Alpha Teaser: 18મા જન્મદિવસે બોબી દેઓલે આલિયા ભટ્ટને આપી ખતરનાક ગિફ્ટ
યશરાજ ફિલ્મ્સ (YRF) ના જાણીતા સ્પાય યુનિવર્સની આગામી એક્શન થ્રિલર ફિલ્મ 'આલ્ફા' (Alpha) નું ઓફિશિયલ ટીઝર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. શિવ રવૈલના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ વાયઆરએફ સ્પાય યુનિવર્સની પહેલી એવી ફિલ્મ છે, જેમાં મહિલા લીડ રોલ જોવા મળશે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ અને શર્વરી મુખ્ય ભૂમિકામાં છે. ટીઝર સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ફેન્સ વચ્ચે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
શું છે આલ્ફાના ટીઝરમાં?
આ ટીઝરની વાર્તા ગત વર્ષે રિલીઝ થયેલી અયાન મુખર્જીની ફિલ્મ 'વોર 2' (War 2) ના પોસ્ટ-ક્રેડિટ સીનથી આગળ વધે છે. 'વોર 2' ના અંતમાં બોબી દેઓલનું પાત્ર નાની સીતાના હાથ પર આલ્ફાનો લોગો ટેટૂ કરતું જોવા મળ્યું હતું.
હવે આ નવા ટીઝરમાં સીતા અને બાબા તેના 18મા જન્મદિવસે એકસાથે જોવા મળે છે. બાબાએ સીતા માટે એક શાનદાર ડિનરનું આયોજન કર્યું હોય છે. જોકે, સીતાને ત્યારે આશ્ચર્ય થાય છે જ્યારે બાબા તેને ગિફ્ટમાં એક નાનું બોક્સ આપે છે, જેમાં તેનો પહેલો જ સ્પાય મિશન હોય છે. સીતા પુખ્ત વયની થતાં જ તેને દેશની સુરક્ષા માટે મેદાનમાં ઉતારી દેવામાં આવે છે. શરૂઆતમાં સીતા થોડી નિરાશ થાય છે કે આ ડિનર બર્થડે સેલિબ્રેશન માટે નહીં પણ મિશન માટે હતું, પરંતુ ત્યારપછી તે એક કિલિંગ મશીન બનીને દુશ્મનોનો ખાતમો કરતી જોવા મળે છે. ટીઝરના અંતમાં બોબી દેઓલ હસતા હસતા 'હેપ્પી બર્થડે' કહે છે અને આલિયા પણ હસીને એક માણસને ગોળી મારી દે છે.
ફિલ્મની રિલીઝમાં કેમ થયો વિલંબ?
'આલ્ફા' ફિલ્મ પહેલા આ વર્ષે એપ્રિલ મહિનામાં રિલીઝ થવાની હતી, પરંતુ સલમાન ખાનની મિલિટરી એક્શન ડ્રામા ફિલ્મ 'બેટલ ઓફ ગલવાન' (જેનું નવું નામ હવે 'માતૃભૂમિ' છે) સાથે ક્લેશ ટાળવા માટે યશરાજ ફિલ્મ્સ દ્વારા તેની રિલીઝ ડેટ આગળ વધારવામાં આવી હતી. અપૂર્વ લાખિયાના નિર્દેશનમાં બનેલી સલમાન ખાનની આ ફિલ્મ પણ પાછી ઠેલાઈ છે અને હજી સુધી બંને ફિલ્મોની નવી રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી નથી. પ્રશંસકો હવે આલિયા અને શર્વરીની આ હાઈ-ઓક્ટેન એક્શન ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
'આલ્ફા' નું ટીઝર જોવા માટે અહીં ક્લિક કરો





