Home International Ajit Pawars Son Shared Video Vsr Airlines Owner Of Plane Company Was Seen Sleeping On The Pilots Seat

'આકાશમાં આવી બેદરકારી અસ્વીકાર્ય' : અજિત પવારના નિધન બાદ પુત્રનો આક્રોશ, ચાલુ ફ્લાઇટે પાયલટની સીટ પર સૂતા પકડાયા કંપનીના માલિક!

'આકાશમાં આવી બેદરકારી અસ્વીકાર્ય'
Published by: OBS Bureau
Last Updated: Mar 02, 2026, 11:31 AM IST

મહારાષ્ટ્રના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અજિત પવારના અવસાન બાદ તેમના પુત્ર જય પવારે સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો શેર કર્યો છે, જેણે ઉડ્ડયન ક્ષેત્રમાં ખળભળાટ મચાવી દીધો છે. 28 જાન્યુઆરી 2026ના રોજ બારામતીમાં થયેલા વિમાન અકસ્માતમાં અજિત પવારનું નિધન થયું હતું, અને હવે તે જ કંપની VSR વેન્ચર્સની વધુ એક મોટી બેદરકારી સામે આવી છે. જય પવારે શેર કરેલા વીડિયોમાં કંપનીના માલિક રોહિત સિંહ ચાલુ ફ્લાઇટ દરમિયાન મુખ્ય પાયલટની સીટ પર આરામથી સૂતા જોવા મળી રહ્યા છે.

પિતાને ગુમાવવાની પીડા સાથે જય પવારે ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયો શેર કરીને સવાલ ઉઠાવ્યો છે કે, હવામાં આવી ગંભીર બેદરકારી કેવી રીતે સહન કરી શકાય? તેમણે DGCA પાસે કંપનીની તમામ ફ્લાઈટ્સ તાત્કાલિક બંધ કરવાની અને માલિકની ધરપકડ કરવાની માંગ કરી છે. જય પવારની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તેમણે આ વીડિયોને માત્ર એક ફરિયાદ નહીં પરંતુ દરેક મુસાફરની સુરક્ષા માટેનો 'પુત્રનો પોકાર' ગણાવ્યો છે. વીડિયોમાં પાયલટની ગંભીર બેદરકારી સ્પષ્ટપણે કેમેરામાં કેદ થઈ છે.

"મેં મારા પિતાને ગુમાવ્યા છે..." જય પવારની ભાવુક અપીલ

પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં જય પવારે લખ્યું કે, "મેં મારા પિતાને ગુમાવ્યા છે અને આ દુઃખ આખી જીંદગી મારી સાથે રહેશે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે VSR વેન્ચર્સના માલિક રોહિત સિંહ પાયલટની સીટ પર સૂઈ રહ્યા છે. હજારો ફૂટની ઊંચાઈએ આવી બેદરકારી ચોંકાવનારી છે. આ મામલે DGCA એ તાત્કાલિક કડક પગલાં લેવા જોઈએ જેથી બીજા કોઈએ પોતાનો સ્વજન ગુમાવવો ન પડે."

VSR વેન્ચર્સના વિમાનો પહેલેથી જ છે રડારમાં

28 જાન્યુઆરી 2026ના રોજ થયેલા લિયરજેટ 45 ક્રેશ બાદ DGCA એ VSR વેન્ચર્સ પ્રાઇવેટ લિમિટેડ સામે તપાસ તેજ કરી હતી. સ્પેશિયલ સેફ્ટી ઓડિટ દરમિયાન જાણવા મળ્યું હતું કે કંપની એરવર્ધીનેસ અને ફ્લાઇટ ઓપરેશનના અનેક નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે. આ ઓડિટ રિપોર્ટ બાદ DGCA એ કંપનીના ચાર વિમાનો (VT-VRA, VT-VRS, VT-VRV અને VT-TRI) ને તાત્કાલિક અસરથી ગ્રાઉન્ડ કરી દીધા છે.

પારદર્શક તપાસની માંગ

જય પવારે માંગ કરી છે કે, જ્યાં સુધી સંપૂર્ણ અને પારદર્શક તપાસ પૂરી ન થાય ત્યાં સુધી VSR વેન્ચર્સની તમામ ઉડાન પર પ્રતિબંધ લાદવામાં આવે. તેમણે રોહિત સિંહ સામે કાયદેસરની કાર્યવાહી કરીને તેમની ધરપકડ કરવાની પણ વિનંતી કરી છે. ઉલ્લેખનીય છે કે, બારામતી પ્લેન ક્રેશની તપાસ હજુ ચાલુ છે અને આ નવા વીડિયોએ તપાસમાં નવો વળાંક લાવી દીધો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now