Home Gujarat A Mur Derous Game Played Out Over A Simple Parking Dispute

સામાન્ય પાર્કિંગની તકરારમાં ખેલાયો ખૂની ખેલ : પિતા-પુત્ર સહિત ત્રિપૂટિના હુમલામાં આધેડનું કરુણ મોત, હત્યારા. પિતા-પુત્રની ધરપકડ

સામાન્ય પાર્કિંગની તકરારમાં ખેલાયો ખૂની ખેલ
Published by: OBS Bureau
Last Updated: Feb 27, 2026, 04:41 AM IST

દાહોદ જિલ્લાના ફતેપુરામાંથી એક ગંભીર ઘટના સામે આવી છે. ચોકડી ત્રણ રસ્તા નજીક ભરબપોરે સામાન્ય પાર્કિંગ બાબતે થયેલી તકરાર હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેમાં આધેડનું કરૂણ મોત થવાથી નગરમાં ભારે ચકચાર મચી ગઈ હતી.

મળતી માહિતી મુજબ બલૈયા ચોકડી પાસે આવેલી બાલાજી ટેલિકોમ દુકાન આગળ એક ગ્રાહકે પોતાની મોટરસાયકલ પાર્ક કરી હતી. આ મુદ્દે મયુર વિકેશ અગ્રવાલ, વિકેશ ગિરધારીલાલ અગ્રવાલ અને રંજનાબેન વિકેશભાઈ અગ્રવાલે મુકેશભાઈ સાગરમલ અગ્રવાલ સાથે ઉગ્ર વાદવિવાદ શરૂ કર્યો હતો. તકરાર દરમ્યાન ગાળો બોલાતા મામલો વધુ ઉગ્ર બન્યો હતો.

આક્ષેપ મુજબ મયુર અગ્રવાલે આવેશમાં આવી મુકેશભાઈને ગળાથી પકડી જમીન પર પાડી દીધા અને છાતીના ભાગે ઘૂંસા-લાતો મારી હતી. વિકેશ અગ્રવાલે પણ તેમાં જોડાઈ મારામારી કરી તેમજ પ્લાસ્ટિકની પાઈપથી પ્રહાર કર્યા હોવાનો આરોપ છે. રંજનાબેન દ્વારા ઉશ્કેરણી કરવામાં આવી અને દુકાનના શટર તરફ પથ્થરમારો કરવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળે છે. ત્રણેય આરોપીઓએ એકબીજાની મદદથી મારામારી કરી હોવાનું ફરિયાદમાં ઉલ્લેખાયું છે.
મારામારી બાદ મુકેશભાઈને છાતીમાં ભારે દુખાવો શરૂ થતાં તેમને તાત્કાલિક ફતેપુરા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતકના પરિવારજનોએ ગંભીર મારને કારણે મોત થયાનો આક્ષેપ કર્યો છે, જોકે મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સ્પષ્ટ થશે.

ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો ભેગા થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ ગામમાં ફેલાતાં હાહાકાર મચી ગયો હતો.

ફતેપુરા પોલીસ સ્ટેશનમાં સંદીપકુમાર માલીરામ અગ્રવાલે નોંધાવેલી ફરિયાદના આધારે ત્રણેય સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે મયુર અને વિકેશ અગ્રવાલની ધરપકડ કરી છે, જ્યારે રંજનાબેન ફરાર હોવાનું જાણવા મળે છે. લાશને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવી છે. આગળની તપાસ પોલીસ દ્વારા હાથ ધરાઈ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now