Home Tech/Gadgets Apple Ios 27 Ai Features Google Gemini Integration Iphone Update Wwdc 2026

iPhone યુઝર્સ માટે મોટા સમાચાર! : Appleના આગામી iOS 27 અપડેટમાં મળશે AI Grammar, ઓટોમેશન અને કસ્ટમ વોલપેપર્સ જેવા દમદાર ફીચર્સ

iPhone iOS 27
Image Credit: twitter
Published by: Nirali Gohil
Last Updated: May 19, 2026, 10:38 AM IST

iPhone iOS 27: વિશ્વની અગ્રણી ટેક કંપની Apple પોતાના સ્માર્ટફોન ઓપરેટિંગ સિસ્ટમના આગામી અને સૌથી મોટા અપડેટ 'iOS 27' ને લોન્ચ કરવાની તડામાર તૈયારીઓ કરી રહી છે. આ વખતે આઈફોન (iPhone) યુઝર્સને સ્માર્ટફોન વાપરવાનો એક સાવ નવો અને અદભુત અનુભવ મળવા જઈ રહ્યો છે, કારણ કે કંપની આ અપડેટમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત સુવિધાઓનો ધરખમ ઉમેરો કરવા જઈ રહી છે. રિપોર્ટ્સનું માનીએ તો, Apple આ વખતે યુઝર્સને વધુ સ્માર્ટ, ફાસ્ટ અને પર્સનલાઇઝ્ડ ડિજિટલ અનુભવ આપવા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.

આ અપડેટમાં સૌથી મોટી અને ચોંકાવનારી વાત એ છે કે, Apple પોતાના આ નવા ફીચર્સને વધુ પાવરફુલ બનાવવા માટે Googleના અત્યાધુનિક 'Gemini AI' મોડલ્સની ટેક્નોલોજીનો પણ સહારો લઈ રહ્યું છે. કંપનીએ તાજેતરમાં જ સત્તાવાર રીતે સ્વીકાર્યું હતું કે તેઓ સિસ્ટમને વધુ સચોટ બનાવવા જેમિની (Gemini) નો ઉપયોગ કરી રહ્યાં છે. જોકે, એપલ તેના યુઝર્સ પર કોઈ બંધન નહીં રાખે અને આઈફોન યુઝર્સને તેમની ઈચ્છા મુજબનું મનપસંદ AI મોડલ પસંદ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા (Third-party AI Integration) પણ આપવામાં આવશે.

“Write with Siri” ફીચર: ઈમેલ અને મેસેજ લખવાનું બનશે સાવ સરળ

iOS 27 માં કીબોર્ડ યુઝર્સ માટે એક જબરદસ્ત ફીચર “Write with Siri” ઉમેરવામાં આવી શકે છે. આ નવું સ્માર્ટ બટન સીધું આઈફોનના કીબોર્ડની ઉપર ડિસ્પ્લે થશે. જ્યારે પણ યુઝર કંઈપણ ટાઇપ કરી રહ્યા હશે, ત્યારે આ AI ફીચર રીઅલ-ટાઇમમાં ગ્રામર (વ્યાકરણ) ની ભૂલો સુધારશે અને વાક્યોને વધુ વ્યવસ્થિત રીતે લખવા માટે સ્માર્ટ સજેસન્સ (સૂચનો) આપશે. આ ઉપરાંત “Help Me Write” નામનું વધારાનું ફીચર પણ કીબોર્ડમાં જોવા મળી શકે છે. જો સiri (Siri) એક્ટિવ હશે તો તે ટેક્સ્ટ ફિલ્ડમાં ઓટોમેટિક ઓપન થઈ જશે, જેનાથી યુઝર્સ પોતાની સામાન્ય ભાષામાં લખેલી વાતને પ્રોફેશનલ ફોર્મેટમાં કન્વર્ટ કરી શકશે.

આ પણ વાંચો: AI પર વધુ નિર્ભરતા મગજને બનાવી શકે છે સુસ્ત!: જાણો કેવી રીતે બચાવશો તમારી વિચારવાની શક્તિ

અઘરા કમાન્ડ્સ ભૂલી જાવ, હવે સામાન્ય ભાષામાં થશે 'સ્માર્ટ ઓટોમેશન'

આઈફોનની લોકપ્રિય શોર્ટકટ્સ (Shortcuts) એપમાં પણ કંપની આ વખતે ક્રાંતિકારી ફેરફાર કરવા જઈ રહી છે. અત્યાર સુધી આઈફોનમાં કોઈપણ ટાસ્કને ઓટોમેટ કરવા માટે યુઝર્સે અઘરા ટેક્નિકલ કમાન્ડ્સ સેટ કરવા પડતા હતા, જેના કારણે સામાન્ય યુઝર્સ તેનો ઉપયોગ કરી શકતા નહોતા. પરંતુ હવે iOS 27 માં યુઝર્સ માત્ર સામાન્ય કન્વર્ઝેશનલ ભાષામાં લખીને પણ મોટા ટાસ્ક ઓટોમેટ કરી શકશે. ઉદાહરણ તરીકે, જો યુઝર ટાઇપ કરશે કે “દરરોજ સવારે મને ડેઇલી બિઝનેસ સમરીનો મેસેજ મોકલો”, તો AI સિસ્ટમ આપોઆપ તેના માટે એક પરફેક્ટ શોર્ટકટ કમાન્ડ તૈયાર કરી દેશે.

કસ્ટમાઈઝેશનના શોખીનો માટે ખુશખબર: AIથી બનાવો પોતાના યુનિક વોલપેપર્સ

એપલ પોતાના યુઝર્સને હોમ સ્ક્રીન પર નવો લુક આપવા માટે AI વોલપેપર જનરેટર ફીચર પણ આપી શકે છે. આ સુવિધા હેઠળ યુઝર્સે હવે ઇન્ટરનેટ કે થર્ડ પાર્ટી એપ્સ પરથી વોલપેપર ડાઉનલોડ કરવાની કે કંપનીના ડિફોલ્ટ વોલપેપર્સ પર નિર્ભર રહેવાની જરૂર નહીં પડે. યુઝર્સ માત્ર ટેક્સ્ટ પ્રોમ્પ્ટ (સૂચના) લખીને મિનિટોમાં પોતાની પસંદગીના, યુનિક અને હાઈ-રિઝોલ્યુશનવાળા આર્ટિસ્ટિક વોલપેપર્સ સીધા આઈફોન પર જ જનરેટ કરી શકશે.

WWDC 2026 માં થશે ભવ્ય જાહેરાત

ટેક વર્લ્ડના રિપોર્ટ્સ અનુસાર, Apple આ તમામ અત્યાધુનિક AI ફીચર્સની સત્તાવાર જાહેરાત પોતાની આગામી ગ્લોબલ કોન્ફરન્સ WWDC 2026 (વર્લ્ડવાઇડ ડેવલપર્સ કોન્ફરન્સ) દરમિયાન કરી શકે છે. કંપની આ અપડેટ દ્વારા સાબિત કરવા માંગે છે કે આગામી સમયમાં AI એ માત્ર એક વધારાનું ટૂલ નહીં, પરંતુ આઈફોનના રોજિંદા વપરાશ અને ઓપરેટિંગ સિસ્ટમનો સૌથી મહત્વનો અને અવિભાજ્ય હિસ્સો બની રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now