Home Gujarat Around 100 Gujarati Youths Trapped In Myanmar

100 જેટલા ગુજરાતી યુવકો મ્યાનમારમાં ફસાયા : MLA કેતન ઇનામદારે PM, ગૃહમંત્રી અને વિદેશમંત્રીને લખ્યો પત્ર, માંગી મદદ

100 જેટલા ગુજરાતી યુવકો મ્યાનમારમાં ફસાયા
Published by: OBS Bureau
Last Updated: Dec 26, 2025, 10:54 AM IST

Myanmar Gujarati trapped : વડોદરા અને ગુજરાત માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. વડોદરા અને રાજ્યના આશરે 100 જેટલા યુવકો મ્યાનમારમાં ફસાઈ ગયા હોવાની ઘટના ગઈકાલે સામે આવી હતી. વિદેશમાં વધુ આવકની લાલચ આપી આ યુવકોને મ્યાનમાર મોકલવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં પહોંચ્યા બાદ તેમને સમજાયું કે તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી છે અને તેઓ ડેટા એન્ટ્રીના નામે ચાલતા એક મોટા ગેરકાયદેસર રેકેટમાં ફસાઈ ગયા છે.

ગુજરાતના અનેક યુવકો હાલમાં મ્યાનમારમાં ફસાયા

મળતી માહિતી મુજબ, વડોદરા જિલ્લાના સાવલી અને ડેસર તાલુકાના યુવકો સહિત ગુજરાતના અનેક યુવકો હાલમાં મ્યાનમારમાં અત્યંત કપરી અને અસુરક્ષિત પરિસ્થિતિમાં ફસાયેલા છે. આ યુવકોના પાસપોર્ટ અને દસ્તાવેજો કબજે લઈ લેવામાં આવ્યા હોવાની પણ માહિતી સામે આવી છે, જેના કારણે તેઓ ભારત પરત ફરી શકે તેવી સ્થિતિમાં નથી. આ ઘટનાને પગલે પરિવારજનોમાં ભારે ચિંતા અને ભયનું વાતાવરણ સર્જાયું છે.

કેતન ઇનામદારએ PM, ગૃહમંત્રી અને વિદેશમંત્રીને લખ્યો પત્ર

આ ગંભીર મુદ્દે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર યુવકોની વહારે આવ્યા છે. ધારાસભ્ય કેતન ઇનામદારે ફસાયેલા યુવકોને સુરક્ષિત રીતે ભારત પરત લાવવા માગ કરી છે. તેમણે તારીખ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરને પત્ર લખી સમગ્ર પરિસ્થિતિ અંગે રજૂઆત કરી છે.

ભારત સરકાર સમક્ષ સ્વદેશ વાપસીની મદદની માંગ કરી

ધારાસભ્યએ પોતાના પત્રમાં જણાવ્યું છે કે, 'તેમના મતવિસ્તાર સાવલીના સાંઢાસાલ ગામનો ગુંજન શાહ તેમજ ડેસર તાલુકાના અન્ય અંદાજે 10 જેટલા યુવકો મ્યાનમારમાં ફસાયેલા છે. આ યુવકોએ એક વીડિયો સંદેશ દ્વારા ભારત સરકાર સમક્ષ સ્વદેશ વાપસી માટે આર્તનાદ કર્યો છે. યુવકોની હાલત દયનીય હોવાનું પણ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ધારાસભ્ય કેતન ઇનામદારે આ મામલે સાંસદ ડૉ. હેમાંગ જોશીને પણ જાણ કરી છે અને કેન્દ્ર સરકાર સ્તરે હસ્તક્ષેપ કરવા વિનંતી કરી છે. ધારાસભ્યના આ પ્રયાસોથી ફસાયેલા યુવકોના પરિવારજનોમાં સુરક્ષિત વાપસીની આશા જાગી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now