Home Gujarat Ahmedabad Svp Hospital Icu Patient Negligence Allegation

SVP હોસ્પિટલના ICUમાં દાખલ વૃદ્ધ દર્દી સાથે બેદરકારીનો આક્ષેપ : પરિવારજનોએ પોલીસમાં અરજી કરી

SVP હોસ્પિટલના ICUમાં દાખલ વૃદ્ધ દર્દી સાથે બેદરકારીનો આક્ષેપ
Published by: OBS Bureau
Last Updated: Dec 30, 2025, 12:15 PM IST

અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલી SVP હોસ્પિટલમાંથી એક મોટી બેડકારીની ઘટના સામે આવી છે. ICU માં દાખલ કરવામાં આવેલા એક વૃદ્ધ દર્દીના હાથમાંથી નળી (કેન્યુલા) નીકળી જતા ભારે લોહી વહી ગયું હતું. લોહી વહી જવાથી દર્દીના બેડ પરની ચાદર અને કપડાં સંપૂર્ણ રીતે લોહીવાળા થઈ ગયા હતા. દર્દીના પરિવારજનો જ્યારે ICUમાં દર્દીને મળવા ગયા ત્યારે આ દ્રશ્ય જોઈ તેઓ ચોંકી ગયા.

પરિવારજનોએ તરત જ હાજર ડોક્ટરો અને સ્ટાફને જાણ કરી હોવા છતાં સમયસર યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવી હોવાનો આક્ષેપ કર્યો છે. પરિવારનો આરોપ છે કે લોહી વહેતું હોવા છતાં ICU ના સ્ટાફ દ્વારા દર્દી પર ધ્યાન આપવામાં આવ્યું નહોતું, જે ગંભીર બેદરકારી દર્શાવે છે. આ સમગ્ર મામલે પરિવારજનોએ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં અરજી આપી તપાસની માંગ કરી છે.

આ મામલે SVP હોસ્પિટલના CEO સૌરભ પટેલએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે દર્દીની હાલત ગંભીર છે અને તેમને ICU વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. દર્દીના મોઢે ઓક્સિજન માસ્ક લગાવવામાં આવ્યો છે, પરંતુ દર્દી વારંવાર અસ્વસ્થતા કારણે માસ્ક કાઢી નાખવાનો પ્રયાસ કરતા હતા. આ સાથે હાથમાં લગાવવામાં આવેલી નળી પણ કાઢવાનો પ્રયાસ કર્યો હોવાથી લોહી નીકળી ગયું હતું.
CEOએ વધુમાં જણાવ્યું કે સામાન્ય રીતે ICU વોર્ડમાં દિવસમાં એક જ વાર પરિવારજનોને દર્દીને મળવાની મંજૂરી આપવામાં આવે છે. જ્યારે પરિવારજનો આવ્યા ત્યારે નળી નીકળી ગયેલી હતી અને લોહી વહી રહ્યું હતું. તેમણે સ્ટાફની બેદરકારી કે નળી ખોટી રીતે લગાવવામાં આવી હોવાનો ઇનકાર કર્યો છે અને જણાવ્યું છે કે દર્દીની સ્થિતિ એવી હતી કે તેઓ પોતે જ નળી કાઢવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

હોસ્પિટલ પ્રશાસને જણાવ્યું છે કે જો પોલીસ દ્વારા નિવેદન માટે બોલાવવામાં આવશે તો દર્દીની તબીબી સ્થિતિ અંગે સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. હાલ આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે અને પોલીસ તપાસ બાદ સાચી હકીકત બહાર આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now