Home International Air Forces Grand Display On 77th Republic Day Watch The Powerful Video Of An Air Force Pilot

હેલ્મેટ ક્લોઝ, શો ઓન! : રાફેલની ગર્જનાથી ગુંજ્યું આકાશ, જુઓ વાયુસેનાના પાયલટની પાવરફુલ મોમેન્ટ

હેલ્મેટ ક્લોઝ, શો ઓન!
Published by: OBS Bureau
Last Updated: Jan 26, 2026, 10:04 AM IST

ભારત આજે ગૌરવભેર પોતાનો 77મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યું છે. આ ઐતિહાસિક અવસરે દિલ્હીના કર્તવ્ય પથ પર યોજાયેલી પરેડમાં ભારતીય વાયુસેનાના અત્યાધુનિક લડાયક વિમાન રાફેલે (Rafale) આકાશમાં પોતાની શક્તિનું પ્રદર્શન કરીને સૌના દિલ જીતી લીધા હતા. વાયુસેનાના શૌર્ય અને અત્યાધુનિક લડાયક ક્ષમતાના આ પ્રદર્શનમાં રાફેલ વિમાનોની ગગનભેદી ગર્જનાથી આખું દિલ્હી ગુંજી ઉઠ્યું હતું. ખાસ કરીને 'વજ્રાંગ ફોર્મેશન' અને પાયલટના કોકપિટ વીડિયોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે.

'વજ્રાંગ ફોર્મેશન': હવામાં શક્તિ અને વ્યૂહરચનાનો અદભૂત સંગમ

કર્તવ્ય પથ પર જ્યારે ફ્લાયપાસ્ટ શરૂ થયો ત્યારે વાયુસેનાના 29 વિમાનોએ આકાશમાં કરતબ બતાવ્યા હતા. આ દરમિયાન 6 રાફેલ લડાયક વિમાનોએ 'વજ્રાંગ ફોર્મેશન'માં (Vajrang Formation) ઉડાન ભરી હતી.

  • શું છે આ ફોર્મેશન? આ ફોર્મેશનમાં એક વિમાન આગળ હોય છે અને બાકીના 5 વિમાનો તેની પાછળ હોય છે.

  • મહત્વ: આ એક અત્યંત જટિલ અને ડાયનામિક ફોર્મેશન છે, જે ભારતીય વાયુસેનાની ઓપરેશનલ તૈયારી અને રણનીતિક તાકાતનું પ્રદર્શન કરે છે. આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર દરેક ભારતીયની છાતી ગજગજ ફૂલી ગઈ હતી.

900 કિમીની ઝડપે રાફેલે આકાશમાં લગાવી ડૂબકી

જોધપુર એરબેઝથી ઉડાન ભરીને કર્તવ્ય પથ પર પહોંચેલા રાફેલે સિંગલ ઉડાન દરમિયાન પણ અદ્ભુત કરતબો બતાવ્યા હતા. અંદાજે 900 કિલોમીટર પ્રતિ કલાકની પ્રચંડ ઝડપે રાફેલે આકાશમાં ગુલાંટ લગાવી અને હવામાં ચક્કર લગાવીને પોતાની ચપળતા સાબિત કરી હતી. પાયલટે જ્યારે વિમાનને આકાશની ઊંચાઈઓમાં લઈ જઈને અચાનક ગોથું ખવડાવ્યું ત્યારે લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા.

પાયલટનો કોકપિટ વીડિયો થયો વાયરલ

વાયુસેનાએ રાફેલના પાયલટનો એક ખાસ વીડિયો પણ જાહેર કર્યો છે, જે ખૂબ જ રોમાંચક છે. વીડિયોમાં પાયલટ કોકપિટમાં બેસીને પોતાનું હેલ્મેટ પહેરે છે અને હેલ્મેટનું બ્લેક શીલ્ડ નીચે કરે છે. તેની ગણતરીની સેકન્ડોમાં જ રાફેલ હવામાં ઉડાન ભરે છે. પાયલટના ચહેરા પરનો આત્મવિશ્વાસ ભારતની રક્ષા શક્તિનો પરચો આપે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now