Home Gujarat Agent Cheats Students Going To Study Abroad

વિદેશ અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓને એજન્ટે છેતર્યા : કોલેજની ફીના નામે રૂ.55 લાખ ખંખેર્યા, વિદેશ પહોંચતા જ ભાંડો ફૂટ્યો, પોલીસે આરોપીને દબોચ્યો

વિદેશ અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓને એજન્ટે છેતર્યા
Published by: OBS Bureau
Last Updated: Dec 27, 2025, 02:31 PM IST

Surat crime news : વિદેશમાં અભ્યાસના સપનાઓ લઈને ગયેલા વિદ્યાર્થીઓ સાથે એક મોટી છેતરપિંડીનો બનાવ બન્યો છે. વડોદરામાં કેનેડા અને યુએસએની યુનિવર્સિટીમાં અભ્યાસ માટે કોલેજની ફી ભરવાના બહાને વિદ્યાર્થીઓ સાથે મોટી ઠગાઈ કરનાર મુખ્ય આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. આરોપીએ ખોટી ફી રસીદો આપી હરણી અને છાણી વિસ્તારના વિદ્યાર્થીઓ તેમજ સુરતના એક વિદ્યાર્થી પાસેથી કુલ રૂ. 55 લાખથી વધુની રકમ ઉઘરાવી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

આરોપીએ વિદ્યાર્થીઓને નકલી રસીદો આપી હતી

મળતી માહિતી મુજબ આરોપી વિજયકુમાર પરષોત્તમ પરમારે વિદ્યાર્થીઓને વિદેશી યુનિવર્સિટીમાં ફી ભરાઈ જશે તેવી ખાતરી આપી હતી. વિશ્વાસ વધારવા માટે તેણે કેનેડા અને યુએસએની યુનિવર્સિટીઓની બનાવટી ફી રસીદો પણ વિદ્યાર્થીઓને આપી હતી. પરંતુ હકીકતમાં કોઈ પણ યુનિવર્સિટીમાં ફી જમા કરાવવામાં આવી નહોતી. આરોપી વડોદરાના અટલાદરા વિસ્તારમાં આવેલા બાલાજી કોમ્પ્લેક્ષમાં “ખુશી ફાઇનાન્શિયલ સોલ્યુશન” નામની ફોરેક્સ પેમેન્ટ ઓફિસ ચલાવતો હતો અને આ ઓફિસના નામે વિદ્યાર્થીઓ પાસેથી રકમ વસૂલતો હતો.

વિદ્યાર્થીઓ વિદેશ ગયા તો...

ફી ભરાઈ ગઈ હોવાનું માનીને કેટલાક વિદ્યાર્થીઓ વિદેશ ગયા હતા, પરંતુ ત્યાં પહોંચતા જ તેમને ખબર પડી કે તેમની કોલેજ ફી ભરાઈ નથી. પરિણામે વિદેશી યુનિવર્સિટીઓએ તેમને અભ્યાસની મંજૂરી આપી નહોતી અને સત્તાવાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને પરત ભારત મોકલી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ વિદ્યાર્થીઓએ એજન્ટનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આરોપી ફોન રિસીવ કરતો ન હોવાથી તેઓને પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનું સ્પષ્ટ થયું.

પોલીસે આરોપીને દબોચી લીધો

સમગ્ર મામલે વડોદરાના છાણી અને હરણી પોલીસ સ્ટેશનમાં તેમજ સુરતના ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદો નોંધાઈ હતી. ફરિયાદોના આધારે ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન માહિતી મળી હતી કે મુખ્ય આરોપી વિજયકુમાર પરમાર ભાયલી ફાટક નજીક કૃષ્ણા વાટિકા ફ્લેટમાં રહે છે. આ બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે રેડ કરી તેને ઝડપી લીધો હતો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now