Home Gujarat Ahmedabad Drone Flying Ban Red Yellow Zone 2026

અમદાવાદમાં 2 મહિના માટે ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ : પોલીસ કમિશ્નરનું જાહેરનામું જાહેર

અમદાવાદમાં 2 મહિના માટે ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ
Published by: OBS Bureau
Last Updated: Jan 22, 2026, 10:34 AM IST

અમદાવાદ શહેરની સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં ડ્રોન અને UAV (Unmanned Aerial Vehicle) ઉડાડવા પર આગામી બે મહિના માટે પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામું ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-2023 ની કલમ 163 હેઠળ અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર જી. એસ. મલિક દ્વારા જારી કરવામાં આવ્યું છે.

જાહેરનામામાં જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં એરપોર્ટ, આર્મી કેન્ટોનમેન્ટ, સેન્ટ્રલ જેલ, VIP અને VVIP રહેઠાણો, પાવર સ્ટેશનો, મેટ્રો રેલવે, ઔદ્યોગિક એકમો, બ્રિજ અને મહત્વપૂર્ણ સરકારી કચેરીઓ જેવી સંવેદનશીલ જગ્યાઓ આવેલી છે. આવી જગ્યાઓ પર રીમોટ કંટ્રોલ ડ્રોન અથવા માઇક્રોલાઇટ એરક્રાફ્ટનો ગેરલાભ લઈ દેશવિરોધી તત્વો દ્વારા સુરક્ષાને ખતરો ઉભો થઈ શકે છે.

ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) ની ગાઇડલાઇન અનુસાર ‘ડિજિટલ સ્કાય’ એપ્લિકેશન પર અમદાવાદ શહેરમાં કુલ 201 વિસ્તારોને રેડ ઝોન અને યલો ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. તેમાં 36 રેડ ઝોન અને 165 યલો ઝોનનો સમાવેશ થાય છે. રેડ ઝોનમાં ડ્રોન ઉડાડવા સંપૂર્ણ પ્રતિબંધ રહેશે, જ્યારે યલો અને ગ્રીન ઝોનમાં માત્ર ડિજિટલ સ્કાય પ્લેટફોર્મ પરથી પરવાનગી મેળવી ડ્રોન ઉડાડી શકાશે.

આ હુકમ 21 જાન્યુઆરી 2026ના રોજ રાત્રે 12 વાગ્યાથી 21 માર્ચ 2026 સુધી ચાલુ રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા-2023 ની કલમ 223 હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે.

જાહેર જનતાને આ નિર્ણય અંગે જાણ કરવા માટે શહેરના વિવિધ વિસ્તારોમાં નોટિસ ચોંટાડવા સાથે અમદાવાદ શહેર પોલીસના સોશિયલ મીડિયા અકાઉન્ટ, સ્થાનિક અખબારો, આકાશવાણી અને દુરદર્શન મારફતે વ્યાપક પ્રચાર કરવામાં આવશે. શહેરની શાંતિ અને સલામતી માટે આ નિર્ણય અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now