Home International Anna Hazare Hunger Strike Announcement January 30 2026 Maharashtra Lokayukta Demand

અન્ના હઝારેએ ફરી ફૂંક્યું આંદોલનનું રણશિંગું : 30 જાન્યુઆરી 2026થી આમરણાંત ઉપવાસની જાહેરાત

અન્ના હઝારેએ ફરી ફૂંક્યું આંદોલનનું રણશિંગું
Published by: OBS Bureau
Last Updated: Dec 11, 2025, 06:20 PM IST

મહારાષ્ટ્રમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ મજબૂત કાયદાની માંગ સાથે પીઢ સામાજિક કાર્યકર અન્ના હઝારેએ ફરી એકવાર સરકાર સામે મોરચો માંડવાની તૈયારી કરી લીધી છે. ભ્રષ્ટાચાર નાબૂદી માટે સશક્ત લોકાયુક્ત કાયદાના અમલીકરણની માંગ સાથે અન્ના હઝારેએ આગામી તારીખ 30 જાન્યુઆરી 2026 થી આમરણાંત ઉપવાસ પર ઉતરી જવાની મોટી જાહેરાત કરી છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પુણ્યતિથિના દિવસથી તેઓ પોતાના વતન રાલેગણ સિદ્ધિ ખાતે આ આંદોલનની શરૂઆત કરશે.

લોકાયુક્ત કાયદાના અમલ માટે આરપારની લડાઈ

અન્ના હઝારેએ સરકાર સામે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું છે કે મહારાષ્ટ્રમાં લોકાયુક્ત કાયદો બનાવવા માટે સરકાર દ્વારા વચનો આપવામાં આવ્યા હતા પરંતુ તેનું પાલન કરવામાં આવ્યું નથી. તેમનું કહેવું છે કે જો રાજ્યમાં ભ્રષ્ટાચાર સામે લડવા માટે સશક્ત લોકાયુક્ત કાયદો નહીં હોય તો તેમને જીવવાની કોઈ ઈચ્છા નથી. આ માંગને લઈને તેઓ હવે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવાના મૂડમાં નથી અને જ્યાં સુધી તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ પીછેહઠ કરશે નહીં.

સરકારની ઉદાસીનતા સામે આક્રોશ

ભૂતકાળમાં પણ અન્ના હઝારેએ આ મુદ્દે આંદોલનની ચીમકી આપી હતી અને તે સમયે સરકારના પ્રતિનિધિઓ દ્વારા તેમને ખાતરી આપવામાં આવી હતી. જોકે લાંબો સમય વીતી જવા છતાં સરકાર દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતા અન્ના હઝારેએ ફરી ગાંધી ચીંધ્યા માર્ગે લડત શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. અન્ના હઝારે માને છે કે માત્ર કાયદો પસાર કરવો પૂરતો નથી પરંતુ તેનો કડક અમલ થવો પણ એટલો જ જરૂરી છે. ભ્રષ્ટાચાર મુક્ત ભારતનું સ્વપ્ન જોનાર અન્ના હઝારે 80 વર્ષથી વધુની ઉંમરે પણ ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં અડીખમ ઉભા છે અને આ વખતે તેમની લડાઈ નિર્ણાયક સાબિત થઈ શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now