Home International Americas Massive Attack Irans Sea Tunnel And 16 Ships Destroyed In The Strait Of Hormuz

અમેરિકાનો પ્રચંડ હુમલો : હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાનની 'સમુદ્રી સુરંગ' અને 16 જહાજોને કર્યા ધ્વસ્ત

અમેરિકાનો પ્રચંડ હુમલો
Published by: OBS Bureau
Last Updated: Mar 11, 2026, 06:02 AM IST

US-Iran Conflict: પશ્ચિમ એશિયામાં ફરી એકવાર યુદ્ધના વાદળો ઘેરાયા છે. અમેરિકી સેનાએ દાવો કર્યો છે કે તેણે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ એવા હોર્મુઝ સ્ટ્રેટ (Hormuz Strait) માં ઈરાનના અનેક જહાજોને નિશાન બનાવીને તોડી પાડ્યા છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) ના જણાવ્યા અનુસાર, ઈરાન આ વિસ્તારમાં સમુદ્રી સુરંગ (Mines) બિછાવવાની કોશિશ કરી રહ્યું હતું, જેના જવાબમાં અમેરિકાએ આક્રમક કાર્યવાહી કરી 16 જહાજોને નષ્ટ કરી દીધા છે. આ કાર્યવાહીનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે, જેમાં સમુદ્રમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે.

આ ઘટના બાદ ઈરાને પણ આક્રમક વલણ અપનાવતા ચીમકી આપી છે કે, તે આ વિસ્તારમાંથી તેલની નિકાસ થવા દેશે નહીં. તેહરાને સ્પષ્ટ કર્યું છે કે જો તેના પર હુમલા થશે તો તે દુશ્મનોને એક લિટર તેલ પણ બહાર મોકલવા દેશે નહીં. હોર્મુઝ સ્ટ્રેટ દુનિયાના સૌથી મહત્વના શિપિંગ રૂટમાંથી એક છે, જ્યાંથી વિશ્વનો મોટો ભાગનો તેલ પુરવઠો પસાર થાય છે. અમેરિકાની આ કાર્યવાહી બાદ હવે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલની સપ્લાય અને તેની કિંમતો પર મોટી અસર પડવાની આશંકા સેવાઈ રહી છે.

16 જહાજો તબાહ: અમેરિકી સેન્ટ્રલ કમાન્ડનો મોટો દાવો

યુએસ સેન્ટ્રલ કમાન્ડ દ્વારા 'એક્સ' (X) પર કરવામાં આવેલી પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે, 10 માર્ચના રોજ અમેરિકી દળોએ હોર્મુઝ સ્ટ્રેટ પાસે ઈરાની નૌકાદળના અનેક જહાજોને ખતમ કર્યા છે. આ ઓપરેશનમાં ઈરાનના 16 'માઈન લેયર્સ' (સુરંગ બિછાવનારા જહાજો) ને નિશાન બનાવવામાં આવ્યા હતા. અમેરિકાને શંકા હતી કે તેહરાન આ જળમાર્ગમાં શિપિંગ અટકાવવા માટે મોટા પાયે માઈન્સ લગાવી રહ્યું છે, જે આંતરરાષ્ટ્રીય વ્યાપાર માટે જોખમી સાબિત થઈ શકે છે.

ડોનાલ્ડ ટ્રમ્પ અને સૈન્યના આંકડામાં વિરોધાભાસ

આ હુમલા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ પ્રતિક્રિયા આપી હતી. જોકે, તેમના અને સેનાના આંકડામાં થોડો તફાવત જોવા મળ્યો હતો. ટ્રમ્પે 'ટ્રુથ સોશિયલ' પર પોસ્ટ કરતા લખ્યું હતું કે, "મને જણાવતા આનંદ થાય છે કે છેલ્લા કેટલાક કલાકોમાં અમે માઈન બિછાવતી 10 બોટ કે જહાજો પર હુમલો કરીને તેમને સંપૂર્ણપણે તબાહ કરી દીધા છે." ટ્રમ્પે તેહરાનને ચેતવણી આપતા વધુમાં ઉમેર્યું કે જો ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાં કોઈ પણ સુરંગ લગાવી હશે તો તેને તાત્કાલિક હટાવી દેવામાં આવે, અન્યથા હજુ વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે.

હોર્મુઝ સ્ટ્રેટ કેમ છે આટલું મહત્વનું?

હોર્મુઝ સ્ટ્રેટ એ પર્સિયન ગલ્ફ અને ઓમાનના અખાત વચ્ચેનો એક સાંકડો જળમાર્ગ છે. દુનિયાનો લગભગ 20% કાચું તેલ આ માર્ગે પસાર થાય છે. જો ઈરાન આ માર્ગ બંધ કરે અથવા અહીં સુરંગો બિછાવે તો ભારત સહિત અનેક દેશોમાં તેલનો પુરવઠો ખોરવાઈ શકે છે અને મોંઘવારી આસમાને પહોંચી શકે છે. ઈરાને અગાઉ પણ ધમકી આપી છે કે જો તેના આર્થિક હિતોને નુકસાન થશે તો તે આ ગળું દબાવી દેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now