Home Gujarat An Incident In Padra That Shames The Education World

પાદરાના સાધીમાં શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના : જવાહર નવોદય વિદ્યાલયમાં શિક્ષક દારૂના નશામાં ધમાલ મચાવી, પોલીસે કસ્ટડીમાં લીધો

પાદરાના સાધીમાં શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના
Published by: OBS Bureau
Last Updated: Jan 20, 2026, 12:36 PM IST

પાદરા તાલુકાના સાધી ગામે શિક્ષણ જગતને શર્મસાર કરી દે તેવી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કેન્દ્ર સરકાર સંચાલિત અને શિસ્ત માટે જાણીતી જવાહર નવોદય વિદ્યાલયમાં એક શિક્ષક દારૂના નશામાં શાળા પરિસરમાં ધમાલ મચાવતા ઝડપાયા હતા. આ ઘટનાથી શાળાના સ્ટાફ, વિદ્યાર્થીઓ તેમજ વાલીઓમાં ભારે ચિંતા અને રોષનો માહોલ જોવા મળ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ જવાહર નવોદય વિદ્યાલયમાં ફરજ બજાવતા શિક્ષક જાગેશ્વર દશરથજી ચૌરી દારૂના નશાની હાલતમાં શાળાના પરિસરમાં હાજર હતા. નશાની હાલતમાં તેમણે અસંગત અને અશોભનીય વર્તન કરતા હોવાની ફરિયાદ સામે આવી હતી. શિક્ષણના મંદિર સમાન ગણાતી સંસ્થામાં શિક્ષક દ્વારા આવું વર્તન કરવામાં આવતા અન્ય શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં ભય તથા અસમંજસની સ્થિતિ સર્જાઈ હતી.

દારૂના નશામાં રહેલા શિક્ષક જાગેશ્વર ચૌરીને કસ્ટડીમાં લીધો હતો

ઘટનાની ગંભીરતા સમજી શાળાના આચાર્યએ તાત્કાલિક પાદરા પોલીસને જાણ કરી હતી. માહિતી મળતાની સાથે જ પાદરા પોલીસનો કાફલો શાળા પરિસરમાં પહોંચ્યો હતો અને દારૂના નશામાં રહેલા શિક્ષક જાગેશ્વર દશરથજી ચૌરીને કસ્ટડીમાં લીધો હતો. ત્યારબાદ તેમની સામે કાયદેસર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપી શિક્ષક મૂળ મધ્ય પ્રદેશના બડગામ વિસ્તારનો રહેવાસી છે. ગુજરાતમાં સંપૂર્ણ દારૂબંધી હોવા છતાં દારૂ પીધેલી હાલતમાં શાળા પરિસરમાં હાજર રહેવું ગંભીર ગુનો બનતો હોવાથી પાદરા પોલીસે શિક્ષક વિરુદ્ધ પ્રોહિબિશન સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

શિક્ષણ જગતમાં ભારે ચકચાર મચી

જવાહર નવોદય વિદ્યાલય જેવી પ્રતિષ્ઠિત સંસ્થામાં આવી ઘટના સામે આવતા શિક્ષણ જગતમાં ભારે ચકચાર મચી ગઈ છે. બાળકોના ભવિષ્યના ઘડતર માટે જવાબદાર શિક્ષક પાસેથી આવી બેદરકારી સામે આવતા વાલીઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે અને શિક્ષક સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. હાલ સમગ્ર મામલે પોલીસ તપાસ ચાલુ છે અને શિક્ષણ વિભાગ પણ આ ઘટનાને ગંભીરતાથી લઈ યોગ્ય પગલાં લેશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now