Home Gujarat Ahmedabad Police Inspector Transfer List

અમદાવાદ પોલીસમાં મોટું ઓપરેશન : 27 પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલી, નિષ્ક્રિય અધિકારીઓ સામે કડક કાર્યવાહી

અમદાવાદ પોલીસમાં મોટું ઓપરેશન
Published by: OBS Bureau
Last Updated: Feb 23, 2026, 04:25 PM IST

અમદાવાદ શહેરના પોલીસ બેડામાં લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તેવો મોટો ફેરફાર પોલીસ કમિશનર જીએસ મલિક દ્વારા કરવામાં આવ્યો છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવાના આશય સાથે કુલ 27 પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલીના આદેશ છૂટ્યા છે. આ સાથે જ લિવ રિઝર્વમાં રહેલા 8 અધિકારીઓને પણ નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે. આ યાદીમાં ખાસ કરીને વિવાદોમાં રહેલા અને નિષ્ક્રિય કામગીરી કરનારા અધિકારીઓ પર તંત્રની ગાજ પડી હોય તેવું સ્પષ્ટ જણાય છે.

આ બદલીઓમાં સૌથી વધુ ચર્ચા દાણીલીમડાના પીઆઈ એચએન પટેલ અને દરિયાપુરના પીઆઈ આરજી દેસાઈની થઈ રહી છે. આ બંને અધિકારીઓને તેમના વિસ્તારમાં થયેલી ગેરકાયદે પ્રવૃત્તિઓના કારણે સજાના ભાગરૂપે કંટ્રોલરૂમમાં મોકલી દેવાયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર દાણીલીમડામાં પકડાયેલા કેમિકલ ચોરીના રેકેટ અને દરિયાપુરમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કરવામાં આવેલા જુગારના મોટા દરોડા બાદ સ્થાનિક પોલીસની નિષ્ફળતા છતી થઈ હતી, જે આ બદલીનું મુખ્ય કારણ બન્યું છે.

શહેરના કેટલાક મહત્વના પોલીસ સ્ટેશન જેવા કે કૃષ્ણનગર, ચાંદખેડા, શહેરકોટડા, આનંદનગર અને માધવપુરા છેલ્લા ઘણા સમયથી કાયમી અધિકારી વગર ઇન્ચાર્જથી ચાલતા હતા. પોલીસ કમિશનરે હવે આ વિસ્તારોમાં નિયમિત પીઆઈની નિમણૂક કરી દીધી છે. માધવપુરામાં લાંબી માંદગી ભોગવી રહેલા કેપી જાડેજાના સ્થાને સીઆર રાણાને જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત નારોલ વિસ્તારમાં પણ સતત થતા ગુનાખોરીના બનાવો અને સ્ટેટ એજન્સીઓના વારંવારના દરોડા બાદ ત્યાંના પીઆઈની પણ બદલી કરી દેવાઈ છે.

નોંધનીય છે કે અમદાવાદમાં જે અધિકારીઓ 3 વર્ષ કરતા વધુ સમયથી એક જ સ્થાને જામી પડ્યા હતા અથવા જેમના વિસ્તારમાં ક્રાઈમ રેટ વધ્યો હતો, તેમને હટાવીને સક્ષમ અધિકારીઓને મૂકવામાં આવ્યા છે. શહેર પોલીસના આ મોટા શુદ્ધિકરણ અભિયાનથી ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને વહીવટી તંત્રમાં ગતિશીલતા આવવાની આશા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now