Home Gujarat Aadhaar App Linked With Pathik App

‘આધાર એપ’ને PATHIK એપ્લિકેશન સાથે સાંકળવામાં આવી! : આ કરારથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ભારતની પ્રથમ કાયદા અમલીકરણ એજન્સી બની

‘આધાર એપ’ને PATHIK એપ્લિકેશન સાથે સાંકળવામાં આવી!
Published by: OBS Bureau
Last Updated: Jan 28, 2026, 01:44 PM IST

અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે ડિજિટલ ગવર્નન્સ અને જાહેર સુરક્ષાના ક્ષેત્રમાં એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. આધાર-ઇન્ટિગ્રેટેડ ‘PATHIK’ (Program for Analysis of Traveler and Hotel InformatiCs) સોફ્ટવેર સાથે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) સાથે ઔપચારિક કરાર કરીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ભારતની પ્રથમ કાયદા અમલીકરણ એજન્સી બની છે. આ પહેલને “સ્માર્ટ પોલીસિંગ” તરફનો એક મહત્વપૂર્ણ અને અગ્રગણ્ય પગથિયો ગણાવવામાં આવી રહ્યો છે.

‘આધાર એપ’ને PATHIK એપ્લિકેશન સાથે સાંકળવામાં આવી

આ સહયોગ અંતર્ગત ‘આધાર એપ’ને PATHIK એપ્લિકેશન સાથે સાંકળવામાં આવી છે, જેના કારણે હોટલ, પીજી (PG) અને હોમસ્ટેમાં રહેતા મહેમાનોની ઓળખ ઝડપી અને સુરક્ષિત રીતે ચકાસી શકાય છે. અપગ્રેડ કરાયેલ PATHIK સિસ્ટમમાં સંમતિ આધારિત QR-કોડ સ્કેનિંગ દ્વારા ત્વરિત વેરિફિકેશનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે, જેનાથી સમય બચત સાથે સાથે સુરક્ષા પણ મજબૂત બની છે. આ સિસ્ટમની ખાસ વાત એ છે કે તેમાં નાગરિકોની ગોપનીયતાને સંપૂર્ણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. PATHIK સિસ્ટમમાં કોઈ પણ આધાર નંબર સંગ્રહિત કરવામાં આવતો નથી. તેના બદલે, ચકાસણી માટે સુરક્ષિત અને ડિજિટલી સાઇન કરેલી વ્યક્તિગત વિગતો તથા ફોટોગ્રાફ્સનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી ડેટાની સુરક્ષા જળવાઈ રહે.

રાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠિત માન્યતા મળી

PATHIK સોફ્ટવેરની તકનીકી શ્રેષ્ઠતા અને વ્યવહારિક ઉપયોગિતાને કારણે તેને રાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠિત માન્યતા મળી છે. અસંખ્ય અરજદારોમાંથી માત્ર 11 એજન્સીઓને રાષ્ટ્રીય મંચ પર તેમની ટેકનિકલ ક્ષમતાઓ રજૂ કરવાની તક મળી હતી, જેમાં PATHIK એકમાત્ર લો-એન્ફોર્સમેન્ટ પ્રોજેક્ટ તરીકે પસંદગી પામ્યું છે. આ બાબત સુરક્ષા વ્યવસ્થાના આધુનિકીકરણમાં તેની વિશિષ્ટ ભૂમિકા દર્શાવે છે. 2017માં સ્થાનિક સ્તરે શરૂ થયેલી PATHIK પહેલ આજે રાજ્યવ્યાપી સફળતામાં ફેરવાઈ છે. હાલ સમગ્ર ગુજરાતમાં 9,000થી વધુ હોટલો આ સિસ્ટમ સાથે જોડાઈ ચૂકી છે. આ સિસ્ટમ દ્વારા અત્યાર સુધીમાં 50થી વધુ ગુમ થયેલ વ્યક્તિઓને શોધવામાં તેમજ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની ઓળખ કરવામાં મહત્વપૂર્ણ મદદ મળી છે.

આધાર સાથેનું નવું એકીકરણ PATHIKને સુરક્ષિત, પેપરલેસ અને પારદર્શક ગેસ્ટ મોનિટરિંગ માટે રાષ્ટ્રીય સ્તરે એક મોડેલ તરીકે વધુ મજબૂત બનાવે છે અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટેકનોલોજી આધારિત પોલીસિંગ દિશામાં નવી ઓળખ ઊભી કરે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now