Home Gujarat Ahmedabad Court Order Congress Leaders Pm Modi Adani Deepfake Video Removal

અદાણી એન્ટરપ્રાઈઝ દ્વારા કોંગ્રેસ અને તેના નેતાઓ સામે માનહાનીનો કેસ : PM મોદી અને અદાણીનો ડીપફેક વીડિયો કર્યો હતો શેર, કોર્ટે હટાવવાનો આપ્યો આદેશ

અદાણી એન્ટરપ્રાઈઝ દ્વારા કોંગ્રેસ અને તેના નેતાઓ સામે માનહાનીનો કેસ
Published by: OBS Bureau
Last Updated: Dec 20, 2025, 06:57 AM IST

અદાણી એન્ટરપ્રાઇઝિઝ લિમિટેડ દ્વારા દાખલ કરાયેલા માનહાનીના દાવાના જવાબમાં અમદાવાદ જિલ્લા સિવિલ કોર્ટે કોંગ્રેસ અને તેના ચાર નેતાઓ જયરામ રમેશ, સુપ્રિયા શ્રીનેત, પવન ખેડા અને ઉદય ભાનુને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના ડીપફેક વીડિયો 48 કલાકમાં દૂર કરવાનો આદેશ આપ્યો છે.

‘મોદી-અદાણી ભાઈ ભાઈ, દેશ વેચકર ખાઈ મલાઈ’

કોર્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માલિકો X કોર્પ અને ગૂગલ LLP ને પણ 72 કલાકમાં આ વીડિયો હટાવવાનો આદેશ આપ્યો છે. અમદાવાદ જિલ્લા કોર્ટના વધારાના સિવિલ જજે AELની અરજી પર એક્સ-પાર્ટે આદેશ આપ્યા હતા. કંપનીએ કોંગ્રેસના X હેન્ડલ પર 17 ડિસેમ્બરે પોસ્ટ કરાયેલા વીડિયોને લઈને વાંધો ઉઠાવ્યો હતો, જેમાં મોદી અને અદાણી વચ્ચેની વાતચીત દર્શાવવામાં આવી હતી અને તેની સાથે ‘મોદી-અદાણી ભાઈ ભાઈ, દેશ વેચકર ખાઈ મલાઈ’ એવો કેપ્શન મૂકવામાં આવ્યો હતો.

કંપનીએ આંતરિમ રાહત તરીકે રાજકીય પક્ષ, તેના નેતાઓ અને સોશિયલ મીડિયા કંપનીઓ સહિત 07 પ્રતિવાદીઓને તરત જ આ ડીપફેક વીડિયો હટાવવાનો આદેશ આપવા વિનંતી કરી હતી. કારણ કે તે નુકસાનકારક અને માનહાનિકારક હોવાનું જણાવ્યું હતું. કોર્ટે વધુમાં આદેશ આપ્યો કે પ્રતિવાદીઓ દ્વારા આદેશનું પાલન ન થવા પર, વાદીને માહિતી પ્રૌદ્યોગિકી, મધ્યસ્થ માર્ગદર્શિકા અને ડિજિટલ મીડિયા એથિક્સ કોડ નિયમો, 2021 અનુસાર યોગ્ય કાર્યવાહીની છૂટ આપવામાં આવે છે.

માનહાનીના દાવામાં AEL એ જણાવ્યું છે કે આ વીડિયોમાં અદાણીને “વ્હાઇટ-કોલર ક્રિમિનલ”, “લેન્ડ માફિયા”, “રાજકીય રીતે જોડાયેલ ગુનેગાર” અને સત્તાના દુરુપયોગમાં સંકળાયેલ વ્યક્તિ તરીકે દર્શાવવામાં આવ્યો છે. આ તમામ આક્ષેપો આધારવિહિન છે. કોઈ પણ ચકાસણી વિના કોંગ્રેસ પાર્ટી અને તેના નેતાઓએ આ વીડિયો પોસ્ટ કરી હોવાનું કહેવામાં આવ્યું છે. AELએ તાત્કાલિક આ માનહાનિકારક વીડિયો, પોસ્ટ્સ અને ડિજિટલ સામગ્રીને પ્રતિવાદીઓની વેબસાઇટ્સ, ચેનલો, પ્લેટફોર્મ્સ અને સોશિયલ મીડિયા હેન્ડલ્સ પરથી દૂર કરવાની તેમજ અરજીની સુનાવણી સુધી સમાન પ્રકારની કોઈ પણ માનહાનિકારક સામગ્રીના વધુ પ્રસાર, પ્રકાશન અથવા પુનઃપ્રકાશન પર રોક લગાવવાની માંગ કરી છે.

AEL એ વધુમાં કહ્યું છે કે કોંગ્રેસ અને તેના ચાર નેતાઓએ વીડિયો અને પોસ્ટ દ્વારા અદાણી પર ગુનાહિત પ્રવૃત્તિ, ભ્રષ્ટાચાર, જમીન કબજા, રાજકીય પ્રભાવનો દુરુપયોગ, ખાનગી નાગરિકોને હેરાનગતિ, કૃષિ જમીનનું ગેરકાયદે અધિગ્રહણ, જાહેર સત્તાધીશોનું મેનિપ્યુલેશન અને ગુનાહિત તત્વો સાથે સંડોવણી જેવા આક્ષેપો કર્યા છે. કંપનીએ દાવો કર્યો છે કે આ તમામ આરોપો સંપૂર્ણપણે ખોટા, ઘડવામાં આવેલા, આધારવિહિન અને દુર્ભાવનાથી પ્રેરિત છે.

આક્ષેપિત માનહાનિકારક સામગ્રી દૂર કરવા માટેની આંતરિમ રાહત અંગેની અરજીની સુનાવણી દરમિયાન કોર્ટે નોંધ્યું હતું કે આ સામગ્રી પ્રથમ દ્રષ્ટિએ દર્શાવે છે કે સોશિયલ મીડિયા પર પ્રતિવાદીઓની કાર્યવાહી વાદીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાની સંભાવના ધરાવે છે અને સમાજમાં તેની સ્થિતિ પર પ્રતિકૂળ અસર કરી શકે છે.કોર્ટે INC અને તેના નેતાઓને 29 ડિસેમ્બર સુધીમાં જવાબ રજૂ કરવા માટે શો કોઝ નોટિસ પણ જારી કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now