Home Gujarat Aap President Isudan Gadhvis Explanation On The Slapping Incident In Morbi

ઈસુદાનને સવાલ પૂછનારને કોણે મારી ઝાપટ? : થપ્પડકાંડ બાદ ઈસુદાન ગઢવીએ કહ્યું થપ્પડ મારનાર AAPનો નથી

ઈસુદાનને સવાલ પૂછનારને કોણે મારી ઝાપટ?
Play Video
Published by: OBS Bureau
Last Updated: Aug 05, 2025, 05:53 AM IST

મોરબીમાં AAPની જાહેરસભામાં બની ઘટના

AAPના પ્રદેશ પ્રમુખને પ્રશ્ન પૂછવો ભારે પડ્યો

ઈસુદાન ગઢવીને પ્રશ્ન પૂછનારને લાફો મારવામાં આવ્યો

કેજરીવાલ પર સવાલ કર્યો તો AAP કાર્યકરે માર્યો લાફો!

Gujarat Politics: ગુજરાતમાં AAP પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવી એ મોરબીમાં મોટી સંખ્યામાં જનસભાને ગજવી રહ્યાં હતાં. એવામાં એક યુવકે માત્ર પબ્લિકની વચ્ચેથી ઉભા થઈને ઈસુદાન ગઢવીને આમ આદમી પાર્ટીની કાર્યપ્રણાલી વિશે બે સવાલ પૂછ્યાં. જેમાં આમ આદમી પાર્ટીના સર્વેસર્વા અરવિંદ કેજરીવાલ વિશે અને દિલ્લીની સ્થિતિ વિશે સવાલ કરતાની સાથે જ AAP કાર્યકરે ભરી સભામાં ઈસુદાન ગઢવીને સવાલ કરનાર યુવકને ઝાપટ મારી દીધી.

ઉલ્લેખનીય છેકે, આ ઘટનાનો વીડિયો સામે આવતા ભારે વિવાદ છેડાયો. પોલીસની હાજરીમાં આ ઘટના બની હતી. જોકે, ઝાપટ મારનાર કાર્યકર સામે પગલાં લેવાને બદલે પોલીસ માર ખાનાર યુવકને જ ધમકાવતી વીડિયોમાં જોવા મળે છે. ત્યારે હવે સમગ્ર મામલે વિવાદ વકરતા AAPના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી છે.

મોરબીમાં થયેલાં લફાકાંડ મુદ્દે ઈસુદાન ગઢવીએ જણાવ્યું છે્કે, મુખ્યમંત્રી અને ભાજપના નેતાઓએ પોતાના મળતીયાઓ મોકલીને આમ આદમી પાર્ટીની સભાને ડિસ્ટર્બ કરવાની કોશિશ કરી છે. વિસાવદર વાળી થવાના ડરથી AAPની જનસભાને ખંડિત કરવાની બીજેપીની મેલી મુરાદ છે. ગુજરાતભરમાં જનસભા થકી ગામડે ગામડે સભા જોઈ મોરબીમાં બીજેપીની બોખલાટ સામે આવી છે.

મોરબીમાં થયેલ થપ્પડકાંડ મુદ્દે AAP પ્રમુખ ઇસુદાન ગઢવીનો ખુલાસોઃ

ઈસુદાન ગઢવીએ એવી પણ સ્પષ્ટતા કરી છેકે, મોરબીમાં સભામાં જે વ્યક્તિએ યુવકને થપ્પડ મારી તે AAP સાથે સંકળાયેલ નથી. ભાજપ અને મુખ્યમંત્રીની નિમ્ન કક્ષાની રાજનીતિનો નમુનો લોકોને જોવા મળ્યો. ગુજરાતભરમાં AAPની ૨૦૦૦થી પણ વધારે જનસભાનું આયોજન છે. આમ આદમી પાર્ટીની સભાઓથી ભાજપમાં ભયનો માહોલ ફેલાયો છે. આ કોઈ પ્રકારનું ષડયંત્ર હોઈ શકે છે.

વધુમાં ઈસુદાન ગઢવીએ જણાવ્યું છેકે, વિસાવદર વાળી કરીશું, ગુજરાતની જનતા પરિવર્તનના મૂડમાં આવી છે. અમે ગરીબો, વંચિત, શોષીતો, બેરોજગાર યુવાનોનો અવાજ ઉઠાવતા રહીશો.

આ AAPની છબી ખરાબ કરવાનું ષડયંત્ર હોઈ શકે છે. આમ આદમી પાર્ટી કોઈપણ પ્રકારની હિંસાને સમર્થન આપતી નથી.

જોકે, મહત્ત્વનું છેકે, આમ આદમી પાર્ટીના મોરબીના કાર્યક્રમમાં જે વ્યક્તિએ યુવકને લાફો માર્યો તે સ્ટેજથી એકદમ નજીક હતો. ઈસુદાન ગઢવીની બિલકુલ સામે ઉભો હતો. તે વ્યક્તિ કાર્યક્રમનું એક પ્રકારે સંચાલન કરી રહ્યો હતો. હવે લાફાકાંડ બાદ વિવાદ વકરતા તેની આમ આદમી પાર્ટી સાથે કોઈ નિસ્બત ન હોવાનું નિવેદન ખુદ પ્રદેશ પ્રમુખે આપવું પડ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now