવતાના ધોરણે પાકિસ્તાન સરકારને પત્ર લખીને તેમને તાત્કાલિક સારવાર આપવાની માંગ કરી છે.

દિગ્ગજ ખેલાડીઓની એકતા

આ પત્ર લખવાની શરૂઆત ઓસ્ટ્રેલિયાના મહાન ખેલાડી ગ્રેગ ચેપલ દ્વારા કરવામાં આવી હતી. જેમાં ભારત તરફથી સુનીલ ગાવસ્કર અને કપિલ દેવ જેવા દિગ્ગજોએ પણ સહી કરી છે. આ ખેલાડીઓનું માનવું છે કે, ઈમરાન ખાન માત્ર એક રાજનેતા નથી, પરંતુ ક્રિકેટ ઇતિહાસના એક મહાન ઓલરાઉન્ડર છે અને તેમની સાથે જેલમાં માનવીય વર્તન થવું જોઈએ.

પત્રમાં કરવામાં આવેલી મુખ્ય માંગણીઓ

આ 14 પૂર્વ કપ્તાનોએ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફને સંબોધીને લખેલા પત્રમાં ત્રણ મુખ્ય માંગણીઓ કરી છે:

  • ઈમરાન ખાનને તેમની પસંદગીના નિષ્ણાત ડૉક્ટરો દ્વારા તાત્કાલિક સારવાર મળે.

  • જેલમાં આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ માનવીય સ્થિતિ અને પરિવાર સાથે નિયમિત મુલાકાતની છૂટ અપાય.

  • કોઈપણ વિલંબ વગર ન્યાયી અને પારદર્શક કાનૂની પ્રક્રિયાનો અધિકાર મળે.

રાજનીતિ નહીં પણ ખેલદિલીની ભાવના

પત્રમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, આ અપીલ પાકિસ્તાનની કોઈ કાનૂની કે રાજકીય કાર્યવાહીમાં દખલ કરવા માટે નથી. ક્રિકેટરોએ જણાવ્યું છે કે, મેદાન પરની હરીફાઈ રમત પૂરી થતા જ પૂરી થઈ જાય છે, પરંતુ પરસ્પર આદર કાયમ રહે છે. ઈમરાન ખાને 1992 માં પાકિસ્તાનને વર્લ્ડ કપ જીતાડીને આખી દુનિયાના ક્રિકેટરોને પ્રેરણા આપી હતી, તેથી આજે મુશ્કેલ સમયમાં તેમની સાથે ગૌરવપૂર્ણ વર્તન થવું જરૂરી છે.

હસ્તાક્ષર કરનાર 14 મહાન હસ્તીઓ

આ પત્ર પર સહી કરનારાઓમાં સુનીલ ગાવસ્કર, કપિલ દેવ, ગ્રેગ ચેપલ, બેલિન્ડા ક્લાર્ક, માઈકલ આથર્ટન, નાસેર હુસૈન, ઇયાન ચેપલ, એલન બોર્ડર, માઈકલ બ્રિયરલી, ડેવિડ ગોવર, કિમ હ્યુજીસ, ક્લાઈવ લોયડ, સ્ટીવ વો અને જોન રાઈટનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે, આ પત્રમાં પાકિસ્તાનના કોઈ પૂર્વ કપ્તાનની સહી નથી, પરંતુ વસીમ અકરમ અને વકાર યુનિસ જેવા ખેલાડીઓએ સોશિયલ મીડિયા પર ઈમરાન ખાન માટે અગાઉ ચિંતા વ્યક્ત કરી છે.

ઈમરાન ખાનની વર્તમાન સ્થિતિ

રિપોર્ટ્સ મુજબ, સપ્ટેમ્બર 2023 થી જેલમાં બંધ ઈમરાન ખાનની તબિયત છેલ્લા કેટલાક સમયથી સતત લથડી રહી છે. જેલ પ્રશાસન દ્વારા તેમની તબીબી ફરિયાદોને અવગણવામાં આવી હોવાના પણ આક્ષેપો થયા છે. હવે જ્યારે વિશ્વ સ્તરે દબાણ વધ્યું છે, ત્યારે પાકિસ્તાન સરકાર આ બાબતે શું નિર્ણય લે છે તેના પર સૌની નજર છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now