Home Gujarat Ahmedabad Metro Rail Make In India Train Launch

અમદાવાદને મળી મોટી ભેટ : CM ભૂપેન્દ્ર પટેલે પ્રથમ સ્વદેશી ‘ડ્રાઈવરલેસ’ મેટ્રો ટ્રેન કરી લૉન્ચ

અમદાવાદને મળી મોટી ભેટ
Published by: OBS Bureau
Last Updated: Dec 20, 2025, 06:24 PM IST

ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદ માટે શનિવારનો દિવસ ઐતિહાસિક સાબિત થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પશ્ચિમ બંગાળના કોલકાતા સ્થિત ટિટાગઢ રેલ સિસ્ટમ્સ પ્લાન્ટની મુલાકાત લઈને અમદાવાદ મેટ્રો માટે તૈયાર કરાયેલી પ્રથમ ‘મેક ઇન ઇન્ડિયા’ ટ્રેનનું લોન્ચિંગ કર્યું હતું. આધુનિક ટેકનોલોજી અને સુરક્ષાના ઉચ્ચ માપદંડો ધરાવતી આ ટ્રેન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરે છે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સંપૂર્ણપણે સ્વદેશી ટેકનોલોજીથી નિર્મિત આ મેટ્રો ટ્રેન ગુજરાતની સાંસ્કૃતિક વિરાસત અને પ્રગતિશીલ વિચારધારાનું પ્રતિબિંબ છે.

ડ્રાઈવર વગર ચાલવાની ક્ષમતા અને અત્યાધુનિક સુવિધાઓ

આ નવી મેટ્રો ટ્રેન અનેક વિશેષતાઓથી સજ્જ છે. તેની સૌથી મોટી ખાસિયત એ છે કે તે ગ્રેડ ઓફ ઓટોમેશન 4 (GOA4) ટેકનોલોજી પર આધારિત છે, જે તેને સંપૂર્ણ ઓટોમેટેડ અને ડ્રાઈવરલેસ ટ્રેન તરીકે કાર્ય કરવાની ક્ષમતા આપે છે. ટિટાગઢ રેલ સિસ્ટમ્સના એન્જિનિયરોએ સીએમને માહિતગાર કર્યા હતા કે, ટ્રેનમાં વર્લ્ડ ક્લાસ ફાયર સેફ્ટી અને પેસેન્જર સિક્યુરિટી સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવી છે. આ ટ્રેન ઉચ્ચ ગુણવત્તાવાળા સ્ટેનલેસ સ્ટીલમાંથી બનાવવામાં આવી છે અને તેની ડિઝાઇનમાં અમદાવાદની પરંપરાગત કળાનો સ્પર્શ આપવામાં આવ્યો છે.

10 ટ્રેનોનો ઓર્ડર અને વધતી મુસાફર સંખ્યા

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (GMRCL) દ્વારા ટિટાગઢ કંપનીને કુલ 10 ટ્રેનોનો ઓર્ડર આપવામાં આવ્યો છે. હાલમાં અમદાવાદ મેટ્રો દરરોજ 1.6 લાખથી વધુ નાગરિકોને પરિવહન સેવા પૂરી પાડે છે, જેમાં વાર્ષિક 30 થી 40 ટકાનો નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. મેટ્રો ફેઝ-2 ના વિસ્તરણને પગલે વધારાની ટ્રેનોની જરૂરિયાત ઊભી થઈ હતી, જેને આ નવી સ્વદેશી ટ્રેનો પૂરી કરશે. આગામી 5-6 મહિનામાં બાકીની 9 ટ્રેનો પણ તબક્કાવાર રીતે ગુજરાતને સોંપવામાં આવશે.

રેલવે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ભારતની હરણફાળ

આ લોન્ચિંગ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પર ભાર મૂકતા કહ્યું કે, 2014 માં દેશમાં મેટ્રો નેટવર્ક માત્ર 248 કિલોમીટર હતું, જે 2025 માં વધીને 1013 કિલોમીટર સુધી પહોંચી ગયું છે. વંદે ભારત અને નવી મેટ્રો ટ્રેનો થકી ભારત રેપિડ ટ્રાન્ઝિટ ક્ષેત્રે વૈશ્વિક ફલક પર ઉભરી રહ્યું છે. આ પ્રસંગે ડૉ. હસમુખ અઢીયા અને એસ. એસ. રાઠૌર જેવા ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. નોંધનીય છે કે, આ ટ્રેન ટૂંક સમયમાં અમદાવાદ લાવવામાં આવશે અને અંતિમ ટેસ્ટિંગ બાદ મુસાફરો માટે ખુલ્લી મૂકવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now