શું હતો ધ્રુવ રાઠીનો વિવાદાસ્પદ દાવો?
સમગ્ર વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે યુટ્યુબર ધ્રુવ રાઠીએ 19 May ના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરી. આ પોસ્ટમાં તેણે લખ્યું કે, "વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યાં પણ જાય, તેમને દરેક જગ્યાએ શરમજનક સ્થિતિમાં મૂકવા જોઈએ. PM બન્યા પછી છેલ્લા 12 વર્ષમાં તેમણે એક પણ ઓપન પ્રેસ કોન્ફરન્સ કરી નથી." ધ્રુવ રાઠીએ વિદેશી પત્રકારોને પણ અપીલ કરી હતી કે તેઓ પીએમ મોદીને જ્યાં પણ મળે ત્યાં પ્રશ્નો પૂછીને જવાબ આપવા મજબૂર કરે.
રુપાલી ગાંગુલીનો વળતો પ્રહાર: 'દેશને આવા યુટ્યુબરની જરૂર નથી'
ધ્રુવ રાઠીની આ પોસ્ટના 6 દિવસ બાદ, સોમવારે ભાજપ નેતા અને એક્ટ્રેસ રૂપાલી ગાંગુલીએ સોશિયલ મીડિયા પર એક લાંબી નોટ લખીને આક્રોશ વ્યક્ત કર્યો હતો. રૂપાલીએ પીએમ મોદીને વિશ્વના સૌથી સન્માનિત નેતા ગણાવતા કહ્યું કે, "વડાપ્રધાન નરેન્દ્ર મોદી દુનિયાના સૌથી મોટા લોકતંત્રના ચૂંટાયેલા નેતા છે. તેઓ છેલ્લા ઘણા વર્ષથી સતત ચૂંટણી જીતતા આવ્યા છે, પહેલા મુખ્યમંત્રી તરીકે અને હવે વડાપ્રધાન તરીકે. દુનિયાભરના દેશો તેમને સર્વોચ્ચ નાગરિક સન્માન આપી ચૂક્યા છે."
રૂપાલીએ આગળ ધ્રુવ રાઠી પર નિશાન સાધતા લખ્યું કે, ભારતની પ્રગતિનો નિર્ણય કરવા માટે દેશના 140 કરોડ નાગરિકો સક્ષમ છે. વિદેશમાં બેસીને દેશની મજાક ઉડાવનારા અને ભારતની જમીની હકીકતથી દૂર રહીને લોકોમાં ડર ફેલાવનારા યુટ્યુબરની સલાહની ભારતને કોઈ જરૂર નથી.
નોર્વે પ્રવાસના વીડિયોથી શરૂ થયો આખો વિવાદ
આ વિવાદ પીએમ મોદીના નોર્વે પ્રવાસ બાદ શરૂ થયો હતો. ઓસ્લોમાં નોર્વેની એક મહિલા પત્રકાર હેલે લેંગેએ વડાપ્રધાનને ભારતમાં માનવાધિકાર અને લોકશાહી અંગે પ્રશ્ન પૂછવાનો પ્રયાસ કર્યો હતો, જે દરમિયાન પીએમ મોદી જવાબ આપ્યા વિના આગળ વધી ગયા હતા. આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ ધ્રુવ રાઠીએ પત્રકારના સમર્થનમાં આ વિવાદાસ્પદ પોસ્ટ લખી હતી.
ગુલ પનાગે પણ ધ્રુવ રાઠીના વલણને ખોટું ગણાવ્યું
રૂપાલી ગાંગુલી ઉપરાંત જાણીતી અભિનેત્રી ગુલ પનાગે પણ ધ્રુવ રાઠીની આ નીતિની આકરી ટીકા કરી છે. ગુલ પનાગે લખ્યું કે, "તમે કોઈ વડાપ્રધાનને નાપસંદ કરી શકો છો કે સરકાર સાથે અસહમત થઈ શકો છો, તે લોકશાહીનો ભાગ છે. પરંતુ ભારતના વડાપ્રધાનની ઓફિસ અને વિદેશી ધરતી પર તેઓ જે દેશનું પ્રતિનિધિત્વ કરે છે, તેની મજાક ઉડાવવી બિલકુલ યોગ્ય નથી. આનાથી આપણા પોતાના દેશનું જ નુકસાન થાય છે."
ઉલ્લેખનીય છે કે, 'અનુપમા' સીરિયલથી ઘર-ઘરમાં જાણીતી બનેલી રૂપાલી ગાંગુલી વર્ષ 2024 ની લોકસભા ચૂંટણી દરમિયાન 1 May 2024 ના રોજ દિલ્હી ખાતે સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટી (BJP) માં જોડાઈ હતી.





