બનાસકાંઠા જિલ્લાના અંબાજી નજીક આવેલા પાનસા ગ્રામ પંચાયત વિસ્તારના રિછડી તળાવમાં શનિવારે એક અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક ઘટના બની હતી. વેકેશન દરમિયાન તળાવમાં ન્હાવા પડેલા ત્રણ માસૂમ બાળકોના ડૂબી જવાથી મોત નિપજતાં સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. એકસાથે ત્રણ બાળકોના અકાળે અવસાનના સમાચાર મળતા જ સ્થાનિકોમાં ભારે અરેરાટી અને ગમગીનીનો માહોલ સર્જાયો હતો.
પ્રાથમિક માહિતી મુજબ, બાળકો અન્ય મિત્રો સાથે તળાવ પાસે રમવા અને ન્હાવા માટે ગયા હતા. આ દરમિયાન તેઓ ઊંડા પાણીમાં ચાલ્યા જતા ડૂબી ગયા હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને ગ્રામજનો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે બાળકોને બહાર કાઢ્યા બાદ તેમનો જીવ બચાવી શકાયો નહોતો.
મૃતક બાળકોમાં સતુભાઈ રાઠોડ, વિપુલભાઈ રાઠોડ અને બચુભાઈ તરાલનો સમાવેશ થાય છે. આ દુર્ઘટનામાં સૌથી કરુણ પાસું એ છે કે મૃતક બાળકોમાંથી સતુભાઈ અને વિપુલભાઈ સગા ભાઈઓ હોવાનું સામે આવ્યું છે. એક જ પરિવારના બે દીકરાઓના એકસાથે મૃત્યુથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
10 વર્ષથી ઓછી ઉંમરના હતા 3 બાળકો
સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, કાળનો કોળિયો બનેલા ત્રણેય બાળકોની ઉંમર 10 વર્ષથી ઓછી હતી. બાળપણની નિર્દોષ ઉંમરમાં બનેલી આ દુર્ઘટનાએ સમગ્ર ગામ અને આસપાસના વિસ્તારોને હચમચાવી દીધા છે. બાળકોના પરિવારજનોના આક્રંદથી સમગ્ર વાતાવરણ ગમગીન બની ગયું હતું.
વેકેશનનો સમય હોવાથી બાળકો સામાન્ય રીતે ગામની આસપાસના વિસ્તારોમાં રમવા અને ન્હાવા જતા હોય છે. જોકે પાણીના સ્ત્રોતો પાસે યોગ્ય સુરક્ષા વ્યવસ્થાના અભાવે આવી દુર્ઘટનાઓ વારંવાર સામે આવતી રહે છે. આ ઘટનાએ ફરી એકવાર બાળકોની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.
આ પણ વાંચો: સુરતીઓને ગરમીમાંથી મળશે રાહત! : આગામી દિવસોમાં આવશે ગાજવીજ સાથે વરસાદ, જાણો IMD ની આગાહી
ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા
ત્રણ બાળકોના ડૂબી જવાની માહિતી ગામમાં ફેલાતાં જ મોટી સંખ્યામાં લોકો રિછડી તળાવ પાસે એકત્રિત થયા હતા. ગ્રામજનો, સ્થાનિક આગેવાનો તેમજ પરિવારજનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક તંત્ર અને પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી.
ઘટના બાદ મૃતદેહોને બહાર કાઢી જરૂરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે અને લોકો મૃતક બાળકોના પરિવારજનોને સાંત્વના આપી રહ્યા છે. ગામમાં પણ ભારે ગમગીની છવાઈ ગઈ છે.
સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ
અંબાજી પંથકમાં બનેલી આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. એક સાથે ત્રણ માસૂમ બાળકોના મોત અને તેમાં પણ બે સગા ભાઈઓના અવસાનના સમાચારથી લોકો સ્તબ્ધ બની ગયા છે. ગામમાં અનેક પરિવારો અને સ્થાનિક આગેવાઓએ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. વેકેશનના આનંદ વચ્ચે સર્જાયેલી આ કરુણ ઘટનાએ અનેક પરિવારોને ઝંઝોડીને રાખી દીધા છે. ત્રણ નિર્દોષ બાળકોના અકાળે અવસાનથી માત્ર તેમના પરિવારજનો જ નહીં પરંતુ સમગ્ર પંથક શોકમાં ગરકાવ થઈ ગયો છે.





