Home Gujarat Surat Abvp Protest Against Gcas Portal Surat Gandhinagar Education News

GCAS પોર્ટલ સામે ABVPનું રાજ્યવ્યાપી આંદોલન : સુરતમાં પૂતળા દહન અને ગાંધીનગરમાં રસ્તા રોકો પ્રદર્શન, જાણો શું છે વિદ્યાર્થીઓની માંગ

Gandhinagar Surat ABVP Protes
Published by: Nirali Gohil
Last Updated: Apr 17, 2026, 09:09 AM IST

ABVP Protes: ગુજરાત કોમન એડમિશન સર્વિસ (GCAS) પોર્ટલની ખામીઓ અને ઉંચી ફી વિરુદ્ધ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે (ABVP) મોરચો માંડ્યો છે. સુરતની VNSGU અને ગાંધીનગરના CH-3 સર્કલ ખાતે કાર્યકર્તાઓએ ઉગ્ર વિરોધ નોંધાવી સરકાર પાસે પોર્ટલની નીતિઓમાં સુધારો કરવાની માંગ કરી છે.

સુરત: VNSGU ખાતે સૂત્રોચ્ચાર અને પૂતળા દહન

સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ખાતે આજે ABVP દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. GCAS પોર્ટલની અનિયમિતતા અને વિદ્યાર્થી વિરોધી નીતિઓને લઈને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યકર્તાઓએ GCAS ના પૂતળાનું દહન કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.

ABVP સુરતના પ્રમુખ શુભમ સિંહે જણાવ્યું હતું કે, "આજે અમે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ખાતે જીકાસ (GCAS) પોર્ટલના મુદ્દે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ. ગુજરાત સરકાર દ્વારા બે વર્ષ પહેલા જે 'કોમન એડમિશન પોર્ટલ' શરૂ કરવામાં આવ્યું છે, તેનાથી સમગ્ર ગુજરાતની ૧૫ જેટલી સ્ટેટ યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

વિદ્યાર્થીઓને એડમિશન લેવામાં અને ફોર્મ ભરવામાં ઘણી મુશ્કેલીઓ પડે છે. એટલું જ નહીં, પ્રવેશના એક પછી એક રાઉન્ડ માટે વિદ્યાર્થીઓએ લાંબી રાહ જોવી પડે છે. આ જટિલ પ્રક્રિયાથી કંટાળીને વિદ્યાર્થીઓ હવે પ્રાઇવેટ યુનિવર્સિટીઓ તરફ ભાગી રહ્યા છે. અમારી ગુજરાત સરકાર પાસે સીધી માંગ છે કે આ જીકાસ પોર્ટલને તાત્કાલિક બંધ કરવામાં આવે. જ્યાં સુધી વિદ્યાર્થીઓની આ સમસ્યાનો ઉકેલ નહીં આવે અને પોર્ટલ બંધ નહીં થાય, ત્યાં સુધી અમારો આ વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે."

આ પણ વાંચો: ભાજપે ખેલ્યું ધાર્મિક કાર્ડ : રઘુ દેસાઈએ કહ્યું ભૂવા-ભોપાળાથી ચૂંટણીનાં જીતાય

ગાંધીનગર: રસ્તો રોકીને નોંધાવ્યો વિરોધ

ગાંધીનગરમાં પણ ABVP ના કાર્યકર્તાઓએ આક્રમક તેવર બતાવ્યા હતા. શહેરના CH-3 સર્કલ ખાતે કાર્યકર્તાઓએ રસ્તો રોકીને સરકાર વિરુદ્ધ નારા લગાવ્યા હતા. GCAS પોર્ટલમાં સર્વર ડાઉન થવાની સમસ્યા અને લાંબી પ્રવેશ પ્રક્રિયાને કારણે વિદ્યાર્થીઓનું વર્ષ બગડે તેવી ભીતિ સેવવામાં આવી રહી છે.

ગુજરાત પ્રદેશ સહમંત્રી પૂર્વિલ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, "અમારી મુખ્ય બે માંગણીઓ છે: પ્રથમ, ખાનગી યુનિવર્સિટીઓને પણ આ પોર્ટલમાં સામેલ કરવામાં આવે જેથી સરકારી કોલેજો ખાલી ન રહે. બીજું, જે ₹300 રજીસ્ટ્રેશન ફી ઉઘરાવવામાં આવે છે તે નિઃશુલ્ક કરવામાં આવે અથવા તો ઘટાડવામાં આવે, કારણ કે છેવાડાના ગામડાના વિદ્યાર્થીઓ માટે આ મોટી રકમ છે. જો આગામી સમયમાં વિદ્યાર્થી પરિષદની આ માંગણીઓ પૂરી કરવામાં નહીં આવે, તો અત્યારે માત્ર જિલ્લા કેન્દ્રો પર ધરણા પ્રદર્શન થઈ રહ્યા છે, પણ આવનારા સમયમાં દરેક કોલેજોની બહાર વિદ્યાર્થી પરિષદ જીકાસના વિષયને લઈને ઉગ્ર આંદોલન કરવા પણ તૈયાર છે."

શું છે વિદ્યાર્થીઓની મુખ્ય માંગણીઓ?

  • ખાનગી યુનિવર્સિટીઓનો સમાવેશ: GCAS પોર્ટલમાં માત્ર સરકારી કોલેજો હોવાથી પ્રાઇવેટ યુનિવર્સિટીઓ સીધું એડમિશન આપી રહી છે, જેનાથી સરકારી બેઠકો ખાલી રહે છે.

  • રજીસ્ટ્રેશન ફીમાં ઘટાડો: ₹300 ની ફી ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે બોજ સમાન છે.

  • સરળ પ્રવેશ પ્રક્રિયા: પોર્ટલની ટેકનિકલ ખામીઓ દૂર કરી પ્રવેશ પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવે.

ABVP એ ચીમકી આપી છે કે જો આગામી દિવસોમાં સરકાર દ્વારા આ માંગણીઓ સંતોષવામાં નહીં આવે, તો સમગ્ર રાજ્યની તમામ કોલેજો બહાર ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now