નવી દિલ્હી: NEET-UG 2026 પેપર લીક અને પરીક્ષા પ્રક્રિયામાં કથિત ગેરરીતિઓના મુદ્દે દેશભરમાં વિદ્યાર્થીઓનો આક્રોશ સતત વધી રહ્યો છે. દિલ્હીના જંતર-મંતર ખાતે શરૂ થયેલા વિરોધ પ્રદર્શનની અસર હવે પટના, ચેન્નાઈ, મુંબઈ, અમદાવાદ, જમ્મુ સહિત અનેક શહેરોમાં જોવા મળી રહી છે. વિવિધ વિદ્યાર્થી સંગઠનો અને સામાજિક સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યા છે, જેમાં પરીક્ષા વ્યવસ્થામાં પારદર્શિતા લાવવા, પેપર લીકના જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા અને કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ ઉઠી રહી છે. પટનામાં વિદ્યાર્થીઓએ લોકભવન અને રાજભવન તરફ કૂચ કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે શરૂઆતમાં બેરિકેડિંગ કરીને પ્રદર્શનકારીઓને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ વિદ્યાર્થીઓ આગળ વધતા સ્થિતિ તંગ બની હતી. કેટલાક અહેવાલો મુજબ પોલીસે લાઠીચાર્જ કર્યો અને અનેક પ્રદર્શનકારીઓને કસ્ટડીમાં લીધા હતા. વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો કે શાંતિપૂર્ણ વિરોધ છતાં તેમની સાથે કડક કાર્યવાહી કરવામાં આવી હતી.
ચેન્નાઈમાં પણ વિરોધ, અનેક કાર્યકરોની અટકાયત
ચેન્નાઈમાં પણ NEET-UG પેપર લીક મુદ્દે વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. SFI અને DYFI સહિતના સંગઠનોના કાર્યકરો વિરોધ માટે એકત્ર થયા હતા, જોકે પોલીસ દ્વારા પ્રદર્શન શરૂ થાય તે પહેલાં જ અનેક લોકોને અટકાયતમાં લેવામાં આવ્યા હતા. તમિલનાડુમાં લાંબા સમયથી NEET પરીક્ષાને લઈને રાજકીય અને સામાજિક ચર્ચા ચાલતી હોવાથી આ વિરોધને પણ વિશેષ મહત્વ આપવામાં આવી રહ્યું છે.
મુંબઈ, જમ્મુ અને અન્ય શહેરોમાં પણ વિરોધની લહેર
મુંબઈના શિવાજી પાર્ક સહિત અન્ય વિસ્તારોમાં વિદ્યાર્થીઓ અને વિવિધ સંગઠનોએ પરીક્ષા વ્યવસ્થાની વિશ્વસનીયતા અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. બીજી તરફ જમ્મુમાં પણ કોંગ્રેસ કાર્યકરોએ વિરોધ નોંધાવી પેપર લીક કેસમાં જવાબદારી નક્કી કરવાની માંગ કરી હતી. અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓએ જણાવ્યું કે આ માત્ર એક પરીક્ષાનો મુદ્દો નથી, પરંતુ લાખો યુવાનોના ભવિષ્ય સાથે જોડાયેલો પ્રશ્ન છે.
સંસદથી લઈને રસ્તા સુધી ગરમાયો મુદ્દો
NEET-UG વિવાદ હવે માત્ર વિદ્યાર્થીઓના આંદોલન પૂરતો મર્યાદિત રહ્યો નથી. સંસદમાં પણ આ મુદ્દે ભારે હોબાળો જોવા મળ્યો છે. વિપક્ષી પક્ષોએ વિદ્યાર્થીઓના સમર્થનમાં પ્રદર્શન કરી શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ કરી છે, જ્યારે સત્તાપક્ષે વિરોધને રાજકીય રંગ આપવાનો પ્રયાસ ગણાવ્યો છે. આ સમગ્ર વિવાદને કારણે સંસદની કાર્યવાહી પણ અનેક વખત પ્રભાવિત થઈ છે.
પરીક્ષા વ્યવસ્થામાં સુધારાની માંગ વધુ પ્રબળ
વિદ્યાર્થીઓ અને શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાતોનું કહેવું છે કે માત્ર દોષિતોની ધરપકડ પૂરતી નથી, પરંતુ સમગ્ર પરીક્ષા વ્યવસ્થામાં વ્યાપક સુધારા કરવાની જરૂર છે. પરીક્ષાના પ્રશ્નપત્રોની સુરક્ષા, ટેક્નોલોજી આધારિત મોનિટરિંગ, કડક કાયદાકીય કાર્યવાહી અને જવાબદારી નક્કી કરતી વ્યવસ્થા અમલમાં મૂકવાની માંગ સતત થઈ રહી છે. બીજી તરફ, કેન્દ્ર સરકારે પરીક્ષા સુધારાઓની ખાતરી આપી છે, જ્યારે NEET-UG પેપર લીક કેસની તપાસ CBI દ્વારા કરવામાં આવી રહી છે.
વિદ્યાર્થીઓએ વિશ્વસનીય પરીક્ષા વ્યવસ્થાની કરી માંગ
વિરોધ પ્રદર્શનમાં જોડાયેલા વિદ્યાર્થીઓનું કહેવું હતું કે પેપર લીક જેવી ઘટનાઓના કારણે લાખો ઉમેદવારોની વર્ષોની મહેનત અને ભવિષ્ય જોખમમાં મુકાઈ રહ્યું છે. તેમણે સરકારને પરીક્ષા પ્રક્રિયાને સંપૂર્ણ પારદર્શક, સુરક્ષિત અને વિશ્વસનીય બનાવવા માટે અસરકારક સુધારા અમલમાં મૂકવાની માંગ કરી હતી. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉમેદવારોનો વિશ્વાસ જળવાઈ રહે તે માટે જવાબદારો સામે ઝડપી અને કડક કાર્યવાહી અનિવાર્ય છે.
આ પણ વાંચો: ત્યારે પેપર લીક સામે લાઠી ખાધી, આજે શિક્ષણમંત્રી તરીકે રાજીનામાની માંગ : ધર્મેન્દ્ર પ્રધાનની 1997ની ઘટના ફરી ચર્ચામાં!!
આગામી દિવસોમાં આંદોલન વધુ તેજ બનવાના સંકેત
વિદ્યાર્થી સંગઠનોએ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ પર તાત્કાલિક અને અસરકારક નિર્ણય લેવામાં નહીં આવે તો દેશભરમાં વિરોધ પ્રદર્શનનો વ્યાપ વધુ વધારવામાં આવશે. વિવિધ રાજ્યોમાં વિદ્યાર્થીઓ અને યુવા સંગઠનો દ્વારા આગામી દિવસોમાં વધુ કાર્યક્રમો યોજવાની તૈયારીઓ ચાલી રહી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. બીજી તરફ સમગ્ર પરિસ્થિતિ પર કેન્દ્ર સરકાર અને સંબંધિત એજન્સીઓની નજર છે અને પરીક્ષા વ્યવસ્થાને લઈને આગળના નિર્ણયોની રાહ જોવામાં આવી રહી છે.





