Home International America Bomb Cyclone Air India Cancels All New York Newark Flights Advisory Issued For Passengers

અમેરિકા જનારા ભારતીયો માટે મહત્વના સમાચાર : રેકોર્ડબ્રક હિમવર્ષા વચ્ચે એર ઈન્ડિયાએ લીધો મોટો નિર્ણય,ખાસ વાંચજો

અમેરિકા જનારા ભારતીયો માટે મહત્વના સમાચાર
Published by: OBS Bureau
Last Updated: Jan 24, 2026, 09:35 AM IST

અમેરિકાના પૂર્વીય કિનારાના રાજ્યોમાં કુદરતનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ભયાનક શિયાળુ તોફાન (Winter Storm) અને ભારે હિમવર્ષાની આગાહીને પગલે ભારતની અગ્રણી એરલાઇન એર ઇન્ડિયાએ મુસાફરોની સુરક્ષા માટે મોટો નિર્ણય લીધો છે. એર ઇન્ડિયાએ આગામી 25 અને 26 જાન્યુઆરીના રોજ ન્યૂયોર્ક અને ન્યૂ જર્સીના નેવાર્ક એરપોર્ટ પર જતી અને ત્યાંથી ભારત આવતી તમામ ફ્લાઇટ્સ રદ કરવાની જાહેરાત કરી છે. અમેરિકામાં હવામાન એટલું ખરાબ છે કે વિઝિબિલિટી શૂન્ય થઈ જવાની અને તીવ્ર પવન ફૂંકાવાની શક્યતા છે, જેને ધ્યાનમાં રાખીને એરલાઇન કંપનીએ કોઈ પણ પ્રકારનું જોખમ ન લેવાનું નક્કી કર્યું છે. આ નિર્ણયથી હજારો પ્રવાસીઓના પ્રવાસના આયોજન પર અસર પડી છે.

એર ઇન્ડિયાની ટ્રાવેલ એડવાઇઝરી: સુરક્ષા પ્રથમ પ્રાથમિકતા

એર ઇન્ડિયાએ સોશિયલ મીડિયા અને સત્તાવાર નિવેદન દ્વારા ટ્રાવેલ એડવાઇઝરી જારી કરી છે. કંપનીએ જણાવ્યું છે કે યુએસ ઈસ્ટ કોસ્ટમાં ભારે બરફવર્ષા, હાડ થીજવતી ઠંડી અને વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી છે. ખાસ કરીને ન્યૂ યોર્ક અને નેવાર્ક એરપોર્ટ પર કામગીરી કરવી જોખમી બની શકે તેમ છે. એરલાઇને સ્પષ્ટ કર્યું છે કે મુસાફરો અને ક્રૂ મેમ્બર્સની સુરક્ષા સાથે કોઈ સમાધાન કરી શકાય નહીં. જે મુસાફરોની ટિકિટ આ તારીખમાં બુક હતી, તેમને રિફંડ અથવા રિ-શેડ્યુલિંગ અંગેની વિગતો માટે એરલાઇનની વેબસાઇટ કે કસ્ટમર કેરનો સંપર્ક કરવા જણાવાયું છે.

અમેરિકામાં ઐતિહાસિક તોફાન: રાષ્ટ્રપતિ ટ્રમ્પની નજર

અમેરિકાની નેશનલ વેધર સર્વિસ (NWS) એ આ તોફાનને ઐતિહાસિક ગણાવ્યું છે. આ તોફાન મધ્ય અમેરિકાથી લઈને ઉત્તર-પૂર્વીય રાજ્યો સુધી ફેલાયેલું છે. ભારે બરફ અને બરફીલા વરસાદને કારણે રસ્તાઓ પર અવરજવર બંધ છે અને વીજ પુરવઠો ખોરવાઈ જવાની ભીતિ છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ નિવેદન જારી કર્યું છે કે ફેડરલ ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સી (FEMA) ને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. વ્હાઈટ હાઉસ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને અસરગ્રસ્ત રાજ્યોમાં કટોકટી જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.

મુસાફરોને શું કરવું?

જો તમે અથવા તમારા કોઈ સંબંધી 25 કે 26 જાન્યુઆરીએ અમેરિકા જવાનું કે ત્યાંથી ભારત આવવાનું આયોજન કરી રહ્યા હોય, તો સૌથી પહેલા એર ઇન્ડિયાના ફ્લાઇટ સ્ટેટસ ટ્રેકરનો ઉપયોગ કરવો હિતાવહ છે. એર ઇન્ડિયાએ જણાવ્યું છે કે હવામાન સાફ થયા બાદ અને એરપોર્ટ ઓથોરિટી તરફથી ક્લિયરન્સ મળ્યા પછી જ સેવાઓ ફરી શરૂ કરવામાં આવશે. મુસાફરોને એરપોર્ટ પર ગયા વગર ઘરેથી જ સ્ટેટસ ચેક કરી લેવા વિનંતી કરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now