ભારતીય સિનેમાના માંધાતા ગણાતા અમિતાભ બચ્ચને વધુ એક સિદ્ધિ પોતાના નામે કરી છે. કેરળના કોચીમાં યોજાયેલા 70મા 'ફિલ્મફેર એવોર્ડ્સ સાઉથ'માં બિગ બીને ફિલ્મ 'કલ્કિ 2898 AD' માટે તેલુગુ કેટેગરીમાં બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે, દાયકાઓ લાંબી કરિયરમાં અમિતાભ બચ્ચનનો આ પહેલો 'સાઉથ ફિલ્મફેર એવોર્ડ' છે. આ સાથે જ અલ્લુ અર્જુનની 'પુષ્પા 2' અને શિવકાર્તિકેયનની 'અમરન' જેવી ફિલ્મોએ પણ એવોર્ડ્સ નાઈટમાં વર્ચસ્વ જમાવ્યું હતું.
‘કલ્કિ’ના અશ્વત્થામાને મળી ‘બ્લેક લેડી’
ફિલ્મ ‘કલ્કિ 2898 AD’ માં અમિતાભ બચ્ચને ભજવેલા ‘અશ્વત્થામા’ના પાત્રે માત્ર દર્શકોના દિલ જ નહોતા જીત્યા, પણ હવે ટીકાકારોની પણ વાહવાહી મેળવી છે. ₹1,000 કરોડથી વધુની કમાણી કરનાર આ ફિલ્મ માટે અમિતાભને શ્રેષ્ઠ સહાયક અભિનેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. જોકે, અમિતાભ બચ્ચન આ સેરેમનીમાં અંગત કારણોસર હાજર રહી શક્યા નહોતા. ફિલ્મ માટે બીજો એવોર્ડ નિતિન જિયાની ચૌધરીએ 'બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇન' કેટેગરીમાં મેળવ્યો છે.
'પુષ્પા 2' અને 'અમરન'નો રહ્યો જલવો
આ વર્ષના એવોર્ડ્સમાં તેલુગુ અને તમિલ ફિલ્મોનું પલડું ભારે રહ્યું હતું:
પુષ્પા 2 (તેલુગુ): અલ્લુ અર્જુનની આ ફિલ્મે કુલ 5 એવોર્ડ્સ જીત્યા. જેમાં અલ્લુ અર્જુનને બેસ્ટ એક્ટર, સુકુમારને બેસ્ટ ડિરેક્ટર અને આખી ફિલ્મને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે.
અમરન (તમિલ): તમિલ કેટેગરીમાં 'અમરન' ફિલ્મે 7 એવોર્ડ્સ સાથે મેદાન માર્યું છે. શિવકાર્તિકેયનને બેસ્ટ એક્ટર અને સાઈ પલ્લવીને બેસ્ટ એક્ટ્રેસ તરીકે સન્માનિત કરવામાં આવ્યા.
મલયાલમ: સુપરસ્ટાર મમ્મૂટીને ફિલ્મ 'બ્રહ્માયુગમ' માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો.
લાઇફટાઇમ અચીવમેન્ટ: દિવંગત એક્ટર-ફિલ્મમેકર શ્રીનિવાસનને મરણોત્તર સન્માન આપવામાં આવ્યું.
ફિલ્મફેર સાઉથનો ભવ્ય ઈતિહાસ
ફિલ્મફેર એવોર્ડ્સની ભવ્ય સફરનો પ્રારંભ વર્ષ 1954માં થયો હતો, પરંતુ શરૂઆતના સમયમાં આ સન્માન સમારોહ માત્ર હિન્દી ફિલ્મો પૂરતો જ મર્યાદિત હતો. દક્ષિણ ભારતીય સિનેમાની પ્રતિભાઓને વૈશ્વિક સ્તરે ઓળખ અપાવવા માટે વર્ષ 1964માં ફિલ્મફેર સાઉથની શરૂઆત કરવામાં આવી, જેમાં પ્રથમ તબક્કે તમિલ અને તેલુગુ ભાષાની ફિલ્મોનો સમાવેશ થયો હતો. ત્યારબાદ, પ્રાદેશિક સિનેમાના વધતા પ્રભાવને જોતા વર્ષ 1967માં મલયાલમ અને 1970માં કન્નડ ભાષાના કલાકારો માટે પણ આ એવોર્ડના દ્વાર ખોલવામાં આવ્યા હતા. રસપ્રદ વાત એ છે કે, શરૂઆતમાં આ એવોર્ડ સેરેમની મુંબઈમાં હિન્દી ફિલ્મફેર સાથે જ યોજાતી હતી, પરંતુ વર્ષ 1976માં એક મોટો ફેરફાર કરીને દક્ષિણ ભારતીય સેગમેન્ટને સંપૂર્ણપણે અલગ કરવામાં આવ્યું. ત્યારથી આ ભવ્ય કાર્યક્રમ દક્ષિણ ભારતના પ્રમુખ શહેરો જેવા કે ચેન્નઈ, હૈદરાબાદ અને કોચી ખાતે યોજવામાં આવે છે, જે આજે સાઉથ ઇન્ડસ્ટ્રીનો સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ શો બની ગયો છે.
આંકડાની નજરે ફિલ્મફેર સાઉથના દિગ્ગજો
દક્ષિણ ભારતીય ફિલ્મફેરના ઇતિહાસમાં કેટલાક એવા નામો છે જેમના રેકોર્ડ તોડવા મુશ્કેલ છે:
કેટેગરી | નામ / ફિલ્મ | રેકોર્ડ |
સૌથી વધુ એવોર્ડ (વ્યક્તિગત) | કમલ હાસન | 19 એવોર્ડ્સ |
સૌથી વધુ મ્યુઝિક એવોર્ડ્સ | એ.આર. રહેમાન | 18 એવોર્ડ્સ |
સૌથી વધુ પ્લેબેક સિંગિંગ | કે.એસ. ચિત્રા / શ્રેયા ઘોષાલ | 10-10 એવોર્ડ્સ |
સૌથી વધુ એવોર્ડ (એક ફિલ્મ) | RRR / નુવ્વોસ્તાનંતે નેનોડ્ડાંતાના | 9 એવોર્ડ્સ |
શું છે 'બ્લેક લેડી'ની ખાસિયત?
ફિલ્મફેરની પ્રતિષ્ઠિત ટ્રોફી 'બ્લેક લેડી' તરીકે ઓળખાય છે. તે કાંસા (Bronze) માંથી બનાવવામાં આવે છે. તેની ઊંચાઈ અંદાજે 46.5 સેમી હોય છે અને તેનું વજન 2 થી 5 કિલોની વચ્ચે હોય છે, જે કલાકારની સફળતાનું પ્રતીક માનવામાં આવે છે.




















