Alok Nath MeToo: એક સમય હતો જ્યારે બોલિવૂડમાં કોઈપણ ફિલ્મ કે ટીવી સિરિયલમાં સંસ્કારી પિતા અથવા પરિવારના વડીલની ભૂમિકા માટે સૌથી પહેલું નામ આલોક નાથનું લેવામાં આવતું હતું. પોતાની શાંત છબી અને સંસ્કારી પાત્રોના કારણે તેઓ દર્શકોમાં એટલા લોકપ્રિય બન્યા કે તેમને 'સંસ્કારી બાબુજી' તરીકે ઓળખ મળવા લાગી. પરંતુ વર્ષ 2018માં ME TOO આંદોલન દરમિયાન લાગેલા ગંભીર આરોપો બાદ તેમની છબી અને કારકિર્દી બંનેને મોટો ફટકો પડ્યો. મીટૂ(#MeToo) વિવાદ બાદ આલોક નાથ ધીમે-ધીમે ફિલ્મી દુનિયાથી સંપૂર્ણપણે દૂર થઈ ગયા. હવે તેઓ જાહેર કાર્યક્રમો, ફિલ્મો કે, ટેલિવિઝન પર ભાગ્યે જ જોવા મળે છે. તાજેતરમાં તેમના નજીકના મિત્ર અને અભિનેતા રાજેશ પુરીએ આપેલા એક ઇન્ટરવ્યૂમાં આલોક નાથના વર્તમાન જીવન અને ભૂતકાળ અંગે અનેક મહત્વપૂર્ણ વાતો શેર કરી છે.
મીટૂ આંદોલન બાદ કારકિર્દી પર લાગી બ્રેક
વર્ષ 2018માં મીટૂ અભિયાન દરમિયાન લેખિકા અને નિર્માતા વિન્તા નંદા સહિત કેટલીક મહિલાઓએ આલોક નાથ સામે યૌન ઉત્પીડનના આરોપો લગાવ્યા હતા. આ આરોપો બાદ સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ભારે ચર્ચા શરૂ થઈ હતી અને અનેક ફિલ્મ નિર્માતાઓએ તેમની સાથે કામ કરવાનું ટાળ્યું. આ વિવાદ બાદ આલોક નાથનું ફિલ્મી કરિયર લગભગ થંભી ગયું. વર્ષો સુધી મુખ્ય પાત્રોમાં જોવા મળતા અભિનેતા અચાનક જ લાઇમલાઇટમાંથી ગાયબ થઈ ગયા અને ત્યારથી તેઓ જાહેર જીવનમાં પણ ખૂબ ઓછા જોવા મળ્યા છે.
મિત્ર રાજેશ પુરીએ કર્યો મોટો ખુલાસો
અભિનેતા રાજેશ પુરીએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું કે આલોક નાથના જીવનમાં આવેલી મુશ્કેલીઓ પાછળ માત્ર મીટૂ વિવાદ જ નહીં, પરંતુ તેમની કેટલીક વ્યક્તિગત આદતો પણ જવાબદાર રહી છે. રાજેશ પુરીના જણાવ્યા મુજબ, આલોક નાથને એક સમયે દારૂની ગંભીર લત લાગી ગઈ હતી. વધુ પડતા દારૂના સેવનના કારણે તેમનો સ્વભાવ આક્રમક બની ગયો હતો, જેના કારણે તેમની વ્યાવસાયિક અને વ્યક્તિગત બંને જિંદગી પર નકારાત્મક અસર પડી હતી. તેમણે એવો પણ દાવો કર્યો કે આ પરિસ્થિતિએ તેમની કારકિર્દીને ગંભીર નુકસાન પહોંચાડ્યું.
આ પણ વાંચો: ખાલડા હત્યાકાંડમાં નવો સસ્પેન્સ, શું દોષિત પૂર્વ DSP ખરેખર લાપતા? : જેલની તપાસ બાદ ઉભા થયા અનેક સવાલો
હવે આધ્યાત્મિક જીવન તરફ વળ્યા
રાજેશ પુરીના જણાવ્યા અનુસાર, હવે આલોક નાથ પોતાના ભૂતકાળને લઈને પસ્તાવો અનુભવે છે. તેમણે દારૂનું સંપૂર્ણપણે ત્યાગ કરી દીધો છે અને શાંત તથા આધ્યાત્મિક જીવન જીવવાનો પ્રયાસ કરી રહ્યા છે. મિત્રના કહેવા મુજબ, આલોક નાથ હવે અગાઉની જેમ સામાજિક જીવનમાં સક્રિય નથી. તેઓ મોટાભાગનો સમય પરિવાર અને નજીકના લોકો સાથે વિતાવે છે અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં રસ લઈ રહ્યા છે.
બોલિવૂડના સૌથી લોકપ્રિય પાત્ર અભિનેતાઓમાં હતા સામેલ
આલોક નાથે પોતાના લાંબા અભિનય કારકિર્દી દરમિયાન અનેક યાદગાર ફિલ્મો અને ટીવી સિરિયલોમાં કામ કર્યું છે. હમ આપકે હૈં કૌન..!, વિવાહ, મેંને પ્યાર કિયા, હમ સાથ સાથ હૈં જેવી સુપરહિટ ફિલ્મોમાં તેમના પાત્રોને આજે પણ દર્શકો યાદ કરે છે. ટીવી પર પણ તેમણે અનેક લોકપ્રિય ધારાવાહિકોમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી હતી. તેમની સંસ્કારી અને પરિવારપ્રેમી છબીએ તેમને ઘરઘરમાં લોકપ્રિય બનાવ્યા હતા.
વિવાદ બાદ બદલાઈ ગયું જીવન
મીટૂ વિવાદ બાદ આલોક નાથના જાહેર જીવનમાં મોટો ફેરફાર આવ્યો છે. અગાઉ સતત ફિલ્મો અને કાર્યક્રમોમાં વ્યસ્ત રહેતા અભિનેતા હવે મીડિયાથી પણ અંતર જાળવી રહ્યા છે. જોકે, તેમના મિત્રના નિવેદન અનુસાર, તેઓ હવે પોતાના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમ છતાં, તેઓ ફરી ફિલ્મી દુનિયામાં સક્રિય થશે કે નહીં તે અંગે હાલમાં કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.





