Home Gujarat Ahmedabad Cm Bhupendra Patel Inaugurates Multiple Development Projects

શિક્ષણ, પાણી અને સુશાસનનો ત્રિવેણી સંગમ : મુખ્યમંત્રીએ ઘાટલોડિયા અને બોડકદેવમાં જનસુવિધાના પ્રોજેક્ટ્સ ખુલ્લા મૂક્યા

શિક્ષણ, પાણી અને સુશાસનનો ત્રિવેણી સંગમ
Published by: OBS Bureau
Last Updated: Mar 08, 2026, 10:04 AM IST

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ શહેરમાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમોમાં શિક્ષણ, પાણી પુરવઠા અને વહીવટી સુવિધાઓને મજબૂત બનાવતા અનેક પ્રોજેક્ટ્સને પ્રારંભ અપાયો હતો. કાર્યક્રમમાં હર્ષ સંઘવી સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા.

તપોવન વિદ્યાવિહારનું ઉદ્ઘાટન

અમદાવાદમાં તપોવન વિદ્યાવિહારનું મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય દાતાઓનું સન્માન કરવામાં આવ્યું અને મુખ્યમંત્રી સહિત મહાનુભાવોએ વિદ્યાવિહારના વર્ગખંડોની મુલાકાત લીધી હતી. કાર્યક્રમમાં પૂજ્ય આચાર્ય ભગવંત હંસકીર્તિ સૂરિશ્વરજી મહારાજ અને ભવ્યકીર્તિ સૂરિશ્વરજી મહારાજ સહિત જૈન સાધુ-સંતો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

DyCM હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આધુનિક શિક્ષણ સાથે સંસ્કાર આપતું આ વિદ્યા સંકુલ સમાજ માટે મહત્વપૂર્ણ સાબિત થશે. તેમણે વડાપ્રધાનના ‘વિકાસ ભી વિરાસત ભી’ ના સૂત્રને આ વિદ્યાવિહાર સાકાર કરતું હોવાનું પણ જણાવ્યું.

ઘાટલોડિયા વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનનું લોકાર્પણ

મુખ્યમંત્રી દ્વારા ઘાટલોડિયા વિસ્તારમાં નવનિર્મિત વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા રૂ.55.31 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા આ પ્રોજેક્ટમાં 250 લાખ લીટર ક્ષમતાની ભૂગર્ભ ટાંકી અને 25 લાખ લીટર ક્ષમતાની ઓવરહેડ ટાંકીનો સમાવેશ થાય છે.

આ પ્રોજેક્ટના અમલથી આશરે 4 ચો.કિમી વિસ્તારમાં વસતા લગભગ 1.25 લાખ લોકો સુધી પૂરતા પ્રેશરથી પાણી પહોંચાડવામાં મદદ મળશે.

બોડકદેવમાં નવી સબ-ઝોનલ ઓફિસ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બોડકદેવ ખાતે નવનિર્મિત સબ-ઝોનલ ઓફિસનું પણ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. આ ઓફિસને સ્વ. બંસીભાઈ પ્રાણલાલ પટેલના નામે સમર્પિત કરવામાં આવી છે.

આ ઓફિસ શરૂ થતાં પશ્ચિમ ઝોનના નાગરિકોને ટેક્સ કલેક્શન, સિવિક સેન્ટર અને અન્ય વહીવટી સેવાઓ માટે હવે દૂર સુધી જવાની જરૂર રહેશે નહીં.

સરકારી ચાવડી અને અન્ન નાગરિક પુરવઠા કચેરીનું ખાતમુહૂર્ત

ઘાટલોડિયા વિસ્તારમાં મહેસૂલ વિભાગની સરકારી ચાવડી અને અન્ન-નાગરિક પુરવઠા વિભાગની કચેરીઓ માટેના નવા ભવનનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટથી સ્થાનિક નાગરિકોને સરકારી સેવાઓ એક જ સ્થળે સરળતાથી મળી રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now