Home Gujarat Artist Raju Barot Passes Away At The Age Of 76

ગુજરાતી રંગભૂમિને મોટો આઘાત! : કલાકાર રાજુ બારોટનું 76 વર્ષની વયે નિધન

ગુજરાતી રંગભૂમિને મોટો આઘાત!
Published by: OBS Bureau
Last Updated: Jan 24, 2026, 04:26 AM IST

ગુજરાતી ફિલ્મો અને રંગભૂમિના જાણીતા કલાકાર રાજુ બારોટનું દુખદ અવસાન થયું છે. તેમના નિધનના સમાચારથી સમગ્ર ગુજરાતી કલાજગતમાં ગાઢ શોકનો માહોલ છવાઈ ગયો છે. લાંબા સમયથી રંગભૂમિ માટે સમર્પિત રહેલા રાજુ બારોટે પોતાના અભિનય દ્વારા દર્શકોના દિલમાં વિશેષ સ્થાન બનાવ્યું હતું.

રાજુ બારોટનું દુખદ અવસાન

પ્રાથમિક માહિતી અનુસાર, રાજુ બારોટ ઉત્તરાખંડના પ્રવાસે ગયા હતા. આ દરમિયાન તેમને અચાનક હાર્ટ એટેક આવતા તેમનું અવસાન થયું હોવાની આશંકા છે. તેઓ 76 વર્ષની વયે જીવનયાત્રા પૂર્ણ કરી અને રંગભૂમિને અલવિદા કહ્યું છે. પ્રવાસ દરમિયાન જ તેમનું નિધન થતાં તેમના પરિવારજનો, મિત્રો અને ચાહકો માટે આ સમાચાર ભારે આઘાતજનક બન્યા છે.

‘દિકરી મારી વ્હાલનો દરિયો’

રાજુ બારોટે ગુજરાતી સિનેમા સાથે-સાથ થિયેટર ક્ષેત્રમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેમણે ‘દિકરી મારી વ્હાલનો દરિયો’ અને ‘હોળી’ જેવી જાણીતી ફિલ્મોમાં અભિનય કર્યો હતો, પરંતુ તેમની સાચી ઓળખ એક રંગભૂમિને વફાદાર રંગકર્મી તરીકે હતી. વર્ષો સુધી તેઓ થિયેટર સાથે જોડાયેલા રહ્યા અને રંગભૂમિ માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કર્યું. તેમના અવસાનથી કલાકારો, રંગકર્મીઓ અને સંસ્કૃતિપ્રેમીઓમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. સમગ્ર કલાજગત તેમના અવસાનને લઈને દુઃખ વ્યક્ત કરી રહ્યું છે અને અનેક લોકોએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે.

અમદાવાદ લાવવામાં આવશે!

માહિતી મુજબ, તેમના પાર્થિવ દેહને અમદાવાદ લાવવામાં આવે તેવી શક્યતાઓ છે. અંતિમ વિધિ અંગેની વિગતો ટૂંક સમયમાં જાહેર થવાની સંભાવના છે. ગુજરાતી રંગભૂમિ અને સિનેમાએ આજે એક સમર્પિત, વફાદાર અને અનુભવી કલાકાર ગુમાવ્યો છે, જેની ખોટ લાંબા સમય સુધી અનુભવી પડશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now