Home Gujarat A Unique Thief Who Steals Gold Necklaces From Swaminarayan Temples

સ્વામીનારાયણ મંદિરોમાં સોનાના હાર ઠગી જતો અનોખો ચોર : 13 મંદિરો નિશાન બનાવ્યા, ભેજાબાજની કરી ધરપકડ

સ્વામીનારાયણ મંદિરોમાં સોનાના હાર ઠગી જતો અનોખો ચોર
Published by: OBS Bureau
Last Updated: Dec 27, 2025, 01:22 PM IST

Swaminarayan temple Theft : સ્વામીનારાયણ મંદિરોમાં ભક્ત બનીને પ્રવેશ કરી સોનાના હાર ઠગી લેતો એક અનોખો હરિભક્ત આખરે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાયો છે. આરોપીએ રાજ્યના કુલ 13 સ્વામીનારાયણ મંદિરોને નિશાન બનાવ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ખાસ કરીને અમદાવાદના વાસણા વિસ્તારમાં આવેલા સ્વામીનારાયણ મંદિરમાંથી સોનાના હારની ચોરીનો મામલો સામે આવતા ક્રાઈમ બ્રાન્ચે ઝડપી કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી છે.

હરિભક્ત બની ખેલ રચતો અને વિશ્વાસમાં લઈ ઠગાઈ કરતો

મળતી માહિતી મુજબ આરોપીએ પોતાને હરિભક્ત બતાવી મંદિરના કોઠારી અને સ્વામીજીને વિશ્વાસમાં લઈ ઠગાઈનો ખેલ રમ્યો હતો. આરોપીએ ખોટી માનતાનું બહાનું બનાવી કહ્યું હતું કે તેની દીકરીને સરકારી મેડિકલ કોલેજમાં એમ.બી.બી.એસ.માં એડમિશન મળ્યું છે અને આ ખુશીમાં ભગવાનને 51 ગ્રામ સોનું અર્પણ કરવાની માનતા રાખી છે. આરોપીએ સ્વામીજીને ફોન કરીને પોતે સુરતથી ગોપાલભાઈ” બોલું છું તેમ ખોટું નામ ધારણ કર્યું હતું.

પત્નીને હાર બતાવવાનું બહાનું કરી છટકી ગયો હતો

20 ડિસેમ્બરના રોજ વાસણા બસ સ્ટેન્ડ સામે આવેલા સ્વામીનારાયણ મંદિરમાં તેણે સ્વામીજીને વિશ્વાસ આપ્યો હતો કે જો મંદિર પાસે સોનું ઉપલબ્ધ હોય તો તે ભગવાનને અર્પણ કરશે અને તેની સામે ચેક મારફતે ચુકવણી કરી દેશે. આ વિશ્વાસના આધારે 21 ડિસેમ્બરના રોજ આરોપીએ સ્વામીજી પાસેથી ભગવાનને ચડાવવા માટે સોનાનો હાર અને બુટ્ટી જોડ-1 મેળવી લીધા હતા. ત્યારબાદ પત્નીને હાર બતાવી આવું છું એવું કહી મંદિરના પરિસરમાંથી બહાર નીકળી ગયો અને પાછો ફર્યો નહીં. આ રીતે તેણે છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો હતો.

પોલીસે આરોપીને દબોચી મુદ્દામાલ જપ્ત કર્યો

ઘટનાની જાણ થતાં અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી અને ટેક્નિકલ તથા માનવીય સૂત્રોના આધારે આરોપીને ઝડપી પાડ્યો છે. ક્રાઈમ બ્રાન્ચે આરોપી પાસેથી સોનાનો હાર અને બુટ્ટી જોડ-1 સહિત કુલ અંદાજે રૂ. 6,47,000ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now