Home Gujarat A Bag Of Appointments In Gujarat Aap

ગુજરાત AAPમાં પદ નિયુક્તિનું 'પોટલું' ખોલાયું! : તા. મહામંત્રી, કિસાન સેલ, વોર્ડ પ્રભારીના પદની વહેચણી કરાઈ!

ગુજરાત AAPમાં પદ નિયુક્તિનું 'પોટલું' ખોલાયું!
Published by: OBS Bureau
Last Updated: Dec 17, 2025, 07:51 AM IST

AAP Appointees : આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી (AAP) દ્વારા સંગઠન મજબૂત કરવાની દિશામાં મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. AAPના પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પ્રદેશ સંગઠન મહામંત્રી પ્રવીણ સોરઠીયાની આગેવાનીમાં રાજ્યભરમાં મોટી સંખ્યામાં પદાધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી હોવાનું પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આ નિયુક્તિઓનો મુખ્ય હેતુ ગ્રાસરૂટ લેવલે સંગઠન મજબૂત કરવો અને આવનારી ચૂંટણીમાં મજબૂત તૈયારી કરવી છે.

AAP ની જિલ્લા-તાલુકામાં સંખ્યાબંધ નિયુક્તિઓ

AAP દ્વારા અમદાવાદ, સુરત, રાજકોટ, નડિયાદ, સુરેન્દ્રનગર, જામનગર, નવસારી અને વાપી મહાનગરપાલિકાઓમાં વોર્ડ પ્રભારી અને સહ પ્રભારીની નિયુક્તિ કરવામાં આવી છે. આ સાથે ભુજ શહેરમાં શહેર પ્રમુખ, શહેર મંત્રી, લઘુમતી મોરચાના તાલુકા મહામંત્રી તેમજ તાલુકા કિસાન સેલના પ્રમુખની નિમણૂક કરવામાં આવી છે. ઉપરાંત લખપત તાલુકામાં તાલુકા મહામંત્રી, તાલુકા મંત્રી અને નખત્રાણા તાલુકા મહિલા મોરચાના મહામંત્રીની નિયુક્તિ પણ કરવામાં આવી છે.

પ્રભારી અને સહ પ્રભારી તેમજ વોર્ડ સ્તરે પ્રભારી અને સહ પ્રભારીની નિયુક્તિઓ

પાર્ટી દ્વારા આ ઉપરાંત ગુજરાતની અનેક નગરપાલિકાઓમાં પ્રભારી અને સહ પ્રભારી તેમજ વોર્ડ સ્તરે પ્રભારી અને સહ પ્રભારીની નિયુક્તિઓ કરવામાં આવી છે. સાથે જ સંખ્યાબંધ જિલ્લા પંચાયતોની સીટો માટે પણ પ્રભારી અને સહ પ્રભારીની નિમણૂક કરાઈ છે, જેથી સ્થાનિક સ્તરે પક્ષની કામગીરીને વધુ ગતિ મળી શકે.

'આ નિયુક્તિઓ પાર્ટીના સંગઠનને વધુ સક્રિય બનાવશે'

AAPના નેતાઓએ જણાવ્યું છે કે આ નિયુક્તિઓ પાર્ટીના સંગઠનને વધુ સક્રિય બનાવશે અને જનતા સુધી પક્ષની નીતિઓ અને કાર્યક્રમો પહોંચાડવામાં મદદરૂપ થશે. પાર્ટી દ્વારા એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આવનાર સમયમાં આમ આદમી પાર્ટી વધુ નિયુક્તિઓ કરશે, જેથી ગુજરાતમાં સંગઠનાત્મક માળખું વધુ મજબૂત બની શકે અને ચૂંટણીમાં મજબૂત વિકલ્પ તરીકે પક્ષ પોતાને રજૂ કરી શકે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now