Home Sports A Case Was Filed Against Csk Team Even Before Ipl 2026 Know What Is The Matter

IPL 2026 પહેલા જ CSK ની ટીમ પર થયો કેસ! : MS ધોનીની ટીમ મુશ્કેલીમાં મુકાઈ, જાણો શું છે મામલો

IPL 2026 પહેલા જ CSK ની ટીમ પર થયો કેસ!
Published by: OBS Bureau
Last Updated: Mar 14, 2026, 10:07 AM IST

IPL : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 ની શરૂઆતમાં હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે પાંચ વખતની ચેમ્પિયન ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) માટે એક માઠા સમાચાર આવ્યા છે. મેદાન પર મેચની શરૂઆત થાય તે પહેલા જ ફ્રેન્ચાઇઝી કાનૂની મુશ્કેલીમાં ફસાઈ ગઈ છે. સન ટીવી નેટવર્ક લિમિટેડે મદ્રાસ હાઈકોર્ટમાં CSK વિરુદ્ધ કોપીરાઈટના ઉલ્લંઘનનો ગંભીર કેસ દાખલ કર્યો છે, જેના કારણે સોશિયલ મીડિયા પર ખળભળાટ મચી ગયો છે.

શું છે વિવાદ?

સન ટીવી દ્વારા કરવામાં આવેલા દાવા મુજબ, ચેન્નાઈ સુપર કિંગ્સે તેમના સોશિયલ મીડિયા કન્ટેન્ટને પ્રમોટ કરવા માટે રજનીકાંતની જાણીતી ફિલ્મોના ગીતો અને ડાયલોગ્સનો ગેરકાયદેસર ઉપયોગ કર્યો છે. આમાં રજનીકાંતની સુપરહિટ ફિલ્મો જેવી કે 'જેલર', 'જેલર 2' અને 'કુલી' ના ઓડિયો ટ્રેક, બેકગ્રાઉન્ડ મ્યુઝિક અને ડાયલોગ્સનો સમાવેશ થાય છે. સન ટીવી દ્વારા આરોપ કરવામાં આવ્યો છે કે, CSK ની ટીમે આ ઓડિયો ટ્રેક, બેકગ્રાઉન્ડ મ્યુઝિક અને ડાયલોગ્સ માટે કોઈ પૂર્વ મંજૂરી લીધી ન હતી.

જર્સી લોન્ચ અને વિવાદનું કારણ

આ સમગ્ર વિવાદ 1 માર્ચ, 2026 ના રોજ શરૂ થયો હતો. CSK એ જ્યારે તેની નવી જર્સી લોન્ચ કરવાનો વીડિયો સોશિયલ મીડિયા પર મૂક્યો, ત્યારે તેમાં રજનીકાંતની ફિલ્મોના ગીતોનો ઉપયોગ કર્યો હતો. ખાસ કરીને મહેન્દ્ર સિંહ ધોનીના કેમ્પમાં એન્ટ્રીના દ્રશ્યોમાં અનિરુદ્ધ રવિચંદરના સંગીતનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સન ટીવીનું કહેવું છે કે, CSK એ રજનીકાંતની લોકપ્રિયતાનો ફાયદો ઉઠાવીને પોતાની ₹2,399 ની જર્સી અને અન્ય વસ્તુઓનું વેચાણ વધારવા માટે આ ગીતોનો ઉપયોગ કર્યો છે.

કોર્ટની કાર્યવાહી અને ટીમનું પગલું

વિવાદ વધતા અને સન ટીવી તરફથી ઈમેલ મળતા જ CSK એ 1 માર્ચના રોજ તે વિવાદાસ્પદ વીડિયો હટાવી લીધો હતો અને તેમાં ફેરફાર કરીને ફરીથી અપલોડ કર્યો હતો. જોકે, મામલો ત્યાં શાંત થયો નથી. સન ટીવીએ હાઈકોર્ટને વિનંતી કરી છે કે, CSK ને ભવિષ્યમાં આવા કન્ટેન્ટ વાપરતા અટકાવવામાં આવે અને આ પ્રમોશન દ્વારા ટીમે જે નફો કર્યો છે તેની સંપૂર્ણ વિગતો રજૂ કરવાનો આદેશ આપવામાં આવે.

અન્ય ટીમોમાં ફફડાટ

CSK પર થયેલા આ કેસ બાદ અન્ય IPL ફ્રેન્ચાઇઝીઓ પણ સાવધ થઈ ગઈ છે. રિપોર્ટ્સના જણાવ્યા અનુસાર, આ ઘટના બાદ, અન્ય IPL ફ્રેન્ચાઇઝીઓએ પણ તેમની કન્ટેન્ટ ટીમોને સોશિયલ મીડિયા પોસ્ટ માટે ઓડિયો ટ્રેકનો ઉપયોગ કરતી વખતે સાવધાની રાખવાની સલાહ આપી છે, જેથી ભવિષ્યમાં આવી કાનૂની મુસીબતથી બચી શકાય.

મેદાન પરનો જંગ

કાનૂની વિવાદો વચ્ચે પણ ફેન્સમાં IPL નો ભારે ઉત્સાહ છે. IPL 2026 નો પ્રારંભ 28 માર્ચથી થવા જઈ રહ્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) તેની પ્રથમ મેચ 30 માર્ચના રોજ રાજસ્થાન રોયલ્સ (RR) સામે રમશે. હવે જોવાનું એ રહેશે કે મેદાન બહાર ચાલી રહેલો આ વિવાદ ધોનીની ટીમની રમત પર શું અસર કરે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now