અમદાવાદ શહેરમાં આવેલી સેવન્થ ડે સ્કૂલને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. શાળામાં થયેલા ગંભીર કાયદાકીય ભંગ, નફાખોરી, ખોટા દસ્તાવેજો અને શાળા સલામતીમાં ગંભીર ચૂકને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે શાળાનો સમગ્ર વહીવટ પોતાના હસ્તક લઈ લીધો છે. આ સાથે જિલ્લા શિક્ષણાધિકારી, અમદાવાદ શહેરને શાળાના વહીવટદાર તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, શાળામાં તાજેતરમાં એક ગંભીર ઘટના બની હતી, જેમાં ધોરણ-8ના વિદ્યાર્થીએ ધોરણ-10ના વિદ્યાર્થી પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો. આ હુમલામાં વિદ્યાર્થીનું મોત થતાં સમગ્ર રાજ્યમાં આઘાત ફેલાયો હતો. આ ઘટનાના પગલે શાળાની કામગીરી, સલામતી અને સંચાલન અંગે અનેક પ્રશ્નો ઊભા થયા હતા અને શાળા સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી હતી.
કાયદાકીય ભંગ, ખોટા દસ્તાવેજો અને શાળા સલામતીમાં ચૂક
આ ઘટનાના અનુસંધાને જિલ્લા શિક્ષણાધિકારી, પ્રાથમિક શિક્ષણ નિયામક તથા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શાળાની વ્યાપક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ખુલ્યું હતું કે, શાળાએ બોર્ડની મંજૂરી વિના વધારાના વર્ગો શરૂ કર્યા હતા. સાથે જ શાળા કયા ટ્રસ્ટ અથવા સોસાયટી દ્વારા સંચાલિત થાય છે તે બાબત સ્પષ્ટ નહોતી અને અલગ-અલગ ટ્રસ્ટોના નામ દસ્તાવેજોમાં દર્શાવવામાં આવ્યા હતા. તપાસમાં વધુમાં સામે આવ્યું હતું કે શાળાએ મંજૂરી વિના બાંધકામ કરીને વધારાના બિલ્ડિંગ ઊભા કર્યા હતા. શાળાના કેમ્પસમાં પુસ્તકોનું વેચાણ કરીને નફાખોરી કરવામાં આવી, RTE કાયદાનો ભંગ થયો, ખોટા એફિડેવિટ રજૂ કરીને મહત્વની માહિતી છુપાવવામાં આવી હતી. આ તમામ બાબતોને કારણે શાળાની વિશ્વસનીયતા પર ગંભીર સવાલો ઊભા થયા હતા.
લીઝની શરતોનો સીધો ભંગ કર્યો
તપાસમાં એ પણ સામે આવ્યું હતું કે, શાળા જે જમીન પર આવેલી છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા Seventh Day Adventist Associationને 99 વર્ષ માટે લીઝ પર આપવામાં આવી હતી, પરંતુ શાળાનું સંચાલન અન્ય ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું હતું, જે લીઝની શરતોનો સીધો ભંગ ગણાય છે. ઉપરાંત મંજૂર નકશા કરતાં વધુ ALPHA, SHELOM અને OMEGA બ્લોક જેવા બિલ્ડિંગ ઊભા કરવામાં આવ્યા હતા, પરંતુ તેનું B.U. પરમિશન લેવામાં આવ્યું ન હતું.
શાળાનો વહીવટ સરકારે પોતાના હસ્તક લીધો
આ તમામ ગંભીર ખામીઓ અને કાયદાકીય ભંગને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે શાળાનો વહીવટ પોતાના હસ્તક લેવાનો નિર્ણય કર્યો છે. સરકારએ સ્પષ્ટ કર્યું છે કે હાલ શાળામાં ભણતા 10,000થી વધુ વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને શાળા ચાલુ રહેશે, પરંતુ નવા એડમિશન પર રોક લગાવવામાં આવશે. સરકાર દ્વારા એ પણ જણાવાયું છે કે વિદ્યાર્થીઓના અભ્યાસને કોઈ નુકસાન ન થાય તે માટે આગામી સમયમાં જરૂરી માર્ગદર્શિકા અલગથી જાહેર કરવામાં આવશે.





















