Home Gujarat Action Taken Against 3 Officers In Purchase Of Equipment For Vadodara Fire Brigade

વડોદરા ફાયર બ્રિગેડના સાધનોની ખરીદીમાં 3 અધિકારી પર કાર્યવાહી : ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલ, ડે.ચીફ ફાયર ઓફિસર નૈતીક ભટ્ટ, HOD ડૉ.દેવેશ પટેલ સસ્પેન્ડ

વડોદરા ફાયર બ્રિગેડના સાધનોની ખરીદીમાં 3 અધિકારી પર કાર્યવાહી
Play Video
Published by: OBS Bureau
Last Updated: Aug 04, 2025, 05:28 PM IST

વડોદરા ફાયર બ્રિગેડમાં સાધનોની ખરીદી કૌભાંડ મામલે વડોદરા મ્યુનિસિપલ કમિશ્નરે કાર્યવાહી કરતા 3 અધિકારીઓને સસપેન્ડ કર્યા છે. કેટલાક દિવસ પૂર્વ વડોદરા ફાયર બ્રિગેડમાં સાધનોની ખરિદીમાં ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદ ઉઠી હતી. જે અંગે મુખ્યમંત્રીએ રિપોર્ટ માંગ્યો હતો. અને ત્યાર બાદ મ્યુનિસપલ કમિશ્નર અરુણ મહેશ બાબુ દ્વારા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર અને એકાઉન્ટન્ટ સહિત ચાર અધિકારીઓની તપાસ કમિટી બનાવી હતી અને ઊંડાણ પૂર્વક તપાસ કરવાઆદેશ કર્યો હતો. કમિટીના અહેવાલ બાદ મ્યુનિસિપલ કમિશ્નર અરુણ મહેશ બાબુએએ વડોદરા ફાયર અને ઇમરજન્સી વિભાગના ત્રણ સિનિયર અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે.


ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલ, ડે.ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ અને HOD દેવેશ પટેલને મ્યુનિસિપલ કમિશ્નર મહેશબાબુ દ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હોવાનું કોરોપોરેશનના સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે.

વડોદરા ફાયર બ્રિગેડમાં રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદી 8થી 10 ઘણા ભાવે કરવામાં આવી હતી. જેમાં બજારમાં 280 રૂપિયામાં મળતી સીસોટી ( વ્હીસલ ) 3238.73 રૂપિયા, રૂ. 1400 માં મળતી પાણીની બોટલ રૂ. 3639માં ખરીદવામાં આવી હતી. જ્યારે રૂ. 275માં મળતું ચપ્પુ રૂ. 3639માં અને 1800 રૂપિયામાં મળતી LED ટોર્ચનાં 18898 રૂપિયા ચુકવાયા છે. એટલું જ નહીં રૂ. 3800 માં મળતી ટૂલ કીટનાં ફાયર વિભાગે 18198 રૂપિયા ચૂકવ્યા છે.

સમગ્ર કૌભાંડ નો મામલો મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહોંચ્યો હતો,CMO તરફ થી પણ તપાસના આદેશો થયા હતા,મામલો વધુ ગંભીર બનતા ચાર સભ્યોની તપાસ કમિટી ની રચના કરવામાં આવી હતી અને અંતે ખરીદીમાં કૌભાંડ થયું હોવાના પુરાવા હાથ લાગતાં સોમવારે મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા સસ્પેન્શનનો ઓર્ડર જારી કરી દેવાયો હતો.

વિવાદનું બીજું નામ વડોદરા ફાયરબ્રિગેડ

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વડોદરા ફાયર બ્રિગેડ વિવાદનું બીજું નામ છે.અવાર નવાર અનેક મુદ્દે વિવાદોમાં ઘેરાયેલ રહેતુ વડોદરા ફાયરબ્રિગેડ તેના અધિકારીઓને કારણે સૌથી વધુ બદનામ થતું રહ્યું છે,ચીફ ફાયર ઓફિસરની નિમણૂકનો મુદ્દો, ભરતીનો મુદ્દો, ભ્રષ્ટાચારનો મુદ્દો જેવા અનેક વિવાદો તો હોયજ છે સાથે અન્ય વિવાદો પણ સર્જાતાં રહે છે.થોડા સમય પૂર્વે ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ વિરુદ્ધ કાર્યવાહી થઈ હતી, તો અન્ય એક ફાયર ઓફિસર નિકુંજ આઝાદ વિરુદ્ધ માંજલપુર પોલીસ મથકે એક યુવતી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી.ફરી એકવાર ખરીદી કૌભાંડ સામે આવ્યું અને આ વખતે મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી, જોવાનું હવે એ છે કે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાય છે કે પછી સસ્પેન્શનના નામે જવાબદારોને કાયદાના સકંજામાંથી બચાવી લેવામાં આવશે?.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now