અંબાણી પરિવાર તેમની અઢળક સંપત્તિની સાથે મોંઘીદાટ લક્ઝરી કારના કલેક્શન માટે વિશ્વભરમાં જાણીતો છે. પરિવારના નાના પુત્ર અનંત અંબાણીને લક્ઝરી ઘડિયાળોની સાથે વિશિષ્ટ કારોનો પણ ભારે શોખ છે. તેમની પાસે Rolls-Royce અને Range Rover જેવી અનેક ગાડીઓ છે, પરંતુ હાલમાં તેમના કાર કલેક્શનમાં એક એવી દુર્લભ SUV સામેલ થઈ છે જેની વિશેષતાઓ જાણીને તમે દંગ રહી જશો. અંદાજે 15 કરોડ રૂપિયાની કિંમત ધરાવતી ‘ડાર્ટ્સ પ્રોમ્બ્રોન’ (Dartz Prombron) નામની આ કાર માત્ર એક વાહન નથી, પણ ચાલતો-ફરતો કિલ્લો છે.
ગોલ્ડ પ્લેટેડ અને બુલેટપ્રૂફ ફીચર્સ
અનંત અંબાણીને લગ્ન પ્રસંગે મળેલી આ ખાસ ભેટ લાતવિયાની કંપની Dartz દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ SUV નું નામ ‘The Dictator Aladeen Edition 2010’ છે, જે Mercedes-Maybach GLS600 પર આધારિત છે. ફિલ્મ ‘ધ ડિક્ટેટર’ના 10 વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં આ સ્પેશિયલ એડિશન લોન્ચ કરવામાં આવ્યું હતું. તમને જાણીને નવાઈ લાગશે કે કંપનીએ અત્યાર સુધી આવી માત્ર 10 ગાડીઓ જ બનાવી છે.
રાજમહેલ જેવું આલીશાન ઇન્ટિરિયર
આ કારનું એક્સટિરિયર સંપૂર્ણપણે ગોલ્ડ પ્લેટેડ છે અને અહેવાલો મુજબ તેના ઇન્ટિરિયરમાં પણ અસલી સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સુરક્ષા માટે તેમાં બાયોમેટ્રિક સેફ (તિજોરી) આપવામાં આવી છે, જેમાં કિંમતી ઘરેણાં કે હથિયારો રાખી શકાય છે. આ ઉપરાંત મુસાફરો માટે ડાયમંડ-ક્રિસ્ટલ વોટર ફિલ્ટર પણ લગાવવામાં આવ્યું છે. આ SUV માં કાર્બન-કેવલર બોડી પેનલ્સનો ઉપયોગ થયો છે, જે તેને માત્ર ગોળીઓ જ નહીં પણ નાના વિસ્ફોટો સામે પણ સુરક્ષિત રાખે છે.
સુપરફાસ્ટ સ્પીડ અને પાવરફુલ એન્જિન
આ કોઈ સામાન્ય SUV નથી, પણ પરફોર્મન્સના મામલે સુપરકારને ટક્કર આપે છે. તેમાં 4.0 લિટરનું V8 ટ્વિન-ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન છે, જે 800 PSનો પાવર અને 1000 Nm નો ટોર્ક જનરેટ કરે છે. આટલી ભારે અને બુલેટપ્રૂફ હોવા છતાં, આ કાર માત્ર 3.8 સેકન્ડમાં 0થી 100 કિલોમીટરની ઝડપ પકડી શકે છે અને તેની ટોપ સ્પીડ 280 કિલોમીટર પ્રતિ કલાક છે.
દુશ્મનો માટે અભેદ કિલ્લો
Dartz કંપની તેની આર્મર્ડ કારો માટે જાણીતી છે. સામાન્ય રીતે ગાડી પર બુલેટપ્રૂફ પડ ચઢાવવાથી તેનું વજન વધે છે અને સ્પીડ ઘટે છે, પરંતુ આ કેસમાં એન્જિન અને ચેસિસને ખાસ રીતે મોડિફાય કરવામાં આવ્યા છે જેથી પરફોર્મન્સ જળવાઈ રહે. આ કાર હાઈ-વેલોસિટી આર્મર-પિયર્સિંગ રાઉન્ડ્સને પણ રોકવાની ક્ષમતા ધરાવે છે.





















