સુરતમાં વ્યાજખોર ચિરાગ ગોટીના કારનામા એક પછી એક સામે આવી રહ્યા છે. ખાસ કરીને ડભોલી વિસ્તારમાં રહેતા વધુ એક ફરિયાદી આગળ આવ્યા છે, જેમણે ચિરાગ ગોટીના આતંક અને પઠાણી ઉઘરાણી અંગે ગંભીર આક્ષેપો કર્યા છે. માથાભારે અને વ્યાજખોર તરીકે ઓળખાતા ચિરાગ ગોટી વિરુદ્ધ હવે વધુ પુરાવા સામે આવતાં મામલો ગરમાયો છે.
3 લાખના મહિનામાં જ 18 લાખ!
બિલ્ડર રજની વાવડીયાએ ચિરાગ ગોટી પર ગંભીર આરોપ લગાવતા જણાવ્યું કે, 'વર્ષ 2018માં તેમણે ચિરાગ પાસેથી ત્રણ લાખ રૂપિયા હાથ ઉછીના લીધા હતા. પરંતુ માત્ર એક જ મહિનાની અંદર આ રકમ વ્યાજ સાથે વધારીને 18 લાખ રૂપિયા કરી દેવામાં આવી. રજની વાવડીયાના જણાવ્યા મુજબ, ચિરાગ ગોટીએ રૂપિયા બદલામાં ચાર ફ્લેટની માંગણી પણ કરી હતી'. તેમણે આક્ષેપ કર્યો કે ચિરાગે પોતાના પિતાની હાજરીમાં તેમને રિવોલ્વર બતાવી ધમકી આપી અને ફ્લેટ પચાવવાનો પ્રયાસ કર્યો હતો.
'ચિરાગ વિરુદ્ધ કાર્યવાહી શરૂ થતાં મારી હિંમત ખુલી છે'
રજની વાવડીયાએ જણાવ્યું કે, “હું ખૂબ જ ઘબરાયેલો હતો, પરંતુ ચિરાગ વિરુદ્ધ કાર્યવાહી શરૂ થતાં મારી હિંમત ખુલી છે.” તેમણે વધુમાં જણાવ્યું કે ચિરાગ ગોટી વેડરોડ વિસ્તારમાં મોટા પાયે આતંક મચાવતો હતો અને ગુંડાગર્દી કરવી તેનો સ્વભાવ બની ગયો હતો. એક પ્રસંગે રાત્રિના સમયે તેમના ઘરે ચિરાગના 30 થી 40 જેટલા માણસો આવી પહોંચ્યા હતા અને પઠાણી ઉઘરાણી કરી હતી. હવે ચિરાગ ગોટીના આતંકનો ભોગ બનેલા બિલ્ડરે ખુલ્લેઆમ ફરિયાદ કરવા તૈયારી દર્શાવી છે. આ મામલે વધુ ફરિયાદીઓ પણ આગળ આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જ્યારે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી ચર્ચા છે.




















