દેશની સૌથી પ્રાચીન પર્વતમાળાઓમાંની એક ગણાતી અરવલ્લી હિલ રેન્જની વ્યાખ્યા અને તેની ચોક્કસ સીમા નક્કી કરવાની પ્રક્રિયા હવે નવા તબક્કામાં પ્રવેશી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી ઉચ્ચસ્તરીય સમિતિએ અરવલ્લી વિસ્તાર સાથે જોડાયેલા તમામ હિતધારકો તેમજ સામાન્ય નાગરિકો પાસેથી સૂચનો અને અભિપ્રાયો માંગ્યા છે. પર્યાવરણ, જૈવ વૈવિધ્ય, ખનન અને સ્થાનિક લોકોની આજીવિકા જેવા મહત્વના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને સમિતિ આગામી અહેવાલ તૈયાર કરશે, જે ભવિષ્યમાં અરવલ્લીના સંરક્ષણ અને વિકાસ માટે મહત્વપૂર્ણ બની શકે છે.
અરવલ્લીની વ્યાખ્યા અને સીમા નક્કી કરવા શરૂ થઈ જાહેર પરામર્શ પ્રક્રિયા
સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ કેન્દ્ર સરકારે અરવલ્લી હિલ રેન્જની વ્યાખ્યા અને તેના સીમાકંન અંગે એક અહેવાલ તૈયાર કર્યો હતો. આ અહેવાલની સ્વતંત્ર અને નિષ્પક્ષ સમીક્ષા કરવા માટે 25 મેના રોજ ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરવામાં આવી હતી. હવે આ સમિતિએ સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા માટે સામાન્ય નાગરિકો સહિત વિવિધ હિતધારકોને પોતાના અભિપ્રાયો રજૂ કરવાની તક આપી છે.
કેન્દ્રના પર્યાવરણ, વન અને જલવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી સૂચના મુજબ, માત્ર રાજ્ય સરકારો જ નહીં પરંતુ પર્યાવરણવિદો, ખનન લીઝ ધારકો, સંશોધકો, સ્થાનિક સમુદાયો અને અરવલ્લીના કુદરતી સંસાધનો પર નિર્ભર લોકો પણ પોતાના સૂચનો આપી શકશે. સમિતિનું માનવું છે કે અરવલ્લી સાથે સીધા જોડાયેલા લોકોના અનુભવ અને સૂચનો ભવિષ્યના નિર્ણયોમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
21 દિવસમાં ઈ-મેલ અથવા Google Form દ્વારા મોકલી શકાશે અભિપ્રાય
પર્યાવરણ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે જાહેર સૂચના બહાર પડ્યાના 21 દિવસની અંદર લોકો પોતાના સૂચનો ઈ-મેલ અથવા સત્તાવાર Google Form મારફતે મોકલી શકે છે. સમિતિએ અપીલ કરી છે કે જો કોઈ સૂચન સાથે સંબંધિત દસ્તાવેજો, સંશોધન અથવા અન્ય પુરાવા ઉપલબ્ધ હોય તો તે પણ જોડવા જોઈએ જેથી તેની સત્યતા અને ઉપયોગિતા ચકાસી શકાય.
આ પ્રક્રિયાનો હેતુ માત્ર લેખિત સૂચનો મેળવવાનો નથી પરંતુ અરવલ્લીના સંરક્ષણ, પર્યાવરણીય સંતુલન અને વિકાસ વચ્ચે યોગ્ય સમતુલા સ્થાપિત કરવાનો પણ છે. અરવલ્લી પર્વતમાળા ઉત્તર-પશ્ચિમ ભારતના પર્યાવરણ માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને તે ભૂગર્ભ જળ, જૈવ વૈવિધ્ય તથા હવાની ગુણવત્તા જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
સમિતિની નિષ્પક્ષતા પર પણ ઉઠી રહ્યા છે સવાલ
આ સમગ્ર પ્રક્રિયા એવા સમયે શરૂ થઈ છે જ્યારે સમિતિમાં મોટાભાગે પૂર્વ સરકારી અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો હોવાના કારણે તેની નિષ્પક્ષતા અંગે કેટલાક વર્ગોમાં સવાલો ઉઠી રહ્યા છે. કેટલાક પર્યાવરણવિદોનું માનવું છે કે સમિતિમાં સ્વતંત્ર નિષ્ણાતો અને પર્યાવરણ ક્ષેત્રના પ્રતિનિધિઓનું વધુ પ્રતિનિધિત્વ હોવું જોઈએ.
જોકે, સમિતિએ તમામ હિતધારકો પાસેથી ખુલ્લેઆમ સૂચનો માંગીને વધુ પારદર્શક પ્રક્રિયા અપનાવવાનો પ્રયાસ કર્યો છે. સમિતિએ પોતાની સમીક્ષા પૂર્ણ કરીને 31 ઓગસ્ટ સુધીમાં સુપ્રીમ કોર્ટ સમક્ષ અહેવાલ રજૂ કરવાનો છે. આ અહેવાલના આધારે અરવલ્લીની સત્તાવાર વ્યાખ્યા, સીમા અને સંરક્ષણ સંબંધિત ભવિષ્યના નિર્ણયો લેવામાં આવી શકે છે.
અરવલ્લીનું સંરક્ષણ કેમ મહત્વનું છે?
અરવલ્લી પર્વતમાળા ભારતની સૌથી જૂની ભૂસ્તરીય રચનાઓમાંની એક છે. તે રાજસ્થાન, હરિયાણા, દિલ્હી અને ગુજરાત સહિતના વિસ્તારોમાં પર્યાવરણીય સંતુલન જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ પર્વતમાળા રણના વિસ્તરણને રોકવામાં, ભૂગર્ભ જળના પુનર્ભરણમાં, જંગલી પ્રાણીઓના આવાસના સંરક્ષણમાં અને વાયુ પ્રદૂષણ ઘટાડવામાં પણ મદદરૂપ બને છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ખનન, અનિયંત્રિત બાંધકામ અને શહેરી વિકાસને કારણે અરવલ્લી પર વધતા દબાણ અંગે સતત ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં તેની સ્પષ્ટ વ્યાખ્યા અને સીમાકંન ભવિષ્યમાં સંરક્ષણ માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે.






