Home Gujarat Amit Chavda Attacked The Government In Congresss Jan Akrosh Sabha

'તમારા માટે લાકડી ખાવી પડે કે ગોળી ખાવી પડે તો પણ ખાઈશું' : ગાંધીનગરમાં કોંગ્રેસની જન આક્રોશ સભામાં અમિત ચાવડાએ સરકાર પર કર્યા આકરા પ્રહાર

'તમારા માટે લાકડી ખાવી પડે કે ગોળી ખાવી પડે તો પણ ખાઈશું'
Published by: OBS Bureau
Last Updated: Feb 16, 2026, 01:33 PM IST

ગાંધીનગરમાં કોંગ્રેસ દ્વારા જન આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ નેતાઓ અને કાર્યકરો અને વિવિધ વર્ગોના લોકો જોડાયા હતા. આ પ્રસંગે અમિત ચાવડાએ રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા અને અનેક મુદ્દાઓ ઉઠાવ્યા હતા.

'રાહુલ ગાંધીના યોદ્ધા તેમના હકો માટે લડશે'

અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, મનરેગા કૌભાંડ, ખેડૂતોના નામે થયેલા કૌભાંડ અને મહિનાઓથી પગાર ન મળતા મહિલા કર્મચારીઓ પુરાવા સાથે હાજર રહ્યા છે. તેમણે આદિવાસીઓની જલ, જંગલ અને જમીન છીનવાઈ રહી હોવાનો આક્ષેપ કર્યો અને કહ્યું કે આદિવાસી સમાજ પોતાના હકો માટે લડવા અહીં આવ્યો છે. તેમણે સભામાં ઉપસ્થિત લોકોને આશ્વાસન આપતાં કહ્યું કે રાહુલ ગાંધીના યોદ્ધા તેમના હકો માટે લડશે, ભલે લાકડી ખાવી પડે કે ગોળી ખાવાની નોબત આવે'.

'આજે ખેડૂતોના ખેતર સુધી પીવાનું પાણી પણ નથી પહોંચતું'

તેમણે દાવો કર્યો કે, જ્યારે પૂર આવ્યા ત્યારે સરકાર ખેડૂતોની વાત સાંભળતી નહોતી, ત્યારે કોંગ્રેસે જન આક્રોશ યાત્રા શરૂ કરી અને ત્યારબાદ સરકારે સહાય જાહેર કરી. યાત્રા દરમિયાન ઉત્તર ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સ વિરુદ્ધ જનતાની લડત શરૂ થઈ હોવાનું પણ તેમણે જણાવ્યું. અમિત ચાવડાએ કહ્યું કે, 'યાત્રા દરમિયાન નલ સે જલ અને મનરેગા યોજનામાં ભ્રષ્ટાચારના જીવતા પુરાવા જોવા મળ્યા, સાથે પોલીસની જોહુકમી પણ સામે આવી. આદિવાસી વિસ્તારોમાં પેઢીઓથી મહેનત કરનાર લોકોના ઘર તૂટતા જોયા હોવાનો ઉલ્લેખ કર્યો. આજે ખેડૂતોના ખેતર સુધી પીવાનું પાણી પણ નથી પહોંચતું એવો આક્ષેપ પણ તેમણે કર્યો.

'જન આક્રોશ યાત્રાથી પરિવર્તનનો શંખનાદ થઈ ચૂક્યો છે'

તેમણે ઉમેર્યું કે, 'કોંગ્રેસ લોકોના પ્રશ્નો માટે વિધાનસભા અને રસ્તા પર બંને જગ્યાએ લડત આપશે. યાત્રા જ્યાં પહોંચે છે, ત્યાં ત્રણ દિવસ પહેલા દારૂ બંધ થઈ જાય છે, અને યાત્રા પૂર્ણ થયા બાદ સમગ્ર રાજ્યમાં દારૂનું ટીપું પણ ન મળે તેવી સ્થિતિ સર્જવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. તેમણે પોલીસ પર હપ્તા લેવાના આક્ષેપો પણ કર્યા અને કહ્યું કે જન આક્રોશ યાત્રાથી પરિવર્તનનો શંખનાદ થઈ ચૂક્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now